અનેક એસોસિએશનો બંધમાં જોડાયા, બજારોમાં ક્યાંક ધંધા રોજગાર ચાલુ તો ક્યાંય બંધ
મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસના ગુજરાત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અનેક એસોસિએશનો બંધમાં જોડાયા છે. બીજી તરફ બજારોમાં ક્યાંક ધંધા રોજગાર ચાલુ તો ક્યાંય બંધ જોવા મળ્યા હતા. મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. તેમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે. જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિએશનને મળી વિનંતી કરી હતી. અનેક એસોસિએશન તેના પગલે બંધમાં જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે બજારમાં નીકળ્યા હતા અને લોકોને બંધમાં જોડાવાની વિનંતી કરી રહ્યા હતા. તો ક્યાંક બળજબરીથી બંધ કરાવવાની ફરજ પડાતી હોવાના આક્ષેપ સાથે કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ હતી.
રાજકોટ શહેર અને જિલ્લામાં શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ: જિલ્લા વહીવટી તંત્ર
રાજકોટ સહિત રાજ્યમાં આજે રાજકીય પક્ષો દ્વારા અડધા દિવસના બંધની જાહેરાત કરવામાં આવેલી છે. આ દરમિયાન શાળા તેમજ કોલેજો બંધ રહેશે તેવી અફવાઓ પણ ઊડી છે. જે અંગે સ્પષ્ટતા કરતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે કે, સ્કૂલ, કોલેજ બંધની વાતો તેમજ સોશ્યલ મીડિયામાં ફરતા મેસેજ ગેરમાર્ગે દોરતા છે. તંત્ર દ્વારા બંધ અંગે કોઈ આદેશ કરેલો નથી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે કે, હડતાળને પગલે સ્કૂલ, કોલેજો બંધ રાખવાનો કોઈ આદેશ થયેલો નથી. રાજકોટ શહેર તેમજ જિલ્લાની શાળાઓ તેમજ કોલેજો રાબેતા મુજબ ચાલુ છે. આ અંગે કોઈ સરકારી આદેશ થયા નથી.
- ગુસ્તાખી… માફ!!!
- રાહુલ ગાંધીએ 41 હજારનું ટી શર્ટ પહેર્યું: મોંઘવારી કોને નડે છે?
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા’ દરમિયાન જે ટી-શર્ટ પહેરી હતી તેની કિંમત 41,000 રૂપિયાથી વધુ હતી. ત્યારે સો મણનો સવાલ એ થાય છે કે મોંઘવારી કોને નડે છે ? માત્ર પ્રજાને જ ? અત્યારનું રાજકારણ સેવાના નામે મેવા ખાઈ રહ્યું છે. પહેલાના જે નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી આ બધાની સાદગીનો એક મોટો પ્રભાવ હતો. જે અત્યારના નેતાઓમાં નથી. તેની પાછળનું કારણ નેતાઓ હંમેશા ભપકાઓમાં જ રહે છે. અત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી તમામ પક્ષના નેતાઓમાં સાદગી સહેજ માત્ર નથી. જેના પરથી એવું લાગે છે કે મોંઘવારી સહિતના જે પ્રશ્નો છે તે માત્ર પ્રજાને જ નડે છે.