વધુ એક પૂર્વોતર રાજ્યમાં હિંસા
તુરા શહેરમાં તાત્કાલિક અસરથી કરફ્યુની અમલવારી
મેઘાલયના મુખ્યમંત્રી કૉનરાડ સંગમાના કાર્યાલય પર ભીડે સોમવારે સાંજે હુમલો કરી દીધો, જેમાં 5 સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયા. મુખ્યમંત્રી સંગમા સુરક્ષિત છે. તેઓ હાલ પણ તુરામાં સ્થિત પોતાના કાર્યાલયની અંદર છે. રિપોર્ટ મુજબ સેંકડો લોકોએ તેમની ઓફિસને ઘેરી હતી. ગારો હિલ્સ સ્થિત સિવિલ સોસાયટી ગ્રૂપ તુરામાં શિયાળુ રાજધાનીની માગ કરી રહ્યાં છે. જેને લઈને લોકો ભૂખ હડતાળ પર કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી તુરા સ્થિત સીએમઓમાં 3 કલાકથી વધુ સમય સુધી આંદોલનકારી સંગઠનો સાથે વાતચીત કરી રહ્યાં હતા. આ દરમિયાન હજારોની ભીડ સીએમઓની પાસે આવ્યા અને પથ્થરમારો કરવા લાગ્યા. સીએમઓ તુરાની બારીઓ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા. પોલીસે જવાબી કાર્યવાહી કરી અને ભીડને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા. આ સમગ્ર ઘટનાક્રમ અને હોબાળામાં 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
તુરા શહેરમાં તાત્કાલીક પ્રભાવથી રાતના સમયે કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ઘાયલો માટે 50-50 હજાર રુપિયાની સહાયતા રકમની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની સારવારમાં આવતા ખર્ચને રાજ્ય સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રી સચિવાલયે કહ્યું- તુરા સ્થિત મુખ્યમંત્રી સચિવાલય પર આજે સાંજે ભીડ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા છે. ઉત્તેજિત ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે આંસુ ગેસના સેલ છોડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાનો વીડિયો જોવામાં આવશે અને દોષિતોની ઓળખ કરાશે.