આશરે 1 વર્ષ પહેલા રાજકોટમાં જાપાનીઝ ટેક્નોલોજી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 5 એકર વિસ્તારમાં ગાઢ જંગલ બનાવવા સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સાથે એમઓયુ થયા હતા. જે અંતર્ગત ગુજરાતની પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 5 એકરમાં મિયાવાકી ટેકનોલોજીથી વૃક્ષોનો ઉછેર કર્યો હતો. જે આશરે એક વર્ષમાં જ ઘણા ખરા વૃક્ષોમાં પ્રોટીન યુક્ત ફળો ઉગી નીકળ્યા છે અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મિયાવાકી પદ્ધતિ સફળ રહી છે. અંદાજે 30 વર્ષમાં ગાઢ જંગલ નિર્માણ પામશે તે નિશ્ર્ચિત લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી એક વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 એકર જગ્યામાં ઘણા ખરા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. લગભગ 50,000 જેટલા વૃક્ષોમાંથી એક વર્ષમાં મોટાભાગના વૃક્ષોમાં પ્રોટીન યુક્ત ફળો ઉગી નિકળ્યા છે. આ વૃક્ષોની જાળવણી માટે ડીપ ઈરીગેશન પદ્ધતિ દ્વારા છોડનો ઉછેર કરવામાં આવ્યો છે. વૃક્ષોની જાળવણી માટે તમામ પાણી યુનિવર્સિટી પૂરું પાડી રહી છે.
દરરોજનું 50,000 લીટર પાણી આ વૃક્ષોને પીવડાવામાં આવે છે જે રૈયા રોડ પરના કોર્પોરેશનના સુએઝ પંપમાંથી આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 3 ચેકડેમ, 4 તળાવ અને 7 બોર પણ આવેલા છે. પાણી માટે આ વિશેષ સ્ત્રોત પણ રાખવામાં આવ્યો છે અને છેલ્લા એક વર્ષની ખુબજ કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવી છે જેનું પરિણામ અત્યારે મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ મિયાવાકી પદ્ધતિથી જે વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. જેમાં ઘણા પ્રોટીનયુક્ત ફળો જેવા કે દાડમ, જામફળ અને મસરુમ સહિતના ફળો ઉગી નિકળ્યા છે. ભવિષ્યમાં જેમ જેમ વધુ ફળો આવશે તે સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને અર્પણ કરવામાં આવશે.