વધુ પડતા વરસાદના કારણે ગામડાઓની સ્થિતિ વણસી જતા જાણકારી મેળવી
છેલ્લા ત્રણ દિવસથી ઉપલેટામાં પડેલા ભારે વરસાદના પગલે ગામડાઓની સ્થિતિ વણસી હતી. લોકોને ઘરમાં પાણી ઘુસી જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગેની નોંધ લેવા ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત હતી.
આ વિસ્તારમાં થયેલ નુકશાનીની જાણકારી મેળવવા ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ વસોયા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર શહેર કોંગ્રસ પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય, સહિતની કોંગ્રેસની ટીમ તથા તાલુકા પંચાયતના અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખીને ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે મુલાકાત લેતા નદી કાંઠાના મકાનોમાં પાણી ધુસ્યાનું અને મકાન પડી ગયેલ હોવાની રજૂઆત થઇ હતી. જાર ગામે સ્મશાનની દિવાલ, પ્રાથમિક શાળાની દિવાલ, અને વેણુ નદી ઉપર આવેલ કોઝ-વેમાં ગાબડા પડયાની ફરિયાદ ગામના આગેવાન બાબુભાઇ હુંબલ દ્વારા કરવામાં આવેલ હતી. જયારે વરજાંગ જાળીયા, અને નિલાખા ગામે વેણુ નદીના પાણી દલિત વાસમાં ફરી વળતા ચાર ચાર ફૂટ પાણી ઘરમાં ધુસી ગયા હતા. તેમજ નિલાખા ગામે પ્રાથમિક શાળામાં આવેલ બાલમંદિરમાં પાંચ ફૂટ પાણી ધુસી જતા બાલમંદિરમાં રહેલ વસ્તુઓ પલળીને નાશ પામેલ હતી. ઉપરાંત નિલાખા ગામમાં જતી વિજ લાઇનના નવ પોલ પડી જતા ગામ લાઇટ વિહોણું બનતા તાત્કાલીક જી.ઇ.બી.ના અધિકારીઓનો સંપર્ક કરી વિજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાવવામાં આવેલ હતી. મેખાટીબીમાં પણ ખેતીની જમીનમાં વેણુ નદિના પાણી આવી જતા વરજાંગ જાળીયા, નાગવદર, નિલાખા મેખાર્ટીબીની હજારો એકર જમીનમાં વાવેલ પાક ઉપર પુરના પાણી ફરી વળતા આ પાક નિષ્ફળ જવાની ભીતી સાથે ખેડૂતોએ પાકની નુકશાનીની રકમ સરકાર માંથી મળે તે માટે ધારાસભ્ય પાસે રજૂઆત કરી હતી.