- બે કરોડની રસ્તા સુધારણાની ધારાસભ્યની ગ્રાન્ટના કામો સ્ટેન્ડીંગ કમીટીમાં નામંજૂર
- ચૂંટણી ટાણે ધારાસભ્ય સસ્તી પ્રસિધ્ધીના પ્રયાસ કર્યા હોવાનો સ્ટેન્ડીંગ ચરેમેન હરેશભાઈ પરસાણાનો બચાવ
એક તરફ જૂનાગઢ મહાનગરના રાજ માર્ગો સહિતના છેવાડાની સોસાયટીના રોડ વિવિધ વિકાસ કામ સબબ તોડી નાખવામાં આવ્યા છે, મહાનગર ધૂળિયું બની ગયું છે, તે સાથે લોકો અનેક વિકાસ કામોથી વંચિત છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય એ પોતાની ગ્રાંટના રૂ. 2 કરોડના સૂચવેલ લોક ભાગીદારીના કામો મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ના મંજૂર કરતા જૂનાગઢ ભાજપાના શાસકોની રાજકીય નીતિ સામે ધારાસભ્ય એ અનેક પ્રશ્નો ઉઠવ્યા છે. તો, મનપાનાં સતાધીશો કહે છે કે, ચૂંટણી સમયે ધારાસભ્ય સસ્તી પ્રસિદ્ધિ માટે આ વાત ઉછાળી છે.
આ અંગે જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ અબ તક ને જણાવ્યું હતું કે, પોતાને મળતી ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ ગ્રાન્ટ ઉપરાંત વધારાની રૂ. 2 કરોડ ગ્રાન્ટ ખાસ જૂનાગઢ શહેરના રસ્તાઓના નવીનીકરણ માટે રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી લાવ્યા હતા. અને આ ગ્રાન્ટને તેઓએ લોકભાગીદારી યોજનામાં ડાયવર્ટ કરી. 20 % લેખે આ રૂ. 2 કરોડ ગ્રાન્ટ લોકભાગીદારી યોજનામાં ફાળવે અને 10 % રકમ કોર્પોરેશન સ્વ-ભંડોળમાંથી ભરે એટલે રાજ્ય સરકાર 70 % ગ્રાન્ટ ફાળવે. જેથી મારી ગ્રાંટના રૂ. 2 કરોડના સીધા 10 કરોડ થાય. અને રૂ. 10 કરોડમાં આખાએ જૂનાગઢની તમામ શેરીઓ સી.સી.રોડથી મઢાઈ જાય. પરંતુ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના શાસકોએ બહુમતીના જોરે સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા સૂચવેલા રસ્તાના કામોની તમામ દરખાસ્તો નામંજૂર કરી નાખી, પ્રજાની પરેશાની ભૂલી અને જૂનાગઢના વિકાસના કામોમાં મનપાના ભાજપના સત્તાધીશોએ ભાજપ કોંગ્રેસનું રાજકારણ કરી, સત્તાના જોરે જૂનાગઢના રૂપિયા 10 કરોડના વિકાસ કામો રોકી દીધા છે.
ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ જૂનાગઢ મનપાના સત્તાધીશો સામે એવા પણ આક્ષેપ કર્યા છે કે, મારે માત્ર જૂનાગઢના વિકાસ કામો અને લોકોને પડતી હાલાકી માટે આ કામો મારી ગ્રાન્ટને ડાઈવર્ટ કરી, કરાવવા હતા. અને મેં મનપાના સત્તાધીશોને એ પણ જણાવ્યું હતું કે મારે મારી ગ્રાન્ટના જે કામો થાય તેના લોકાર્પણ કે ખાતમુરત મારે કરવા નથી, કે ફોટા પડાવવા નથી, પરંતુ જો આ વિકાસ કામો થાય તો ભીખાબાપાને પ્રસિદ્ધિ મળે તેવા ડરે ભાજપના સત્તાધીશોએ મારી ગ્રાન્ટના સૂચવેલા કામો નામંજૂર કર્યા છે. વાસ્તવમાં જો સમયસર આ કામો મંજુર કરી નાખ્યા હોત તો ચોમાસાની સીઝનમાં લોકોએ હાલાકી ન ભોગવવી પડત.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના આક્ષેપ સામે જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા એ અબ તકને આપેલી એક મુલાકાતમાં ધારાસભ્ય સામે સામાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ધારાસભ્ય સસ્તી પ્રસિદ્ધિ માટે આ ખોટો મુદ્દો ઉઠાવી રહ્યા છે. વાસ્તવમાં તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, તેમાં કોર્પોરેટરો દ્વારા સૂચવેલા 70:30 ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. અને ધારાસભ્ય દ્વારા દરખાસ્ત કરાયેલ કોઈ કામો રદ કરવામાં આવેલ નથી, અને હાલમાં પણ સ્ટેન્ડિંગ ખુલી છે તથા આવતી સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત લેવાની હતી. પરંતુ તે દરમિયાન જ ધારાસભ્ય એ મનપાને એક પત્ર પાઠવી તેમણે ફાળવેલ ગ્રાન્ટ પરત ખેંચી લીધી છે. આમ જૂનાગઢના ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ વાપરવાની ઇચ્છા ધરાવતા ન હોય તેવું લાગી રહ્યું છે. અને ચૂંટણી આવી રહી છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા આક્ષેપો કરી રહ્યા છે.