હરિયાણામાં એક જાટ સંસ્થા અને શાસક ભાજપના કુરુક્ષેત્રના સંસદસભ્યની બે અલગ અલગ જાહેર સભાઓના પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિભંગ થવાની દહેશતના પગલે હરિયાણા સરકારે તકેદારીરૂપે રાજ્યના ૧૩ જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દીધી છે. હરિયાણા સરકારે જાટ સભાને ધ્યાનમાં લઇ સમગ્ર રાજ્યમાં એલર્ટ પણ જારી કર્યું છે.
રપ નવેમ્બરથી ર૬ નવેમ્બર મધરાત સુધી હરિયાણાના ૧૩ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. સરકારે ર૬ નવેમ્બરના રોજ એક જાટ સંસ્થા દ્વારા અને શાસક ભાજપના કુરુક્ષેત્રના સંસદસભ્યની બે અલગ અલગ જાહેર સભાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘનની સ્થિતિથી બચવા માટે આ પગલું ભર્યું છે.
એક સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે જિંદ, હાંસી, ભિવાની, હિસ્સાર, ફતેહાબાદ, કરનાલ, પાિણપત, કૈથલ, રોહતક, સોનીપત, ઝજ્જર, ચરખીદાદરી જિલ્લાના અધિકાર ક્ષેત્રમાં વોઇસ કોલ્સને બાકાત રાખીને મોબાઇલ નેટવર્ક પર ઉપલબ્ધ કરવામાં આવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ શુક્રવાર મધરાતથી શરૂ કરીને ર૬ નવેમ્બરની મધરાત સુધી આગામી ત્રણ દિવસ માટે સસ્પેન્ડ રહેશે.
હરિયાણાના અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) એસ.એસ. પ્રસાદે આ સંદર્ભમાં જરૂરી આદેશ જારી કર્યા હતા. ગૃહ મંત્રાલયે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે રાજ્યના ૧૩ જિલ્લાના અધિકાર ક્ષેત્રમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થામાં કોઇ ખલેલ ન પડે તે માટે આ આદેશ જારી કરવામાં આવ્યા છે અને આ આદેશ ત્રણ દિવસ સુધી અમલમાં રહેશે.