વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, રાજયપાલ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી

 

અબતક,રાજકોટ

મહેસાણા જિલ્લાના ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું ડેંગ્યુથી મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે દુ:ખદ નિધન થયા બાદ આજે સવારે સિધ્ધપુરના મૂકિતધામ ખાતે તેઓની અંતિમ વિધી કરવામાં આવી હતી. એક મહિલા અને જાગૃત ધારાસભ્યનો જીવનદીપ અકાળે બુઝાય જાતા ભાજપના કાર્યકરો ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સેંકડો લોકોએ આશ્રુભીની આંખે આશાબેનને અંતિમ વિદાય આપી હતી.

ઉંઝાના ભાજપના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ તેઓ ડેંગ્યુના સંકજામાં સપડાયા હતા. પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં અપાયાબાદ તબીયત વધુ કથળતા તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. મલ્ટીઓર્ગન ફેલ્યોરના કારણે તેઓનું ગઈકાલે બપોરે દુ:ખદ અવસાન થયું હતુ.તેઓનો પાર્થીવ દેહ ગઈકાલે ઉંઝા માર્કેટીંગ યાર્ડ ખાતે અંતિમ દર્શન માટે રાખવામા આવ્યા હતો. જયાં તેઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આજે સવારે ઉંઝા માર્કેટીંગ યાર્ડ ખાતેથી તેઓની અંતિમ યાત્રા નિકળી હતી. જે સૌ પ્રથમ તેમના વતન વિશોલમાં પહોચી હતી. જયાં ડો. આશાબેન પટેલનો પાર્થીવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સિધ્ધપુરના મૂકિતધામ ખાતે તેમના પાર્થીવ દેહની અંતિમવિધી કરવામાં આવી હતી. તેઓની અંતિમ યાત્રામા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. સેંકડો કાર્યકરોએ પોતાના પ્રતિનિધિને અશ્રુભીની આંખોએ આખરી અલવિદા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આશાબેન પટેલ કોંગ્રેસના પ્રતિક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓએ 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતુ. મેં 2019માં ઉંઝા બેઠક માટે પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રવિવારે તેઓનું ડેંગ્યુની બિમારીથી મલ્ટીઓર્ગન ફેલ્યોરના કારણે રવિવારે નિધન થયું હતુ આજે તેઓનો પાર્થીવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો છે.

નયમાનુસાર ધારાસભ્ય કે સંસદસભ્યનું અવસાન થાય તો ખાલી પડેલી બેઠક માટે છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી પડે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે 11 મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ઉંઝા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે કે કેમ? તે અંગે આખરી નિર્ણય રાજય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે ગુજરાત વિધાનસભા જાણે શ્રાપીત હોય તેમ 182 ધારાસભ્યો કયારેય પૂર્ણ થતા નથી જેથી 182 ધારાસભ્યો ચૂંટાઈ છે તો તરત કોઈનું અવસાન થાય છે. અથવા કોઈ રાજીનામું આપી પક્ષ પલ્ટો કરે છે. કોઈ કારણોસર ડિસ્કવોલીફાય થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.