સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરશે: રમેશભાઈ ટીલાળાએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી
રાજકોટ -70 વિધાનસભા મત વિસ્તારમાંથી અત્યાર સુધીની સૌથી વધુ મતની લીડથી ચૂંટાયેલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ધારાસભ્ય બન્યા બાદ પ્રજા સાથે સતત જીવંત સંપર્ક રાખ્યો છે પ્રજા સાથેનો સંપર્ક વધુ મજબુત બને અને પ્રજાના પ્રશ્ર્નો વધુ સરળતાથી ઉકેલી શકાય તેવા ઉમદા હેતુથી તેમના મત વિસ્તારમાં એક વિશાળ અને આધુનિક સગવડતા ધરાવતું કાર્યાલય બનાવ્યું છે અને આ કાર્યાલયનું ઉદ્દઘાટન તા.4 થીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે.
આમ તો વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા પછી પોતે ઉદ્યોગપતિ હોવા છતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ તુરંત કાર્યાલય શરુ કરી જ દીધું હતું અને રોજ સવારે અરજદારો આવે એ પહેલા કાર્યાલય પહોંચી અનેક લોકોના પ્રશ્નો ઉકેલ્યા છે આમ છતાં લોકો વધુ સરળતાથી સંપર્ક કરી શકે તેવા હેતુથી ભક્તિનગર સર્કલ પાસે આ જનસંપર્ક કાર્યાલય બનાવ્યું છે.
આ જનસંપર્ક કાર્યાલયમાં નાગરિકો પોતાના પ્રશ્ર્નો અને મૂંઝવણનાં નિરાકરણ માટે રજૂઆત કરી શકશે અને પ્રજાના પ્રતિનિધિ ખરા અર્થમાં કેવા હોવા જોઈએ તેવો અહેસાસ પણ કરી શકશે.
આ જનસંપર્ક કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ જેવી કે, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ સુવિધા, વર્ચ્યુઅલ સભાઓ, કોન્ફરન્સ હોલ અને વિડીયો કોન્ફરન્સ હોલ બનાવવામાં આવ્યા છે .
આ સિવાય લોકો માટે જરૂરી બની ગયેલા અને ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ, ઈ – શ્રમિક કાર્ડ, જનધન કાર્ડ, વિધવા પેન્શન યોજના, આધાર કાર્ડ, આધાર – મોબાઈલ લીંક, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, વૃધ્ધ અને નિરાધાર પેન્શન યોજના , ઇન્ડિયન પોસ્ટ વીમા યોજના, પોસ્ટ ઓફીસ સેવિંગ બેંક ખાતું, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, વ્હાલી દિકરી યોજના, અનાજ પુરવઠા ફોર્મ, આર.ટી.ઈ માટે બાળકોના ફોર્મ ભરવા, રાશન કાર્ડ અંગેના સુધારા, પેન્શન યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બીલ સહાય યોજના, પ્રધાન મંત્રી પેન્શન યોજના , પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના, પી.એમ. લેબર પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, બિન અમાનત જાતિની યોજનાઓ, પ્રમાણપત્રો, સંકટ મોચન યોજના , વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વાહન અકસ્માત સહાય યોજના, મહિલા સમૃદ્ધિ યોજના અને તેના જેવી બીજી અનેક સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આ કાર્યાલયમાં ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જરૂરતમંદ નાગરિકોને આ તમામ સેવા અને સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે રમેશભાઈ ટીલાળાએ રાજય અને કેન્દ્ર સરકારમાંથી મત વિસ્તારના વિકાસ માટે અને ગ્રાન્ટ અને બીજી યોજનાઓ થકી વિકાસના કામો કર્યા છે અને આગામી દિવસોમા જરૂરિયાત મુજબ વિકાસના અનેક કામો કરવામા આવશે.
કાર્યાલય ખાતે મળશે આ સુવિધાઓ
- ભક્તિનગર સર્કલ પાસે આધુનિક સુવિધા સાથેનું કાર્યાલય બનાવ્યું.
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની લાભદાયી યોજનાઓ વિશેની માહિતી મળશે.
- ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા.
- કાર્યાલયમાં ધારાસભ્ય રમેશભાઈનો સીધો સંપર્ક થઇ શકશે.
- જનસેવાના કામ કરૂ છું અને આગળ પણ કરતો રહીશ: રમેશભાઈ ટીલાળા
અબતક સાથેની વાતચિતમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતુ કે આધુનિક સુવિધા સાથેના કાર્યાલયનું સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. જયાં લોકોને રાજય કેન્દ્ર સરકારની 160 જેટલી લાભદાયી યોજનાઓ વિશે માહિતી મળશે. કાર્યાલયે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ હશે અને લોકો કાર્યાલય ખાતે મારો સીધો સંપર્ક કરી શકશે.
વધુમાં જણાવતા રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતુ કે નાનપણથી જ લોકોના કામ કરતો આવ્યો છું. શાપર-વેરાવળ અને આજુબાજુના ઈન્ડસ્ટ્રીયલ એશો. સાથે મારૂ સંકલન થતું છેલ્લા વિસ વર્ષથી ઉદ્યોગોના પ્રશ્ર્નોની સરકારમાં રજૂઆત કરતો આવ્યો છું. અને તેના ભાગરૂપે પાર્ટીએ મને ટીકીટ આપેલ અત્યારે ઉદ્યોગોનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. હમણા જ એમએસએમઈ માટે સરકારે 6 ઝોન જાહેર કર્યા. તેના માટે સ્પેશ્યલ અધિકારીની નિમણુંક કરેલ. સરકાર ઈન્ડસ્ટ્રીઝ માટે ખૂબજ ગતિશીલથી કામગીરી કરી રહી છે. પહેલા સ્પીનીંગ ઉદ્યોગ સાઉથમાં જ હતો અને હવે ગુજરાતે સ્પીનીંગ ઉદ્યોગને કવર કર્યું છે. વડાપ્રધાન મોદીની ભારતને 5 ટ્રીલીયન ઈકોનોમી સુધી લઈ જવા પ્રયાસો થઈ રહ્યા જી.20ની ઈવેન્ટ પણ થવાની જેમાં દુનિયાનાં 45થી વધુ દેશો ભાગ લેશે ભવિષ્યમાં તેઓ ઈન્ડસ્ટ્રીઝ કંપની પણ સ્થાપશે.
શાપર વેરાવળમાં આજ સુધીમાં કોઈપણ ઈન્ડસ્ટ્રીઝને મુશ્કેલી ન પડે તે માટે ઈન્ડસ્ટ્રીઝના માલિકોને વાત કરેલ કે તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો તેમાં અમે સાથે છીએ. અને આજે પણ તે નિભાવીએ છીએ ગુંડાગીરીનો પ્રશ્ર્ન હોય, કે બેકીંગનો આર્થિક પ્રશ્ર્ન હોય, કે કોઈપણ સરકારી પ્રશ્ર્નોને ઉકેલવામાં હું અને એશો. તત્પર સાથે અને સક્રિય છે. હું મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરીશ કે તેઓના હસ્તે સોમવારે કાર્યાલયનું ઉદઘાટન કરાશે. જયારે એક પદ મળ્યું છે તો લોકોની વચ્ચે રહી લોકોના કામ કરવા જ જોઈએ અને હું તે કામ કરૂ છું અને કરતો રહીશ જો અરજદારો મતદારોને કેવી રીતે વધુ મદદરૂપ કરી શકી તે માટે સિસ્ટમ ગોઠવવાની હોય તે સિસ્ટમ મેં બનાવેલ અને મેનેજમેન્ટના ભાગરૂપે કામગીરી કરેલ લોકોને સંતોષ છે.