વર્ષ 2023માં શરદી-ઉધરસના 4402, તાવના 478, ઝાડા-ઉલટીના 951 દર્દીઓ નોંધાયા

હાલ મિશ્ર ઋતુને લીધે રોગચાળો વકર્યો છે. એચ3એન2 સહિતના ફલૂના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. એચ3એન2 એ સીઝનલ ફ્લૂનો એક પ્રકાર છે જે આ વર્ષની ઈન્ફલ્યુએન્ઝા સિઝનમાં પ્રબળ ફલૂ રહ્યો છે.  ફલૂના આ પ્રકારને અત્યંત ચેપી માનવામાં આવે છે અને તે લોકોમાં લાંબા ગાળાની બીમારીનું કારણ બની રહ્યું છે.  લાંબા સમયથી અસ્તિત્વમાં રહેલી ઉધરસ અને તાવને કારણે લોકોને સલામતીના પ્રશ્નો ઉભા થયા છે.

એચ3એન2 ઈન્ફલ્યુએન્ઝાથી થતા ગંભીર રોગના ચિહ્નો અને લક્ષણો અલગ અલગ વ્યક્તિમાં બદલાઈ શકે છે.  લક્ષણોમાં તીવ્ર તાવ, ગંભીર માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, તીવ્ર અને સતત ઉધરસ, શરદી અને ફેફસામાં દુખાવાનો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં શરીરમાં દુખાવો, ઉબકા, ઉલટી અથવા ઝાડાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની વાત કરવામાં આવે તો ગત એક સપ્તાહ (તા. 13 માર્ચ – 19 માર્ચ) સુધીમાં શરદી-ઉધરસના 493 કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 42, ઝાડા-ઉલ્ટીના 106 કેસો નોંધાયા છે. જ્યારે ટાઇફોઇડ પ્રકારના તાવના, કમળો તાવના અને મરડાના એક પણ કેસ ગત સપ્તાહમાં નોંધાયા નથી.

વર્ષ 2023ની શરૂઆતથી હાલ સુધીના કેસો ધ્યાને લેવામાં આવે તો શરદી-ઉધરસના કુલ 4402 કેસ, સામાન્ય તાવના 478 કેસ, ઝાડા-ઉલટીના 951 કેસ નોંધાયા છે. જો કે, નવા વર્ષમાં ટાઇફોઇડ, કમળો અને મરડાના એક પણ કેસ નોંધાયા નથી.

હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સતત 10% જેટલો વધારો નોંધાઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે કોવિડના ચાર ડોમ પૈકી 2 ડોમ સીઝનલ ફલૂ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જેમાં વેન્ટિલેટરથી સજ્જ 30 બેડ સહિત 40 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વાઈરલ ઈન્ફેક્શન વધતા દવાના વેચાણમાં 38%નો ઉછાળો

સમગ્ર દેશમાં ફ્લૂ, વાયરલ ચેપ અને એચ3એન2 કેસોમાં તાજેતરના વધારાને કારણે ફેબ્રુઆરીમાં શ્વસન સંબંધી બીમારીઓ માટેની દવાઓના વેચાણમાં 38%નો વધારો થયો છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સની ફાર્માસ્યુટિકલ માર્કેટ-રિસર્ચ કંપની  દ્વારા આપવામાં આવેલ ડેટા દર્શાવે છે કે

શ્વસન સંબંધી બીમારીઓ માટેની દવાઓના વેચાણનું મૂલ્ય ફેબ્રુઆરી 2022માં રૂ. 39.7 કરોડથી વધીને આ વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. 54.7 કરોડ થયું છે. છેલ્લા એક-બે મહિનામાં ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં ઓછામાં ઓછો 30% વધારો થયો છે. જેમાં ઉધરસ, શરદી અને વહેતું નાક, તાવ તેમજ શરીરમાં દુખાવો ધરાવતા દર્દીઓ વધ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.