ખંડણી પડાવવાના ઇરાદે રિવોલ્વર, તલવાર, ધોકા અને પાઇપ સાથે ૨૭ જેટલા શખ્સોએ હુમલો કરતા ચામડીયા ખાટકીવાસમાં નાસભાગ: વેપારીઓમાં ફફડાટ
શહેરમાં છેલ્લા પંદર દિવસથી મોરબી રોડ પરના ચામડીયા ખાટકીવાસમાં ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ નામનો શખ્સ દાદાગીરી કરી મારામારી અને લૂંટના અનેક ગુના આચર્યા હોવા છતાં પોલીસ વેપારીઓને રક્ષણ આપવામાં નિષ્ફળ રહેતા ગતરાતે રિવોલ્વર, તલવાર, છરી, પાઇપ અને ધોકા સાથે ૨૭ જેટલા શખ્સોએ આંતક મચાવી વેપારી પાસેથી બળજબરીથી ખંડણીની માગણી કરી લૂંટ ચલાવ્યા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ચામડીયા ખાટકીવાસમાં નાસભાગ સાથે તંગદીલી સર્જાઇ હતી. ઇભલાની ગેંગને ઝડપી લેવા મોડીરાતે પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અનેક વખત જેલ હવાલે થયેલા ઇભલા ઉર્ફે ઇબ્રાહીમ કરીમ કાથરોટીયાએ બે દિવસ પૂર્વે ફિરોઝ જમાલ બાવકા નામના યુવાનનું અગાઉના ઝઘડાના કારણે અપહરણ કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ વધુ વિફર્યો હતો. અને ગઇકાલે ફિરોજ જમાલના માસી ફાતેમાબેન ઓસમાણભાઇ બાવનકા અને તેના ભાઇ ઇમરાન જમાલ બાવનકા ઇભલો સહિત પાંચ શખ્સોએ ધોકા અને લાકડીથી માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી એક જ પરિવારને નિશાન બનાવી અવાર નવાર હુમલા કર્યા બાદ ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટીયા, મહેબુબ ઉર્ફે મેબલો કરીમ, સલીમ ઉર્ફે સલીયો કરીમ, ઇમરાન ઉર્ફે વીકીડો, અનવર ઉર્ફે અનુડો, સોયેબ ઉર્ફે મનુડો, ઇમરાન ઉર્ફે ઇમલો, યુસુફ ઉર્ફે ઇસલો, ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો, ઇબ્રાહીમ કાથરોટીયા, સદામ ઉર્ફે ધાણી, ફા‚ક ઉર્ફે ઇસલો, મહંમદ ઉર્ફે મમદો, જાવેદ ઉર્ફે જાવલો, સુલતાન, ફા‚ક, મહોસીન, સાદમ અલી, સાદીલ ખોરાણી, અબ્દુલ ખોરાણી, ઇભલાની બહેન રજીયા ઉર્ફે રજુડી, આયશા ઉર્ફે આશલી, ગુડી, ભુરી, ઇભલાની પત્ની નુરી અને ઝરીના સહિતના શખ્સો રિવોલ્વર, તલવાર, છરી, ધોકા અને પાઇપ સાથે ચામડીયા ખાટકીવાસમાં ઘસી ગયા હતા.
ગફાર ગોપીમુસા બાવનકા નામના પ્રૌઢ પાસે હુમલો કરી ખંડણી માગી હતી અને ઇભલો અને સલીમ ઉર્ફે સલીયાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ‚ા.૫ હજારની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ઇભલા ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટીયાએ ચામડીયા ખાટકીવાસમાં ઘાતક હથિયાર સાથે આંતક મચાવ્યાની પોલીસને જાણ થતા સમગ્ર પોલીસમાંથી ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. પોલીસ પહોચે તે પહેલાં નામચીન ઉભલો પોતાની ગેંગ સાથે ફરાર થઇ ગયો હતો. ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટીયા અવાર નવાર ચામડીયા ખાટકીવાસમાં બઘડાટી બોલાવી આંતક મચાવતો હોવાથી અને પોલીસના ડર વિના વેપારીઓ પાસેથી ખંડણી પડાવવા ધાક ધમકી દઇ લૂંટ ચલાવતો હોવાથી પોલીસ માટે માથાના દુ:ખાવા સમાન બનેલા ઇભલા ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટીયાને ઝડપી લેવા પોલીસની જુદી જુદી ટીમ બનાવી શોધખોળ હાથધરી છે.