5 વર્ષ રહેતા ધારાસભ્ય પાછળ સરકારનો પગાર ખર્ચ અધધધ રૂ.125 કરોડ છતાં તેમના કામ બાબતે પ્રજામાં અસંતોષ

અગાઉના વલ્લભભાઈ પટેલ જેવા અમુક નેતાઓ હતા. જેમની પાસે સંપત્તિમાં માત્ર રાષ્ટ્રપ્રેમ જ હતો. પણ સમયની સાથે એવા નેતાઓ પણ ચાલ્યા ગયા. હવે આવા નેતાઓ મળવા મુશ્કેલ છે. અત્યારે તો નેતાઓ સેવાના નામે મેવા મેળવી રહ્યા છે. વર્ષે 30 લાખ ઉસેડીને વર્ષમાં પુરા 30 દિવસ કામ પણ કરતા નથી.

ગુજરાતના ધારાસભ્યોને મહિને ભથ્થાઓ મળીને રૂ. 1.16 લાખ પગાર મળે છે. અગાઉ દિલ્હી સરકાર દ્વારા ધારાસભ્યોના પગારાવધારાને મંજૂરી અપાઇ હતી. જે બાદ ધારાસભ્યોને રૂ. 90 હજાર પગાર મળે છે. પગાર સિવાય મેડિકલ, મુસાફરીની અલગથી સુવિધાઓ મળે છે. 2018માં ધારાસભ્યોનો પગાર રૂ. 70727થી વધારી રૂ. 116316 કરવામાં આવ્યો હતો. સીધો જ 40 ટકાનો વધારો ધારાસભ્યોના પગારમાં કરાયો હતો. મંત્રીઓનો પગાર અગાઉ રૂ. 87 હજાર હતો, જેમાં વધારો કરીને રૂ. 1.32 લાખ કરાયો હતો. દર મહિને રૂ. 1.16 લાખ પગાર મુજબ દર મહિને રૂ. 2.12 કરોડ અને વર્ષે 25 કરોડથી વધારે ધારાસભ્યોના પગાર પાછળ ખર્ચ થાય છે.

ધારાસભ્યોને લોકો પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને વિધાનસભા સત્રમાં મોકલે છે. જે બદલ લોકોમાં અનેક આશાઓ પણ હોય છે.કે આપણે ચૂંટેલા નેતા આપણા માટે કામ કરશે. પણ હકીકત એવી છે કે વિધાનસભા સત્ર વર્ષમાં 30 દિવસ પણ મળતું નથી. ખૂબ મોટા પગાર સાથે ધારાસભ્યો કામ કરે છે. પણ હજુ તેઓના કામ પ્રત્યે લોકોને સંતોષ નથી.

વધુમાં ધારાસભ્યોને મળતા વિવિધ લાભો પણ આસમાને છે. ખરેખર સરકારી નોકરી કરતા પણ ધારાસભ્યનું પદ ફાયદાકારક છે. ઢગલાબંધ લાભોની સાથે જવાબદારીનો પણ ભાર સૌથી હળવો હોય છે. ઉપરાંત તેના માટે કોઈ ખાસ એવી લાયકાત પણ હોતી નથી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઇપણ બાબતે એકબીજા સામે આક્ષેપ કરતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પગારવધારા મામલે સાથે રહ્યા હતા. પગારવધારા વિધેયક વખતે કોંગ્રેસે પણ જરાપણ વિરોધ વિના ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ 22 ડિસેમ્બર 2017થી કરવામાં આવ્યો છે. દરેક ધારાસભ્યને તફાવતની રકમ પણ મળી હતી. વિપક્ષના નેતાનો ટપાલ ખર્ચ રૂ. 1 હજારથી વધારી 10 હજાર કરાયો હતો.

ધારાસભ્યોને ગાંધીનગરમાં ક્વાર્ટર્સની સુવિધા આપવામાં આવે છે, જેનું રોજનું ભાડું માત્ર રૂ. 1.25 છે. મકાનમાં ધારાસભ્યોને 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા અપાય છે, જેમાં નિયમિત સફાઈ અને અટેન્ડન્ટની પણ સુવિધા મળે છે. મકાનનું લાઈટબિલ પણ સરકાર ભરે છે. એમએલએ ક્વાર્ટર્સમાં કેન્ટીન પણ આવેલી છે, જ્યાં 85 રૂપિયામાં દાળ-ભાત, શાક-રોટલી, છાશ, પાપડ, સલાડ સહિતનું ફુલ ભાણું મળે છે. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પરિવારજનો માટે રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં મફતમાં સારવારની સુવિધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.