રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સલામતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ
પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારાથી રોષે ભરાયેલા લોકોએ અનેક સ્થળોએ
કર્યા વિરોધ પ્રદર્શન સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીએ તમામ રૂટો બંધ રાખ્યા
જામનગરમાં પણ શાળાઓ બંધ
કોંગ્રી કાર્યકરો બજારો બંધ કરવા રસ્તા પર ઉતર્યા: ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સરકારી કચેરીઓ ખુલ્લી
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરી વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા-બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક સ્થળોએ સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોએ આજે બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી તંત્રએ તમામ રૂટો બંધ રાખ્યા હતા. જામનગરમાં પણ શાળાઓ બંધ રહી હતી. કોંગ્રેસના કાર્યકરો બજારો બંધ કરાવવા માટે રીતસર રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભાવ વધારાના વિરોધમાં રોષે ભરાયેલા લોકોએ રાજયમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ટાયરો પણ સળગાવ્યા હતા.
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સહિતના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે આપવામાં આવેલા બંધના એલાનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજયભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી એમ સળંગ છ કલાક માટે આપવામાં આવેલા બંધના એલાનને સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં બંધની અસર જોવા મળી હતી તો ગામડામાં તમામ બજારો સવારે નિયમીત ખુલી હતી. માર્કેટીંગ યાર્ડમાં પણ આજે સવારે ખુલ્લા હતા. કોંગ્રેસના કાર્યકરો સવારથી બજારો અને સરકારી કચેરીઓ બંધ કરવા માટે રોડ પર ઉતરી ગયા હતા. સેંકડો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
રાજયમાં આજે બંધ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. અરવલ્લીમાં ચકકાજામ કરવામાં આવ્યો હતો તો ભીલોડા ગામે લોકોએ ટાયર સળગાવી રોષ વ્યકત કર્યો હતો. સુરેન્દ્રનગર ઉપરાંત પાટણમાં પણ ગ્રામ્ય પંથકના ટમાં એસટી સેવા બંધ રાખવામાં આવી હતી.
અમદાવાદમાં સિટી બસ પર લોકોએ બેફામ પથ્થરમારો કર્યો હતો. અમદાવાદમાં કોંગ્રી કાર્યકરો સવારે પેટ્રોલપંપ બંધ કરાવવા નિકળી ગયા હતા. જામનગરમાં પણ શાળા-કોલેજ બંધ રહી હતી. આણંદમાં ટોલનાકે ૨૦૦થી વધુ લોકોનું ટોળુ ઉમટી પડયું હતું અને પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ટાવર સળગાવી રોષ વ્યકત કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં ઉપલેટા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, માંગરોળ, વેરાવળ, ભાવનગર સહિતના શહેરોમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગની બજારો ખુલ્લી રહેવા પામી હતી તો શહેરી વિસ્તારોમાં બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો.
બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા સુરક્ષા વ્યવસ્થા માટે ઉતારી દેવાયા હતા. રાજકોટના જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ગઈકાલે એવી જાહેરાત કરી હતી કે, શહેરમાં તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે અને જરૂર પડયે પોલીસ બંદોબસ્ત પણ પુરો પાડવામાં આવશે આજે શહેરમાં મોટાભાગની સરકારી કચેરી ખુલ્લી રહેવા પામી હતી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.