ધારાસભ્યો એક લાખથી વધુ પગાર લે છે, ગાડીઓમાં ફરે છે અને ઘણા તો સંપન્ન છે તો તેમણે પોતાની અને પરિવારની સારવારના ખર્ચના બિલો સરકારમાં મૂકવાને બદલે જાતે ઉઠાવવા જોઇએ તેવું સૂચન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર આરોગ્યની સુવિધા પાછળ કરોડો ખર્ચે છે. આ સુવિધા રાજ્યની ગરીબ અને મધ્યમવર્ગ માટે છે.
સોનિયા ગાંધીની સારવારનો ખર્ચ ગાંધી પરિવારે ઉઠાવ્યો કે સરકારે
દરમિયાન, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે નીતિન પટેલને પ્રશ્ન પૂછતાં કહ્યું હતું કે તમે જે ડાયાબિટીસની ગોળી રેગ્યુલર લો છો તે સરકારી છે કે નહીં અને મુંબઇની હોસ્પિટલમાં તમે જે સારવાર લીધી હતી તેનો ખર્ચ કોણે ઉઠાવ્યો હતો? જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ પાંચ વખત વિદેશમાં જઇને કેન્સરની સારવાર કરાવી હતી તેનો ખર્ચ તમારી સરકારે ઉઠાવ્યો હતો કે ગાંધી પરિવારે? હું ક્યારેય સરકારી ખર્ચે સારવાર લેતો નથી. મુંબઇમાં સારવારનો ખર્ચ પણ મેં જાતે ઉઠાવ્યો હતો.
આવકના પુરાવા વિના વૃદ્ધાશ્રમના લોકોની સારવાર
નીતિન પટેલે વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું હતું કે જે લોકો વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, વિધવાશ્રમમાં રહેતા હોય તેમને આવકનો દાખલો લેવામાં મુશ્કેલી પડે છે. આ જ રીતે જે સાધુ સંતો, મંદિરોના મહંતોને પણ આ સમસ્યા છે. આથી આવા લોકોને આવકનો દાખલો જોયા વિના જ મા યોજના હેઠળ સારવાર આપવામાં આવશે.
સરકારી દવાખાનામાં રોજ 1.34 લાખની OPD
નીતિન પટેલે આરોગ્ય વિભાગની કામગીરી વર્ણવતા કહ્યું કે રાજ્યના સરકારી દવાખાનામાં દરરોજ 1.34 લાખ અને વર્ષે 4.88 કરોડ દર્દીઓ ઓપીડીમાં ચકાસવામાં આવે છે. 2018માં 50.60 લાખ દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઇ હતી. કુલ જન્મેલા 12 લાખ બાળકો પૈકી 6.57 લાખ બાળકો સરકારી દવાખાનામાં જન્મ્યા હતા.