છેવાડાના ગામોને પાણી નહીં મળતુ હોવાની રાવ 7 ગામોના ખેડૂતોએ અધિકારીઓ કરી રજૂઆત
લીંબડી-વલ્લભીપુર બ્રાન્ચની નર્મદા કેનાલમાં ઓછા પ્રમાણમાં પાણી છોડાતું હોવાથી છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતા નહીં હોવાની ફરીયાદ ઉઠી રહી છે. આથી લીંબડી તાલુકાના સાત ગામોના ખેડૂતોએ અને ધારાસભ્ય દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને વધુ પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ચાલુ વર્ષે વરસેલા ઓછા વરસાદને કારણે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. અને ખેડૂતો શિયાળુ પાક લઈ શકે તે માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ લીંબડી અને વલ્લભીપુર બ્રાન્ચની નર્મદા કેનાલમાં હાલમાં 500 થી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં છેવાડાના ગામોમાં પાણી નહીં મળતું હોવાની રાવ ઉઠી રહી હતી.
આથી લીંબડી સર્કીટ હાઉસમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને પાટડી વિસ્તારના ધારાસભ્ય તથા લીંબડી તાલુકાના ભલગામડા, પરાલી, ગડથલ, પરનાળા, શિયાણી, મોટાટીંબલા, નટવરગઢના ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો અને ધારાસભ્ય દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચના ચીફ ઈજનેર આર.કે.ઝા સહિતના હાજર અધિકારીઓને લીંબડી-વલ્લભીપુર બ્રાન્ચની કેનાલમાં 1200 ક્યુસેક પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં પાટડી વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ભગીરથસિંહ રાણા, સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે લીંબડી બ્રાન્ચના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.બી.જીવાનીએ જણાવ્યું કે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને બે દિવસમાં લીંબડી બ્રાન્ચની કેનાલમાં 1000 ક્યુસેક અને વલ્લભીપુર બ્રાન્ચની નર્મદા કેનાલમાં 1100 ક્યુસેક પાણી છોડવામાં આવશે.