શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા આધેડે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આધેડના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટામવા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા કાંતિભાઈ હમીરભાઈ ચંદ્રપાલ નામના 45 વર્ષના આધેડે પોતાના ઘરે હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રૌઢની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ચાલુ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક કાંતિભાઈ ચંદ્રપાલ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આધેડના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આઈ.ટી. મોરવાડિયા સહિતના સ્ટાફે પ્રૌઢના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.