એનિમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓને પીવાનું પાણી અને ચણ મળી રહે તે માટે ફોલ્ડેબલ ચબુતરા કરાયા તૈયાર
અબોલ પક્ષીઓને નિરાંતે પાણી અને ચણ મળી રહે તે માટે મોબાઈલ ચબુતરાનો નવતર પ્રયોગ શહેરમાં હાથ ધરવામાં આવ્યો છે. શહેરની જાણીતી સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓના ફોલ્ડેબલ ચબુતરા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. શહેરના કેટલાક વિસ્તારો અને મંદિરોમાં આવા ચબુતરા આપવામાં પણ આવ્યા છે.
હિન્દુ ધર્મમાં પક્ષીને ચણ નાખવાનું મહાત્મય ખુબ વધુ છે. પરંતુ આધુનિક સમયમાં ચણ નાખવા ખુલ્લા મેદાનો મળતા નથી. અધુરામાં પૂરું હવે મકાનોની આજુબાજુ કે ફળીયામાં ચબુતરા બાંધવાની પરંપરા પણ તૂટી ચૂકી છે. આવા સંજોગોમાં કબુતર સહિતના પક્ષીઓને ચણ નાખવાની ઈચ્છા હોવા છતાં લોકો ચણ નાખી શકતા નથી. જેથી એનીમલ હેલ્પલાઈન દ્વારા મોબાઈલ ચબુતરાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ મોબાઈલ ચબુતરા ફળીયામાં કે અગાસી પર મુકી શકાય છે. તેને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જવા પણ સરળ છે.
પક્ષીને પીવાનું પાણી મળી રહે તે માટે કુંડા રાખવાની વ્યવસ્થા પણ ચબુતરામાં હોય છે. આ ઉપરાંત બિલાડી કે કુતરા જેવા પ્રાણીથી પક્ષીને રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ચબુતરાની ડિઝાઈનમાં નાના-મોટા ફેરફાર કરવા પણ શકય છે. સામાન્ય રીતે પારંપરિક ચબુતરો અઢી લાખ સુધીની કિંમતમાં બને છે પરંતુ આ ફોલ્ડેબલ ચબુતરા નજીવી કિંમતમાં બની જતા હોય છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા પડતર કિંમતે આ મોબાઈલ ચબુતરો બનાવી આપવામાં આવતો હોવાનું ‘અબતક’ની સાથે ટેલીફોનિક વાતચીત દરમિયાન મિતલભાઈ ખેતાણી દ્વારા જણાવાયું હતું.
આ ચબુતરો બનાવવા ઈચ્છુકોએ એનીમલ હેલ્પલાઈનની કચેરીનો રૂબરૂ અથવા મિતલભાઈ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯ તથા પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું હતું.