રોજગારી ઉપરાંત ગ્રામ્ય જીવનમાં કૃષિ, સામાજિક, આર્થિક સ્થિતિમાં બદલાવ
કોરોના મહામારીમાં રાજ્યની સંવેદનશીલ સરકારે શ્રમિકોને જીવન નિર્વાહ માટે ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થાય તે માટે સમગ્ર રાજ્યમા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે કામો શરૂ કર્યા છે.
આ વર્ષે લોકડાઉનને ધ્યાને લેતાગત બે વર્ષની સરખામણીએ શ્રમિકોમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૬,૦૪૪ શ્રમિકો, વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૧૦,૧૧૬ અને આ વર્ષે ૧૭,૧૬૭ શ્રમિકોને રોજગારી આપવામાં આવી છે જેમાં રોજેરોજ સંખ્યામાં વધારો થશે. રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલના જણવ્યા અનુસાર આ વર્ષે રાજકોટ જિલ્લામાં ૪૮૫ કામો મનરેગા હેઠળ હાથ ધરવામાં આવ્યા છે જે પૈકી ૭૫ કામો હાલ કાર્યરત છે. શ્રમિકો મનરેગા કામમાં જોડાઈ શકે તે માટે પંચાયતમાંથી જોબ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરિવાર દીઠ જોબ કાર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને કામની સોંપણી કરવામાં આવે છે. મેટ કારકુનો દ્વારા તેમના કામનું આકલન કરી રોજકામ કરવામા આવે છે. ૧૫ દિવસ બાદ કામ મુજબ તેમને રોજના મહત્તમ રૂ. ૨૨૪ મજુરી લેખે મહેનતાણું આપવામાં આવે છે. જે તેમના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ જળસંચયના વિવિધ સામૂહિક કામો, ગામની ગૌશાળા, સ્મશાન, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા તથા જાહેર સ્થળે વૃક્ષારોપણના કામો, આંગણવાડી, આરોગ્ય પેટા કેન્દ્રમાં પેવર બ્લોકના કામોની સાથે સાથે નાના અને સીમાંત ખેડૂતના વ્યક્તિગત કામો જેવા કે ખેત તલાવડી, ખેતરના સેઢા – પાળાનું કામ, ખેતરમાં બાગાયતી વૃક્ષોનું વાવેતર જેવા વિવિધ કામોમાં પણ શ્રમિકોને રોજગારી મળી રહે છે.
આ ઉપરાંત જળ સંચયથી ખેડૂતોને સિંચાઇના પાણીની જરૂરિયાત પૂર્ણ થાય છે તેમજ ગામલોકોને પીવાના પાણીની પણ રાહત રહે છે. ગ્રામ્ય જીવનમાં સામાજિક અને આર્થિક બદલાવમાં મનરેગા યોજનાનું પ્રદાન મહત્વનું સાબિત થયું છે.