- પહેલા સગા-સબંધીને ત્યાં બેસવા જતાં ત્યારે કલાકો સુધી વાતો કરતાં: એકબીજાની વાતો પ્રત્યે સૌ ધ્યાન પણ આપતાં હતા: આજે બાળકો અને મોટેરા સહિત બધા મોબાઇલની ચુંગલમાં આવી ગયા છે
- પારિવારિક સંબંધોનો હવે અસ્ત થવા લાગ્યો છે, અને સૌ આજે સોશિયલ મીડિયાનાં સંબંધોને સાચા માનવા લાગ્યા છે: આગામી વર્ષોમાં આ દુષણ આપણી સામાજીક વ્યવસ્થા ખોરવી નાંખશે
આજની દુનિયામાં જીવન જીવવા માટે હવા-પાણી-ખોરાક સાથે મોબાઇલ પણ અનિવાર્ય અંગ બની ગયું છે. વર્ષો પહેલાના આપણા સામાજીક સંબંધોનો આજના યુગમાં અસ્ત થઇ ગયો છે. ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં સૌ સોશિયલ મીડિયામાં એવા જોડાય ગયા છે કે તેને હવે એ જ જીવન લાગે છે. વિશ્ર્વમાં સૌથી વધુ આ દુષણ ભારતમાં વધુ જોવા મળે છે, ઇન્ટરનેટના સૌથી વધુ વપરાશકર્તા પણ આપણે જ વિશ્ર્વમાં પ્રથમ નંબરે છે.
બાળથી મોટેરા સાથે સૌ કોઇ મોબાઇલને જીવન જીવવા માટેનું એક અનિવાર્ય અંગ માનવા લાગ્યા છે. પહેલા આપણે સગા-સંબંધીને ત્યાં બેસવા જતાં ત્યારે સૌ એકરસથી એકબીજાની વાતો સાંભળતા હતા. આજે થોડી વાતો બાદ ફરી બધા મોબાઇલમાં જોતરાય જતા હવે નિકટના સંબંધો તૂટવા લાગ્યા છે, સામાજીક સંબંધો લુપ્ત થઇ ગયા છે. આજની સૌથી મોટી ચિંતા બાળકોને મોબાઇલનું વળગણ સાથે 24 કલાક યુવાધન તેની પાછળ ગાંડાની જેમ ચોટી પડ્યો છે, તે છે વાસ્તવિક દુનિયાથી પર કાલ્પનિક દુનિયાના પોતાની દુનિયા સમજી લેનાર યુવાધનનું શું થશે તે સૌ વડિલો પ્રશ્ર્ન કરી રહ્યા છે.
મોડી રાત સુધી સોશિયલ મીડિયામાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વિગેરેમાં રચ્યા પચ્યા રહેતા લોકો સવારે મોડા ઉઠીને પોતાની સ્વાસ્થ્ય બાબતે પણ ચિંતા કરતા નથી. સવાર દરરોજ નવી ઉગે છે, તો તેની સાથે જવાબદારી પણ ‘સવાર’ થઇ જાય છે, તેની કોઇને ચિંતા નથી. આજે બાળકોને પરિવારના સભ્યોના નામ પણ નથી આવડતા જે એટલું જ નગ્ન સત્ય છે.
કાકા-કાકી, દાદા-દાદી, નાના-નાની, મામા-મામી, ફઇ-ફૂઆ, માસા-માસી સાથે આપણાં જ પરિવારના સૌ સભ્યો આજે વર્ષે દહાડે પણ મળતા નથી. આજે કોઇ પાસે ટાઇમ નથી. મોબાઇલ વગર જીવન જ નથી, તેવું સૌ માની રહ્યા છે. ઘણા સંતાનો મા-બાપ મોબાઇલ ન લઇ આપતાં આપઘાત પણ કરી લીધાના બનાવો આપણે જોઇએ છીએ. સોશિયલ મીડિયાથી જોડાતા સંબંધોને બીજા સંબંધોની સાથે તુલના ન કરો. આજના યુગમાં સૌએ સચેત રહેવાની જરૂર છે.
નાના બાળકના ડાયપરની જેમ થોડી-થોડી વારે મોબાઇલમાં નજર કરવાની ભયંકર બીમારી હવે વિનાશ નોતરશેએ નક્કી છે. આપણાં જીવનની ઘણી વાતો કોઇ દિવસ જાહેરમાં પોસ્ટ ન કરવાની હોય. આ દૂષણથી બંધાતા સંબંધોમાં છેતરપીંડી સાથે સાયબર ફ્રોડની ઘટના સતત વધતી જોવા મળે છે. છતાં લોકોની આંખ ઉઘડતી નથી. સોશિયલ મીડિયા ઘણી વાતો ભ્રામક કે ખોટી હોવાથી તેનો પ્રચાર વેગ ઝડપી હોવાથી ઘણી વાતો પળવારમાં વાયરલ થઇ જાય છે. તેની આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસરો પડે છે.
આ દુષણથી બનતા સંબંધોને બગડતા પણ વાર નથી લાગતી. આજે તમે તમારો સોશિયલ મીડિયા વગરનો એક દિવસની કલ્પના કરજો, રહી જ ન શકો, કારણ તમે તેને જ તમારો જીવન રક્ષક શ્ર્વાસ માની લીધો છે. આનો જાદુ એવો છે કે તેના ભરડામાં પરિવારના સૌ સભ્યોને લઇ લીધા છે. આજકાલ તો એકબીજા સાથે ચેટીંગનો ભયંકર વાયરસ બધાના મગજમાં એવો ઘુસી ગયો છે કે તેનાથી ઘણીવાર ભયંકર મુશ્કેલી પણ આવી જાય છે. જીવનને વ્યવસ્થિત કરવાની સાથે ઘણા સંબંધો અવ્યવસ્થિત પણ થઇ જાય છે. હજારો કિલોમીટર દૂર બેઠેલા તમારા સગા સાથે તમે વીડિયો કોલથી લાઇવ વાત કરી શકો જે સારી બાબત છે, પણ આ ફેસીલીટી ઘણા હનીટ્રેપમાં પણ ફસાઇ જતાં જોવા મળે છે. સંબંધો ફેસટુફેસ જ વિકસી શકે, જે દરરોજ મળે છે, ઓનલાઇનથી બંધાયેલા સંબંધો હમેંશા ખોખલા જ હોય છે. આજે તો છોકરી-છોકરાના નામે અને છોકરો-છોકરીના નામે એકાઉન્ટ બનાવીને બધાને છેતરી રહ્યા છે.
મોબાઇલથી દૂર રહો અને પરિવારથી નજીક રહો
સોશિયલ મીડિયાના દુષણે લગભગ બધુ જ બગાડી નાંખ્યુ છે, ત્યારે આપણી સામાજીક વ્યવસ્થાનો મજબૂત પાયા સમા આપણા પારિવારિક સંબંધો હવે નષ્ટ થવા લાગ્યા છે, એટલા માટે હવે સૌએ જાગવાની જરૂર છે. આપણી ભાવી પેઢી આપણાં જ પરિવારના સભ્યોને ઓળખશે નહી એટલી હદે આ સમસ્યા વકરી ગઇ છે. વિજ્ઞાને સારા આશયથી કરેલ શોધનો આપણે કેવો દૂર ઉપયોગ કર્યો છે, જેનાથી આવેલા માઠા પરિણામો આપણે સૌ ભોગવી રહ્યા છે. આજથી બે દશકા પહેલાનું જીવન તેના વગર સુંદર હતું, તેમ બધા કહે છે, માટે મોબાઇલથી દૂર રહો અને પરિવારથી નજીક આવો તે વાત સૌએ સમજવાની જરૂર છે.