પખવાડિયામાં આજીડેમ ફરી છલોછલ ભરાઈ જશે
ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની કોઈ જ તકલીફ નહીં પડે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના વતની હોવાનો ખુબ જ મોટો લાભ રાજકોટવાસીઓને મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું લેવલ વધી જતા રાજયભરમાં ઉનાળામાં જળસંકટના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે રાજકોટના લોકોને પીવાના પાણીની કોઈ જ સમસ્યા ન નડે તે માટે રૂપાણી સરકારે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને સૌની યોજના અંતર્ગત ફરી નર્મદાના નીરથી ભરી દેવાની મંજુરી આપ્યા બાદ શુક્રવારે વહેલી સવારે ધોળીધજા ડેમથી આજીડેમ તરફ નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે નર્મદાના નીર ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે પહોંચી ગયા છે.
ત્યાંથી નદીના વહેણ મારફત નર્મદાના પાણી બપોર સુધીમાં આજીડેમ ખાતે પહોંચી જશે. એકાદ પખવાડિયામાં આજીડેમ ફરી હિલોરા લેવા માંડશે. દરમિયાન નર્મદાના નીરના વધામણા કરવા માટે આજે સવારે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની ત્રંબા ખાતે દોડી ગયા હતા.
રાજકોટવાસીઓને ભવિષ્યમાં કયારેય પણ પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત આજીડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પાઈપલાઈન બિછાવી છે. વાંકાનેર પાસે આવેલા મચ્છુ-૧ ડેમથી ત્રંબા નદી ત્રિવેણી ઘાટ સુધીના ૩૧ કિલોમીટરના વિસ્તારમાં સૌની યોજના અંતર્ગત આશરે ૩૫૦ કરોડના ખર્ચે પાઈપલાઈન બિછાવવામાં આવી છે. જેનું ગત વર્ષે જુન માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉનાળાના આરંભે જ આજી ડેમ ખાલી થઈ જતા મહાપાલિકા દ્વારા સિંચાઈ વિભાગ મારફત રાજય સરકારમાં આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ફરી નર્મદાનું ૬૦૦ એમસીએફટી પાણી ઠાલવવા દરખાસ્ત કરી હતી. જેનો રાજય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
દરમિયાન ગઈકાલે સવારે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ ખાતે આજીડેમ તરફ નર્મદાના નીર રવાના કરવામાં આવ્યા હતા. જે સાંજે વાંકાનેર નજીક મચ્છુ-૧ ડેમ ખાતે પહોંચી ગયા હતા ત્યાંથી પાઈપલાઈન મારફત ત્રંબા ત્રિવેણી ઘાટ સુધી નર્મદાના પાણીને રવાના કરવામાં આવ્યું હતું. આજે સવારે ૮ કલાક અને ૨૨ મિનિટે ત્રંબા ત્રિવેણી ઘાટ ખાતે નર્મદાના નીરનું આગમન થયું હતું. જયાંથી નદીના વહેણ મારફત આ પાણી આજીડેમમાં ઠલવાશે. બે થી ત્રણ ચેકડેમ અને પાંચ જેટલી ખાણો ભરાયા બાદ આજી ડેમ નર્મદાના નીરથી ભરાવવાનું શરૂ થશે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે રાજય સરકારની સૌની યોજના અંતર્ગત આજી-૧ ડેમમાં ૬૫૦ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે. આગામી ૧૦ થી ૧૨ દિવસમાં આજી ડેમ ફરી છલોછલ ભરાઈ જશે. રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી અને ભાદર ડેમમાં ચોમાસામાં સુધી ચાલે તેટલો જળ જથ્થો સંગ્રહિત છે અને આજી ડેમ નર્મદાના નીરથી ફરી ભરાઈ જવાના કારણે ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની કોઈ જ સમસ્યા વેઠવી પડશે નહીં.
આજે સવારે ત્રંબા ત્રિવેણી ઘાટ ખાતે નર્મદા મૈયાનું પાવનકારી આગમન થતા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની નર્મદા મૈયાના વધામણા કરવા ત્રંબા ત્રિવેણી ઘાટ ખાતે દોડી ગયા હતા. નર્મદાના ધસમસતા પાણીને નિહાળવા માટે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. બપોરે ૨:૩૦ થી ૩:૦૦ કલાક વચ્ચે આજી ડેમમાં નર્મદા મૈયાનું આગમન થઈ જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
અચ્છે દિન: મુખ્યમંત્રી રાજકોટના હોવાનો શહેરીજનોને મળતો વિશેષ લાભ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના વતની અને ધારાસભ્ય હોવાનો વિશેષ લાભ રંગીલા રાજકોટને મળી રહ્યો છે. નર્મદા ડેમનું લેવલ ઘટી જવાના કારણે એક તરફ રાજયભરમાં ઉનાળામાં જળ કટોકટીના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે રાજકોટની જનતાએ પાણીની હાડમારી સહન કરવી ન પડે તે માટે રૂપાણી સરકારે આજીડેમને ફરી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી ફરી દેવાની મંજુરી આપ્યા બાદ આજે આજીમાં નર્મદાના નીર આવી પહોંચ્યું છે.
મુખ્યમંત્રી રાજકોટના હોવાનો લાભ લોકોને મળી રહ્યો છે. ગઈકાલે જ રૂપાણી સરકારે શહેરની ભાગોળે બની રહેલા રેસકોર્સ-૨ માટે રૂ.૩.૭૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આજે આજીમાં નર્મદાનું પાણી આવી પહોંચતા શહેરીજનોની ખુશી બેવડાઈ છે.