“લૈલાના કુટુંબીજનોએ મુળ વાત એકબાજુ રાખી મજનુ (ફૌજી) વિરૂધ્ધ ગંભીર ગુનો દાખલ કરવાને બદલે સામાન્ય ગૃહ પ્રવેશ અને ઘરફોડ ચોરીના પ્રયાસની ફરિયાદ લખાવી!”

ગાંધીધામનો પાયો અને વિકાસ

અંગ્રેજોની કુટ નીતિ ને કારણે દેશની આઝાદી પહેલા જ અખંડ હિન્દુસ્તાનના બે ભાગ થયા, પ્રથમ વિશ્વને બતાવવા પૂરતુ ઢોંગી બિન સાંપ્રદાયીક પણ પાછળથી ઈસ્લામિક રાષ્ટ્ર બનેલું પાકિસ્તાન અને બીજુ બિનસાંપ્રદાયિક હિન્દુસ્તાન ! ભાગલા સાથે જ પશ્ચિમનું મુખ્ય બંદર કરાંચી પાકિસ્તાનમા તો ગયું જ પરંતુ કરૂણ દાસ્તાન રૂપે કરાંચી અને પાકિસ્તાન વિસ્તારમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થતા હિન્દુઓએ હીજરત કરી ભારતમાં પ્રવેશ કર્યો જેમાં પાશ્ચિમ સરહદેથી ભારતમાં પ્રવેશેલા હિન્દુઓને કચ્છ મહારાવે સપ્રેમ આવકાર્યા અને વસાવ્યા પણ ખરા.

મહારાવ કચ્છે અંજાર તાલુકાની વિશાળ જમીન દરિયાકાંઠે પડેલી હતી ત્યાં ભારત સરકારની સહાયથી આ હીજરતીઓ ને વસાવ્યા અને સરકારે કરાંચીને પણ ટકકર મારે તેવું નવું બંદર કંડલા વિકસાવ્યું કંડલા આંતરરાષ્ટ્રીય બંદર બનવાનું હોય તેને સંબંધીત શહેર ગાંધીધામ પણ વૈશ્વિક ધોરણનું હોવું જોઈએ. આથી સરકારે સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન બનાવી એક નવીજ યોજના મુજબ યુરોપ ખંડના નોર્વે દેશના ઓસ્લો શહેરની ડીઝાઈન મુજબ એક તરફ કંડલા બંદર બીજી તરફ વ્યાપારિક શહેર ગાંધીધામ અને આ ગાંધીધામમાં વ્યાપાર ધંધો કરતા લોકો માટેનું અલગ પણ સંલગ્ન રહેણાંક સંકુલ એવું શહેર આદીપૂર વસાવ્યું બંદર, ફ્રીટેડ ઝોન રોડ રેલવે એરપોર્ટ સહિતની શહેરમાં તમામ સુવિધા પછી વિકાસમાં બાકી શું રહે ?

કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપ પછી તો આ સંકુલનો ખૂબજ વિકાસ થયો છે. ગાંધીધામને પણ કોસ્મોપોલીટન શહેર કહી શકાય કેમકે અહી લગભગ દેશના તમામ પ્રાંતોમાંથી લોકો પોત પોતાના ધંધા માટે આવી વસ્યા છે. પાકિસ્તાનથી આવેલા હિન્દુ લોકો જેને તળપદી ભાષામાં સિંધી (સિંધ પ્રાંતમાંથી આવેલા) કહે છે તેમના સગા સંબંધીઓ યુરોપ, અમેરિકા, અને વિશ્વના વિવિધ દેશોમાં વસેલા હોય તે તમામ દેશોમાંથી લોકોનો આવરો જાવરો યાતો કંડલા એરપોર્ટ કંડલા બંદર અથવા રોડ રસ્તે કે બ્રોડગેજ રેલવે રસ્તે ગાંધીધામ સાથે ચાલુ રહે છે.

શહેરમાં જે પરપ્રાંતમાંથી ધંધા વેપાર અર્થે સારા અને સજજન લોકો આવીને વસે છે. તે પ્રમાણે તે વિસ્તારોમાંથી મજૂરો અને તે સિવાયતે વિસ્તારના ગુનેગારો પણ મજૂરીના ઓઠા હેઠળ આવીને વસી જતા હોય છે. અને પોતાનો કસબ અજમાવતા હોય છે. આમ ગાંધીધામમાં ગુન્હાઓનું પ્રમાણ ખૂબજ વધારે હતુ જયારે કચ્છના બાકીનાં શહેરોતો અતિ શાંતિ અને નિર્મળ હતા ગાંધીધામની કંડલાના રસ્તે આવતી કાર્ગો ઝુપડપટ્ટી એવી વિશાળ અને ગંદી હતી કે નપૂછો વાત વળી ગાંધીધામ શહેરની ગટરોનું ગંદુ પાણી આ કાર્ગો ઝુપડ પટ્ટીમાંથી ફેલાઈને દરિયામા જતુ હતુ આથી એવી ભયંકર ગંદકી રહેતી અને તીવ્ર દુર્ગંધને કારણે સામાન્ય લોકો તો આ ઝુંપડ પટ્ટીમાં જઈ જ શકતા નહિ ! આથી આ ઝુંપડપટ્ટી ગુનેગારો માટે સેઈફ હાઉસ બની ગઈ હતી. તમામ પ્રકારના ખૌફનાક ગુન્હાઓ ગાંધીધામમાં બનતા હતા.

આ કારણે સને ૧૯૫૦માં અંજાર પોલીસ સ્ટેશનમાંથી ગાંધીધામ પોલીસ સ્ટેશન અલગ બન્યુ સમયાંતરે ગાંધીધામમાંથી કંડલા, આદીપૂર અને કંડલા વોટર પોલીસ સ્ટેશનો બનતા ગયા વિકાસ વધતો જતા જયારે જયદેવ આદીપૂર ખાતે સીપીઆઈ હતો ત્યારે જ ગાંધીધામ પોલીસ સ્ટેશનના બે અલગ એ અને બી પોલીસ સ્ટેશનો બન્યા અને થોડા સમયમાં જ પૂર્વ કચ્છ નામનો પોલીસ જીલ્લો અંજાર, ગાંધીધામ કંડલા આદીપૂર ભચાઉ સામખ્યાળી, આડેસર, રાપર અને ગઢડા (ખડીર) પોલીસ સ્ટેશનોનો બન્યો તે પછી તો કંડલા મરીન વિગેરે બીજા પોલીસ મથકો પણ બન્યા પોલીસ જીલ્લાનું હેડ કવાર્ટર આદીપૂરમાં બન્યું.

જયદેવને ગાંધીધામના પોલીસ જવાનોથી જાણવા મળ્યું કે ગાંધીધામ પોલીસ મથકમાં નિમણુંક કાંતો રાજકીય ભલામણથી અથવા ખાતાકીય વહીવટ થાય તો જ થાય છે.જવાનોને આશ્ચર્ય થતું કે પીઆઈ જયદેવની રાજકીય ભલામણ કે અન્ય ખાતાકીય વહીવટ વગર નિમણુંક થઈ હતી. આ કારણે ગાંધીધામ પોલીસ મથકના વહીવટી પોલીસ કર્મીઓ જ રાહ જોતા હતા. કે આ સ્વતંત્ર મીજાજી પીઆઈનો કયારે બદલી હુકમ આવે છે.કારણ કે આવા અનુભવી કર્મીઓને ખ્યાલ જ હોય છે કે રાજકીય છેડા વગર કે વહીવટી સેટલમેન્ટ વગરની નિમણુંકો સામાન્ય રીતે અલ્પજીવી હોય છે.

લૈલા મજનૂ

વચ્ચે એક વહીવટી આઈડીયાની વાત કરી લઈએ. ભૂજના કેમ્પ વિસ્તારનું એક કુટુંબ સાંપ્રદાયિક પ્રવાસમાં રેલ રસ્તે ટ્રેનમાં અજમેર જઈ રહ્યું હતુ કુટુંબમાં વડીલો દિકરા દિકરીઓ તમામ હતા તેજ ટ્રેન અને ડબ્બામાં ભૂજ ખાતે ફરજ બજાવતો એક નેપાળી ફૌજી જવાન પણ વતનમાં રજા ઉપર જઈ રહ્યો હતો. મજબુત બાંધાનો હેન્ડસમ ફૌજી તેની આગવી સ્માર્ટ હિન્દી ભાષામાં વાતો કરતો હતો ભૂજથી અજમેરનું અંતર ઘણુ લાંબુ હોય ટ્રેનને અજમેર પહોચતા પણ ખાસ્સો સમય લાગતા તમામ વચ્ચે વાતોચીતો અને સંપર્કને કારણે જેમ ફિલ્મોમાં હાલતા ચાલતા યુવાન જીવડાઓ પ્રેમમાં પડી જાય છે તેમ આ ફૌજી જવાન અને પ્રવાસી કુટુંબની ક્ધયાની ફિલ્મોની અસરમાં સહજ રીતે આંખ મળી ગઈ ! આધૂનિક સમયની મોટી સુવિધા કે મોટી સમસ્યા જે ગણોતે મોબાઈલ ફોન અને સ્કુટર છે જોકે જવાનીયાઓ માટે સુવિધા અને માતાપિતા વડીલો માટે આ બંને સાધનો મોટી સમસ્યા બની ગયા છે. રાત્રીનાં કે વહેલી સવારના હરતા ફરતા ટોયલેટ બાજુ ડબ્બાના કોરીડોરમાં જ આ બંને નવ લોહીયાઓ વચ્ચે મોબાઈલ ફોન નંબરોની આપલે થઈ અને પછી તો પ્રેમ કહાની જે રીતે આગળ વધી હોય તે પરંતુ બંને પ્રેમીઓ લૈલા અને મજનૂ બની ગયા વતનમાંથી રજા પૂરી કરી ને ફૌજી પરત ભૂજ આવી ફરજ ઉપર હાજર થઈ ગયો. લૈલા આ મજનુને મળવા બોલાવે પણ ફૌજી કઈ રીતે મળે ? આખરે લૈલાએ ગોઠવણ કરી મોબાઈલ ફોનથી મજનૂને પોતાના ઘેર કેમ્પ વિસ્તારમાં મધ્ય રાત્રીએ જ મળવા બોલાવી લીધો. પ્રેમમાં આંધળી થયેલી વ્યકિત જેમ બાર ગાઉ ઉજજડ ભાળે તે ન્યાયે બીજો કોઈ વિચાર કર્યા સિવાય મજનૂ મદ્યરાત્રીના તેની લૈલાના સંવેદનશીલ વિસ્તાર એવા કેમ્પ એરિયામાં ઘર પાસે પહોચી ગયો. લૈલાનું ઘર બે મળનું હતુ બીજા માળે બે રૂમ પૈકી એક માં તેના ભાઈભાભી અને એક રૂમમાં લૈલા એકલી સુતી હતી. સુતી નહોતી મજનુંની રાહ જોતી, જાગતી પડી સુવાનો ઢોંગ કરતી હતી.

લૈલાએ મોબાઈલ ફોનથી જણાવ્યા પ્રમાણે જ મજબૂત મજનું દીવાલ ઠેકી ને ઘરમાં પ્રવેશીને બીજા માળે લૈલાના રૂમમાં પ્રેમ ઘેલો થઈ ને મળ્યો વાતોચીતો કરી હળ્યા મળ્યા પરંતુ વાતોમાં સમય અને અવાજનું સંતુલન રહ્યું નહિ અને બાજુના રૂમમાં સુતેલા લૈલાના ભાઈને કાંઈક અવાજની શંકા જતા તેણે લૈલાનો રૂમ ખખડાવ્યો અને કમઠાણ ચાલુ થયું. મજબૂત બાંધાના કસરતી ફૌજી મજનુએ લૈલાનાભાઈને તો સહેલાઈથી પછાડી દીધો અને દાદરો ઉતરી નાસવા પ્રયત્ન કર્યો પણ નીચેના રૂમમાં લૈલાના બીજા ભાઈ અને કુટુંબીજનો ઉપલા માળે થયેલ ઝપાઝપી અને દેકારાના કારણે જાગીને દાદરા પાસે દોડી આવેલા દાદરામાં અધવચ્ચે જ મજનુ અને લૈલાના બીજા ભાઈનો ભેટો થઈ ગયો જબરદસ્ત ઝપાઝપી થતા બંને જણા દાદરા ઉપરથી નીચે ગબડયા દરમ્યાન બીજા માળે પડી ગયેલો લૈલાનો ભાઈ ઉભો થઈને નીચે આવી ગયો, મા-બા અને આજુબાજુનાં પડોશીઓ પણ એકઠા થઈ ગયા સામટે કાગડે જેમ ધુવડ વિંટાય તેમ ફૌજી મજનુએ ધણા ધમપછાડા કર્યા, મારામારી કરી પરંતુ આખરે તે ચત થયો અને લોકોએ તેને મેથીપાક આપી દોરડા વતી હાથ પગ બાંધી, રણગોળીયો બનાવી વાહનમાં નાખી પોલીસ સ્ટેશને લાવી લોકઅપ ભેગો કર્યો.

લૈલાના કુટુંબીજનોએ મૂળ વાત એક બાજુ રાખી ગંભીર ગુન્હો દાખલ કરવાને બદલે સામાન્ય ફરિયાદ ગૃહ અપપ્રવેશ અને ઘરફોડ ચોરીના પ્રયાસની લખાવી આબરૂ જવાની બીકે કે ક્ધયા (લૈલા) કદાચ ફરિયાદ કરવા તૈયાર ન પણ થઈ હોય, તે જે પણ કારણો હોય તે !

પીએસઓએ ગુન્હો દાખલ કરી દીધો હતો આ ગુન્હાની તપાસ ફોજદાર રણજીતસિંહ સોઢાને સોંપી હતી. સોઢાએ ફોજના મુખ્યાલયમાં જવાનનાં પરાક્રમની જાણ કરી દીધી હતી. સવારના આઠ વાગ્યામાં તો ફોજની બે ત્રણ લશ્ક્રી ગાડીઓ અને બે ત્રણ અધિકારીઓ ભૂજ સીટી પોલીસ સ્ટેશનમાં આવી ગયેલા પોલીસની તપાસની કાર્યવાહીતો લગભગ પૂરી થઈ ગઈ હતી. જયદેવ સવારના નવ સાડા નવ વાગ્યે પોલીસ સ્ટેશને આવ્યો અને સઘળી હકિકત જાણી જયદેવે ફૌજી મજનૂની પૂછપરછ કરી તેણે ભૂજ ટ્રેનમાંથી શરૂ થયેલી પ્રેમ કહાની ભૂજ સીટી પોલીસ સ્ટેશનનાં લોકઅપ ખાતે પૂરી થઈ ત્યાં સુધીની વાત કરી ફોજના આવેલા અધિકારીઓએ જયદેવને વિનંતી કરી કે પ્રેમકહાનીને જવા દયો, હવે જે કાર્યવાહી થયેલ છે. તેના કાગળો અને જવાનને અમોને સોંપી દો એટલે અમે અમારા દળમાં થતી કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરીશું. પરંતુ ફોજદાર સોઢાએ કહ્યું કે સાહેબ હું અગાઉ જામનગર ખાતે ફરજ બજાવતો હતો. ત્યારે બીનજરૂરી પત્ર વ્યવહાર ટાળવા માટે પોલીસ કાર્યવાહીનું ચાર્જશીટ જ જયુડીશીયલ કોર્ટમાં આરોપી સાથે રજૂ કરી દેવામાં આવે અને અદાલત જ તમામ કાગળો અને આરોપીનો કબ્જો સોંપે જેથી વહીવટી અનુકુળતા રહેતી જયદેવે કહ્યું ભલે અને ફોજદાર સોઢા આરોપી ફૌજી મજનુ અને કેસ કાગળો લઈ અદાલતમાં રજૂ કરવા ગયા પરંતુ કોણ જાણે જજ સાહેબ કાંઈક કાર્યવાહીમાં હોય તેમણે ફોજદાર સોઢાએ ફૌજી અધિકારીઓ કોર્ટમાર્શલ કાર્યવાહી માટે આરોપી અને કાગળો માટે હાજર હોવાનું જણાવવા છતા તમામને અદાલતમાં બેસાડી જ રાખ્ય રીસેસ પણ પૂરો થયો ફેર અદાલત ચાલુ થઈ આથી ફોજના અધિકારીઓ અકળાયા હશે તેથી તેમણે જયદેવને ફોન કર્યો આથી જયદેવે કહ્યું કે પોતે અદાલતને કાંઈ કહી શકે નહિ.

દરમ્યાન અડધો એક કલાકમાં ભૂજ લોકલ ઈન્ટેલીજન્સ બ્રાંચનાં જમાદાર જાડેજાનો જયદેવ ઉપર ફોન આવ્યો કે સાહેબ કોર્ટ કંપાઉન્ડમાં અને બહાર રોડ ઉપર પંદર વિસ ફોજની લશ્કરી ગાડીઓ આવી ગયેલ છે. અને તેમાંથી ઢગલા બંધ ફોજી જવાનો મશીનગનો,બંદૂકો લઈ ને ઉતરીને કોર્ટ પરીસરમાં પણ આવી ગયા છે. તમામ વાહનોની નંબર પ્લેટો તાજો રંગ લગાડેલી તાજા નંબરો લખેલી જણાય છે. હજુ સુકાયેલ નથી અને રંગની વાસ પણ આવે છે. (એટલે કે ખોટા નંબરો લખેલા જણાય છે) ખાનગીમાં એવી વાત જાણવા મળી છે કે જો હવે તાત્કાલીક આરોપી જવાનનો કબ્જો નહિ સોંપાય તો આરોપી જવાન, પોલીસ અને તે સિવાયનાનું પણ અપહરણ કરીને લઈ જવાના છે.

આ સાંભળીને જયદેવ ચમકયો કે આ સશસ્ત્ર જવાનો સાથે બાથભીડવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી અને તેમને રોકવા પણ મુશ્કેલ હતા જયદેવને કાંઈક એવો મનમાં ખ્યાલ હતો કે ફોજના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા કલેકટર સાથે સીધા સંપર્કમાં હોય છે. આથી જયદેવે સમગ્ર બનેલ બનાવની વાત ટેલીફોનથી પોલીસ વડાને કરી આથી તેઓ ચમકી ગયા કે તો તો ભારે થાય ! આથી જયદેવે પોલીસ વડાને કહ્યું કે તમે જીલ્લા કલેકટરને વાત કરો તે ભૂજના સ્થાનિક લશ્કરી વડા સાથે આ બાબતે વાત કરે તો કાંઈક નિરાકરણ થાય. પોલીસ વડાએ કલેકટરને અને કલેકટરે ભૂજના લશ્કરી મુખ્ય મથકમાં વાત કરી દીધી.

અર્ધો એક કલાક જયદેવ તથા પોલીસ દળે બરાબર ચિંતા અને વ્યગ્રતા વચ્ચે પસાર કર્યા એક તરફ ફોજ અને એક તરફ અદાલત ન કહેવાય ન સહેવાય ! પરંતુ અડધા કલાકમાંજ એલઆઈબીનાં જમાદાર જાડેજાનો જયદેવ ઉપર ફોન આવ્યો કે સાહેબ નવા આવેલા તમામ ફોજના જવાનો અને વાહનો તાત્કાલીક રવાના થઈ ગયા છે. સવારના આવેલા બે ફૌજી અધિકારીઓજ બાકીરહ્યા છે. પોલીસનો પ્રશ્ન હલ થઈ ગયો. પોલીસ વડા એ જયદેવને સારા સજેશન માટે અભીનંદન આપ્યા.

વહીવટી આઈડીઆ કોઈ રાજી કોઈ કરાજી!

આવું કાંઈક ગાંધીધામમાં થયું અને જયદેવને બદલીનો સિર પાવ મળ્યો. બનેલુ એવું કે ટેલીવીઝન ઉપર સમાચાર પ્રસિધ્ધ થયેલા કે મધ્યરાત્રીથી ડીઝલ અને પેટ્રોલના ભાવ ખાસ્સા વધવાના છે. હજુ બપોરનાં ત્રણ વાગ્યા હતા પેટ્રોલ પંપના માલીકોએ ભલે નીચા ભાવે પેટ્રોલ ડીઝલની ખરીદી કરી હોય પણ જો તે જ જથ્થો રાત્રીનાં બાર વાગ્યા પછી વેચે તો બખ્ખા તો પંપના માલીકોને જ થાયને ? આમ તો આ વ્યવહાર પણ એક રીતે કાળા બજાર જ કહેવાય. ટીવીમાં સમાચાર પ્રસિધ્ધ થતા જ ગાંધીધામમાં આવેલા પેટ્રોલ પંપોએ એક પછી એક વેચાણ બંધ કરવાનું ચાલુ કર્યું, પેટ્રોલ ડીઝલ રાત્રીના બાર વાગ્યા પછી વેચીને મલાઈ ખાવા માટે ! પરંતુ ગાંધીધામ તો કંડલા બંદરને કારણે મોટુ ટ્રાન્સપોર્ટ નગર જ હતુ પશ્ચિમ ઉતર ભારતનો મોટો વાહન વ્યવહાર અહીંથી જ શરૂ થતો હતો. તે પ્રમાણે ડીઝલ પેટ્રોલ પણ જોઈ એજ. પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાઈનને થપ્પા લાગી ગયા. બળતણ વગર વાહનો કેમ ચાલે ? કેટલાક સ્થાનિક ટીખળીયાઓએ કાંકરી ચાળો પેટ્રોલ પંપ ઉપર કર્યો અને ટોળા એકઠા થવા લાગ્યા આથી ડરી જઈને પેટ્રોલ પંપ ઉપરથી તેમના કર્મચારીઓના પોલીસ સ્ટેશનમાં ટેલીફોન આવવા લાગ્યા કે બચાવો પરંતુ કોઈ નસીબદારના દીકરાઓએ વેચાણ ચાલુ કર્યું નહી તેથી ધબધબાટી દરેક પેટ્રોલ પંપો ઉપર ચાલુ થઈ જયદેવે વિચાર્યુંકે આમાં જનતાનો કોઈ દોષ નથી પંપો વાળા પોતાના સ્વાર્થ ખાતર વેચાણ બંધ કરે તે વ્યાજબી તો નહી જ આથી જયદેવે પંપ એસોસીએશન માલીકોનો સંપર્ક કરવા કોશિષ કરી, પણ પેટમાં પાપ હોય કોણ પોલીસ સાથે વાત કરે? આ મામલો જો આગજની ઉપર આવે તો તમામ પંપો અને ગાંધીધામ ભડકે બળે ! આથી જયદેવે પેલો ભૂજવાળો આઈડીઆ કોર્ટ આર્મીવાળો કામે લગાડયો પંપ વાળા જીલ્લા પુરવઠા ખાતા નીચે આવે અને પૂરવઠા ખાતુ કલેકટરના હાથ નીચેનું જ હોય જયદેવે નવા પોલીસ વડાને સમગ્ર હકિકતથી વાકેફ કરી કહ્યું કે જો આ બાબત કલેકટરના ધ્યાન ઉપર મૂકવામાં આવે તો આ પ્રશ્ર્નનું નિરાકરણ દસ મીનીટમાં જ થઈ જાય. પરંતુ નવા પોલીસ વડાને આ વાત પસંદ પડી નહી તેમણે કહ્યું આપણે શા માટે કાયદો અને વ્યવસ્થા માટે બીજાની દાઢીમાં હાથ નાખવો ? આવી સલાહ આપવી નહિ આપણે જ લડીલેવાનું જયદેવને મનમા થયું કે કાળા બજારીયા માટે સાચી જનતા સાથે લડવાનું ? આખરે મામલો ખૂબ તંગ થતા ભૂજ કલેકટરના ધ્યાન ઉપર પર આ બનાવ આવતા તેમણે જીલ્લા પૂરવઠા અધિકારીને એક જ ફોન કરતા દસ મીનીટમાંજ પંપો ઉપર ડીઝલ પેટ્રોલનું વેચાણ ચાલુ થયું અને પ્રશ્નનું નિરાકરણ થયું પરંતુ નવા પોલીસવડા જયદેવની આ કાર્ય પધ્ધતિથી નારાજ થયેલા

તે સમયે રાજાને ગમી તે રાણી અને છાણા વિણતી આણી તે ન્યાયે પોલીસ ખાતામાં નિમણુંકો થતી, અગાઉના જૂના પોલીસ વડાએ ભૂજ એક અગત્ય બ્રાંચમાં ફરજ બજાવતા પીઆઈને બદલીને કચ્છના છેવાડે રાપર સીપીઆઈ તરીકે શિક્ષામાં મૂકી દીધેલા તે જ પીઆઈએ કોણ જાણે શું નવા પોલીસવડા ઉપર જાદુ કર્યું કે રાપર ખાતે આ પીઆઈએ કાંઈ કામ કરેલું જ નહી મોટે ભાગે સીક રજામાં જ રહેલ તેમને ગાંધીધામ પીઆઈ તરીકે નિમણુંક આપી સિરપાવ આપ્યો. અને જયદેવને સીપીઆઈ અંજાર કેમ્પ આદીપૂર તરીકે નિમણુંક આપી અહી જયદેવે અંજાર, કંડલા અને આદીપૂર ત્રણ પોલીસ સ્ટેશનોનું સુપરવિઝન કરવાનું હતુ જે કામગીરી હવે જયદેવ પોતે ઈચ્છતો જ હતો નિવૃત્તીના આરે આવી ગયો હતો તેથી તેની જરૂરત જ હતી.

‘ભલુ થયું ભાંગી જંજાળ સુખે ભજીશુ શ્રી ગોપાલ’તે ન્યાયે જયદેવે તૂર્ત જ સીપીઆઈ તરીકેનો ચાર્જ સંભાળી લીધો કેમકે જયદેવે મકાન બદલવાની કોઈ જરૂર નહતી ફકત કચેરી અને જીપ જ બદલવાના હતા!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.