અમદાવાદની શાળાઓમાં હવે શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે
અમદાવાદની સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ શિક્ષક મોબાઈલનો વપરાશ કરતા ઝડપાશે તો તેમને દંડ ફટકારવામાં આવશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શિક્ષકોએ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ પોતપોતાના મોબાઈલ સ્કૂલના આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શિક્ષકો રિશેષ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. રિશેષ પૂરો થયા બાદ તેઓએ ફરી મોબાઈલ આચાર્યની પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્ય દરમિયાન જો કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.