- શ્રમિકની હાજરી 97 બોલતી હતી સ્થળ પર હાજર હતા માત્ર 52
- હાજરી કૌભાંડની પૂર્ણ તપાસ થવી જોઇએ: તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ વોરા’
દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ રોજગારની ખાતરી આપવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ લોકો તેમની આજીવિકા મેળવી શકે. સમય જતાં આ કાયદાને લગતા નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકા પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા હેઠળ કામ કરતા મજૂરો માટે 1 જાન્યુઆરી 2023 થી ડિજિટલ હાજરી મૂકવી ફરજિયાત કરવામાં આવી હતી. આ કાયદામાં ફેરફારનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો તેમજ જવાબદારીને ઠીક કરવાનો અને મસ્ટર રોલમાં ડુપ્લિકેશન ટાળવાનો હતો. છતાં જસદણના સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર આચરવા માટેની છટકબારી શોધી કાઢી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ હતી. જેમાં જસદણ તાલુકાના દેવપરા ગામે ઓનલાઈન શ્રમિકની હાજરી 97 બોલતી હતી અને સ્થળ પર 52 જ હાજર હતા. જ્યારે બાકીના શ્રમિકો ગેરહાજર હતા છતાં તમામની ઓનલાઈન હાજરી પુરાઈ ગઈ હતી. જો કે બાખલવડ ગામે ઓનલાઈન 46 શ્રમિકોના બદલે 35 શ્રમિકો અને હડમતીયા(ખાંડા) ગામે ઓનલાઈન 68 શ્રમિકોના બદલે 60 શ્રમિકો જ હાજર હતા. છતાં ગેરહાજર તમામ શ્રમિકોની ઓનલાઈન હાજરી પુરાઈ ગઈ હતી. આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા જસદણ તાલુકા પંચાયતના ટીડીઓને રેલો આવ્યો હતો અને તપાસના આદેશ પણ આપ્યા હતા. બાદમાં જસદણ ટીડીઓ એકાએક પાણીમાં બેસી જતા અને તપાસમાં હજી 7 દિવસ જેટલો સમય લાગશે તેવું જણાવી ભ્રષ્ટાચારીઓને છાવરવાનો હીન પ્રયાસ કરતા ટીડીઓની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.
ત્યારે સવાલ એ થાય છે કે, જસદણ તાલુકા પંચાયતના એપીઓ અને સ્થળ પર હાજર મેટ સહિતના પોતે કબુલાત આપે છે
કે આમાં ગેરરીતી થઈ છે. છતાં જસદણ ટીડીઓ દ્વારા શા માટે તપાસમાં ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે? આ ખુલ્લા પડેલા ભ્રષ્ટાચારની તપાસ માટે 7 દિવસ જેટલો સમય લાગતો હશે? વગેરે વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
જેથી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરી ભ્રષ્ટાચાર આચરનારા તમામ જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે.
ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સામે કાર્યવાહી થવી જોઇએ: હિતેશભાઈ વોરા-પ્રમુખ, જસદણ તાલુકા પંચાયત
જો મનરેગામાં ચાલતો ભ્રષ્ટાચાર ધ્યાનમાં આવ્યો હોય તો તેની તાત્કાલિક સઘન તપાસ થવી જોઈએ અને જે કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. જો ખરેખર ભ્રષ્ટાચાર ધ્યાનમાં આવી જ ગયો હોય તો તેમાં સમય આપવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આમાં તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ. આમાં ભ્રષ્ટાચારની તપાસ થાય તો જ ખબર પડે કે આમાં કોણ-કોણ સંડોવાયેલા છે. ખરેખર આ બાબતે વધુમાં વધુ બે દિવસમાં જ તપાસ થવી જોઈએ. ખરેખર આવો ભ્રષ્ટાચાર થાય તે ખુબ ગંભીર બાબત કહેવાય. આમાં કોઈ શ્રમિકો આવતા ન હોય અને ખોટી રીતે ઓનલાઈન હાજરી પુરાય જાય તો આમાં તાલુકા પંચાયત બદનામ થાય છે અને વહીવટ બીજા કરી જાય છે. જો આમાં ભ્રષ્ટાચાર કરનારાઓ પોતે કબુલાત આપતા હોય તો તાત્કાલિક આનો નિર્ણય લઈ લેવાનો હોય છે. આમાં તપાસ માટે હજી 7 દિવસની કોઈ જરૂર લાગે? ખરેખર આ બાબતે જિલ્લા કક્ષાએથી પણ તપાસ થવી જોઈએ. તેમ જસદણ તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઇ વોરાએ જણાવ્યું હતું.
હજી આમાં 7 દિવસ લાગશે તપાસ માટે: કે.આર.ચુડાસમા-ટીડીઓ,જસદણ
આ ભ્રષ્ટાચાર બાબતે જસદણ તાલુકા વિકાસ અધિકારીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ ચાલુ છે અને હજી તપાસ માટે 6 થી 7 દિવસનો સમય લાગશે. આ બાબતે જિલ્લામાંથી કોઈ અધિકારી તપાસમાં આવ્યા નથી.