રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવા કોંગ્રેસ હાઈકમાન્ડનો આદેશ: કરણાભાઈ માલધારી જેડીયુના ઉમેદવાર: રાજકોટ પૂર્વ પર ભાજપની રાહ બની આસાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબકકાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા ૨૨ વર્ષથી સતાવિહોણી કોંગ્રેસ આ વખતે રાજયમાં સતા સુખના સપના નિહાળી રહી છે. જોકે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસનું ઘર ભડ ભડ સળગી રહ્યું છે. રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનો સાથ આપવા બદલ કોંગ્રેસે જેડીયુ સાથે ગુજરાત ચૂંટણીમાં ગઠબંધન કર્યું છે. આ ગઠબંધનમાં મિતુલ દોંગાનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પાછું ખેંચી લેવા હાઈકમાન્ડે આદેશ આપી દીધા છે. આ બેઠક પર હવે જેડીયુના ઉમેદવાર તરીકે કરણાભાઈ માલધારી ચૂંટણી લડશે.
વર્ષ ૨૦૧૨માં નવા સિમાંકન પ્રમાણે પ્રથમવાર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ૪ બેઠકો પૈકી એક માત્ર રાજકોટ પૂર્વ બેઠક હાંસલ કરવામાં કોંગ્રેસને સફળતા મળી હતી દરમિયાન અહીંની સીટીંગ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ પણ બેઠક બદલાવી રાજકોટ પશ્ર્ચિમમાંથી ચૂંટણી લડી રહ્યા છે. રાજકોટ પૂર્વ બેઠક માટે ગત રવિવારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે મહેશ રાજપુતના નામની જાહેરાત કર્યા બાદ સોમવારે ઉમેદવાર બદલ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ બેઠક પરથી હારનું મોઢુ જોનાર મિતુલ દોંગાને રાજકોટ પૂર્વની ટિકિટ આપવામાં આવી હતી.
દરમિયાન જેડીયુ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં જેડીયુએ રાજકોટની એક બેઠકની માંગણી કરતા કોંગ્રેસ ઘુંટણીયે પડી ગયું છે અને રાજકોટ પૂર્વની બેઠક જેડીયુને ફાળવવાનું નકકી કરી દીધું છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે મિતુલ દોંગાને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવા પ્રદેશમાંથી આદેશ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય મિતુલ દોંગા હવે ગમે ત્યારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેશે જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં મિતુલ દોંગાએ ફોર્મ પાછું ન ખેંચ્યું હોવાનું રાજકોટ પૂર્વના રીટર્નીંગ ઓફિસરે જણાવ્યું હતું. રાજકોટ પૂર્વ બેઠક પર જેડીયુના ઉમેદવાર તરીકે કરણાભાઈ માલધારી મેદાનમાં છે.
રાજકોટની ૪ પૈકી બે બેઠકો પર ભાજપે પાટીદાર સમાજને ટિકિટની ફાળવણી કરતા કોંગ્રેસે પણ આ જ ફોર્મ્યુલા અપનાવી હતી. જોકે ઉમેદવારી ફોર્મ ખેંચવાના આગલા દિવસે રાજકોટ પૂર્વની બેઠક કોંગ્રેસે જેડીયુને ચરણે ધરી દેતા હવે રાજકોટ પૂર્વ માટે ભાજપની રાહ ખૂબ જ આસાન બની જવા પામી છે. મિતુલ દોંગા અને કરણાભાઈ માલધારી બંનેના ફોન સતત નો રીપ્લાય આવતા હોવાના કારણે સાચી હકિકત શું છે ? તે જાણી શકાયું નથી પરંતુ શહેર કોંગ્રેસના અનેક આગેવાનોએ આ વાતને સર્મથન આપ્યું છે. મિતુલ દોંગા આવતીકાલ સુધીમાં ગમે ત્યારે ફોર્મ પાછું ખેચી લેશે.