6500 નોટબુકોનું શાળા પ્રવેશોત્સવ નિમિતે જરૂરીયાતમંદ બાળકોને દાન કરાયું
રક્તતુલા, રજતતુલા, સાકરતુલા, વગેરે તુલા તો બધાએ સાંભળી જ હશે, પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે યોજાયેલી “જ્ઞાન તુલા” તદ્દન નવતર અને અનુકરણીય છે.
રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે નવો જ ચીલો ચાતરતી ઘટના જેતપુર ખાતેના શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બનવા પામી છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની “જ્ઞાન તુલા” કરીને તેમના વજન જેટલી જ નોટબુકો સમાજના જરૂરિયાતમંદ બાળકોને દાનમાં આપવામાં આવી છે. “મોરના ઈંડાને ચીતરવા ન પડે” આ ગુજરાતી કહેવતને સાર્થક કરતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર જયેશભાઈ પણ તેમના પિતા દ્વારા શરૂ કરાયેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓને અવિરત આગળ ધપાવી રહ્યા છે.
તાજેતરમાં ચાલી રહેલા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન જેતપુરના કેળવણીકારો દ્વારા જયેશભાઈની “જ્ઞાનતુલા” કરી ધારાસભ્ય જયેશભાઈના શારીરિક વજન 81 કિલો જેટલું વજન ધરાવતી 6500 નંગ નોટબુક અને ફુલ સ્કેપ ચોપડાઓનું જરૂરિયાત મંદ બાળકોને દાન કરવામાં આવ્યું હતું.જયેશભાઇ રાદડિયાએ છેવાડાના માનવીના બાળકોના શિક્ષણ માટે કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય તેવા કાર્યોથી સમાજની સેવા કરી છે ત્યારે “જેતપુર નવાગઢ જયેશ રાદડિયા ફેન ક્લબ” અને “જેતપુર શિક્ષણ પરિવાર” દ્વારા જયેશભાઇ રાદડીયાની “જ્ઞાન તુલા” નવાગઢ શાળા નંબર 13 ખાતે થઈ, આ જ્ઞાન તુલામાં જયેશભાઈનું 81 કિલો વજન કરતાં પણ વધુ 6500 નંગ લેખન ચોપડા અને નોટબુક વડે જયેશભાઈનું વિદ્યા વિનય બહુમાન શિક્ષણપ્રેમીઓએ જયેશભાઈ રાદડિયાને અર્પણ કરેલ હતું, આ પ્રસંગે જયેશભાઈએ કહ્યું હતું કે સૌ રાજકીય-સામાજિક અને અન્ય જાહેર જીવન ક્ષેત્રે કાર્ય કરતા સર્વ શ્રેષ્ઠીઓ માટે આ બાબત પ્રેરણારૂપ રાહ ચીંધશે.