ધો.૧૨ સાયન્સનો અભ્યાસક્રમ પુરો નથી થયો અને પરિક્ષાની રસીદ આવી ગઈ : વાલીગણ ચિંતિત
ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ માથે છે ત્યારે મોડલ સ્કૂલમાં ધો.૧૨ સાયન્સનો અભ્યાસક્રમ પુરો ન થતાં ૬ જેટલા વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ છે. ધોરણ ૬ થી ૧૨ સુધી ૨૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકોની મહેકમ પુરી ન હોવાથી બાળકોના અભ્યાસ સાથે ચેડા પણ થઈ રહ્યા હોવાની ફરીયાદ વાલી તેમજ એસએમસીના સભ્યો દ્વારા કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર હસ્તક અને રાજ્ય સરકાર સંચાલિત મોડેલ સ્કૂલમાં શિક્ષકોની મહેકમ પુરી ન હોવાથી બાળકોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. એકબાજુ સરકાર દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” અને સર્વ શિક્ષા અભિયાન જેવા અભિયાનો ચલાવી રહ્યા છે.ત્યારે મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી ૬ છાત્રાઓનું અભ્યાસક્રમ પુરો થયો નથી અને બોર્ડની પરીક્ષાની રસીદ આવી ગઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાબતે બાળકોના ભવિષ્ય માટે ચિંતિત વાલીઓ દ્વારા આજે આચાર્યને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે મોડલ સ્કુલમાં ૧૧ શિક્ષકોની મહેકમ હોય અને ૭ શિક્ષકો ફરજ બજાવતા હોવાની આચાર્ય દ્વારા જણાવાયું હતું.જેમાં ૬ થી ૧૦ ધોરણસુધી કોઈ પણ વિષયના સ્પેશિયલ શિક્ષકો તેમજ ધોરણ ૧૧/૧૨ સાયન્સમાં બાયોલોજી અને ગણીતના શિક્ષકો નથી. તો સાથોસાથ શાળામાં કલાર્ક, પટ્ટાવાળા તેમજ સફાઈકર્મીની પણ જગ્યા ખાલી હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે કેન્દ્ર સરકાર હસ્તક અને રાજ્ય સરકાર સંચાલિત મોડલ સ્કુલમાં ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી રહી છે. જેમાં છાત્રોનું ધ્યાન પણ કામચલાઉ ગૃહપતિ કરી રહ્યા છે. ત્યારે સત્વરે કાયમી ધોરણે ગૃહપતિ મળે તેવી માંગ વાલીગણ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે મોડલ સ્કુલના શિક્ષક બિપીનભાઈ હળવદીયાના જણાવ્યા અનુસાર મોડલ સ્કૂલમાં ૧૧ શિક્ષકની મહેકમ છે અને ૭ શિક્ષકો દ્વારા ૨૨૦ જેટલા વિધ્યાર્થીઓને શિક્ષણ અપાય રહ્યું છે. તેમજ છાત્રાલય માટે ગૃહમાતાની જગ્યા કાયમી ધોરણે ભરવામાં આવે અને કલાર્ક તેમજ પટ્ટાવાળા, સફાઈકર્મીની ખાલી જગ્યાઓ ભરવા માટે તાલુકા શિક્ષણ અધિકારીને અગાઉ રજૂઆત કરવામાં આવી છે.
સમયાંતરે શિક્ષકોને ભણતરની સાથે સાથે કલાર્કની કામગીરીનો પણ બોજો શિક્ષકો પર હોવાથી વિદ્યાર્થીઓને પૂરતું સમય ન આપી શકવાથી અભ્યાસ બગડે છે અને શાળામાં કાયમી ધોરણે પટ્ટાવાળાની જગ્યા ખાલી હોવાથી પરચુરણ કામમાં પણ શિક્ષકોનું સમય વેડફાય છે તેમજ સફાઇકર્મીના અભાવે “મોડલમાં ગંદકી”નું સામ્રાજ્ય પણ મહદઅંશે દશ્યમાન થાય છે.