નાનામૌવા રોડ પર ન્યુ સત્યપટેલ વિજય આઈસ્ક્રીમમાંથી લેવાયેલો કેસર શ્રીખંડ અને કોઠારીયા રોડ પર હંગામા કુલ્ફીમાંથી લેવાયેલી કેસર પીસ્તા માવા કુલ્ફીના નમુના પરીક્ષણમાં નાપાસ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા લેવામાં આવેલા બે નમુના પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. શહેરમાં ખુબ જ પ્રખ્યાત બનેલી હંગામા કુલ્ફીની કેસર-પીસ્તા કુલ્ફી તથા ન્યુ સત્યપટેલ વિજયનો કેસર શ્રીખંડ નમુના ફેઈલ થયો છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે ગુણવતાસભર, હાઈજેનીક અને નકકી કરેલા સ્ટાન્ડર્ડ મુજબની ખાદ્ય સામગ્રી લોકોને મળી રહે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આઈસ્ક્રીમ, કેન્ડી અને દૂધની મીઠાઈનું વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય એવી ફરિયાદ મળી હતી કે ખાદ્ય સામગ્રીને આકર્ષક બનાવવા અને કિંમત નીચી લાવવા માટે કૃત્રિમ રાસાયણીક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તથા મિલ્ક ફેટનું પ્રમાણ પણ ઓછું રાખવામાં આવે છે. વેજીટેબલ ફેટ ઉમેરવા અને કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં શહેરના કોઠારીયા રોડ પર દેવપરા પાસે પ્રફુલભાઈ મર્થકની હંગામા કુલ્ફીમાંથી કેસર-પીસ્તા માવા કુલ્ફીનો નમુનો લેવામાં આવ્યો હતો જેનું પરીક્ષણ કરવામાં આવતા કુલ્ફીમાંથી કલર મળી આવ્યો હતો અને મિલ્કના ફેટ પણ ઓછા જણાતા સેમ્પલ પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાનામૌવા રોડ પર સેફાયર કોમ્પ્લેક્ષમાં ધવલભાઈ ભાલોડીના ન્યુ સત્યપટેલ વિજય આઈસ્ક્રીમમાંથી કેસર શ્રીખંડનો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષણ દરમિયાન શ્રીખંડમાંથી પ્રતિબંધિત કલર મળી આવતા નમુનો પરીક્ષણમાં નાપાસ થયાનુ જાહેર કરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હંગામા કુલ્ફી અને કેસર શ્રીખંડનો નમુનો ફેઈલ થતા બંને વેપારીઓ સામે આકરા શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્યવે વેપારીને પ લાખ ‚પિયા સુધીનો દંડ અને ૬ માસની જેલની સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.