અબતક, રાજકોટ
ખાનગી સોસાયટીઓમાં જનસુખાકારીના કામો માટે ધારાસભ્ય અને કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટમાંથી અગાઉ ૧૦% રકમ વાપરી શકતા હતા. રાજ્ય સરકાર દ્વારા હવે આ મર્યાદા બમણી કરી દેવામાં આવી છે. હવેથી ખાનગી સોાસયટીઓમાં વિકાસ કામો માટે જનપ્રતિનિધિઓ પોતાની મતળી ગ્રાન્ટમાંથી ૨૦% રકમ વાપરી શકશે. તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાનગી સોસાયટીમાં જનસુખાકારીના કામો કરવા અંગે ધારાસભ્ય અથવા કોર્પોરેટરોની ગ્રાંટમાંથી ૨૦ ટકા રકમ ફાળવવાના મહત્વપૂર્ણ નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને અભિનંદન પાઠવતા મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે રાજ્યના મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં છે. આ યોજનામાં ખાનગી સોસાયટી, હાઉસીંગ બોર્ડની વસાહતો તેમજ ફ્લેટોમાં જનભાગીદારીના કામોમાં રહીશોને ૧૦% રકમ ભોગવવી પડતી હતી. આંતરિક રસ્તા, ડામરકામ કે પેવિંગ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપલાઈન, વોટર હાર્વેસ્ટિંગ, ભૂગર્ભ ગટરના કામો માટે રાજ્ય સરકાર ૭૦% ગ્રાંટ આપે છે. જયારે ૨૦% ખર્ચ ખાનગી સોસાયટીઓએ ભોગવવાનું રહે છે. જયારે ૧૦% રકમ સ્થાનિક સંસ્થા-સોસાયટીઓ ભોગવે છે.
રાજ્ય સરકારે શહેરમાં જનસુખાકારીના કામોને ધ્યાને લઈ લોકોને વધુને વધુ લાભ થાય તે હેતુસર ખાનગી સોસાયટીઓ, ફ્લેટો અને હાઉસીંગ બોર્ડની વસાહતોમાં રહીશોને લોકફાળાની ભરવાની થતી ૨૦% રકમ માટે ધારાસભ્ય, નગરપાલિકાના સભ્ય, મહાનગરપાલિકાના કોર્પોરેટર તેમની ગ્રાંટ ફાળવી શકશે. ધારાસભ્યો, નગરપાલિકાના સભ્ય અને મહાનગરપાલિકાના કોર્પોરેટરો અગાઉ માત્ર ૧૦% ગ્રાંટ ફાળવી શકતા તેની બદલે તેઓ હવે ૨૦% ગ્રાંટ ફાળવી શકશે, તે મુજબનો મહત્વપૂર્ણ નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીને રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન સાથે આ નિર્ણયને આવકારેલ છે.