વૃધ્ધ દંપત્તી પર છ જેટલા લૂંટારાઓએ ધોકા-પાઇપથી હુમલો કરી લૂંટ ચલાવી: લૂંટારાનું પગે મેળવવા પોલીસે કરાવી નાકાબંધ
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા ખાતેના આનંદ જ્યોત આશ્રમમાં ગઇરાતે છ જેટલા લૂંટારાઓએ વૃધ્ધ દંપત્તી પર ધોકા અને પાઇપથી હુમલો કરી રૂ.૨.૧૦ લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટારાઓને ઝડપી લેવા હાઇવે પર નાકાબંધી કરી હતી પણ લૂંટારાના સગડ મળ્યા ન હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિત મુજબ મિતાણા ખાતે આવેલા દિવ્ય શક્તિધામ મંદિર પાછળ આવેલા આનંદ જયોત આશ્રમમાં રાતના દસેક વાગે અજાણ્યા શખ્સોએ દરવાજો ખટખટાવતા કુવરબેન નામની ૭૦ વર્ષની પટેલ વૃધ્ધાએ દરવાજો ખોલતા અજાણ્યા શખ્સોએ તેણી પર પાઇપ અને ધોકાથી હુમલો કર્યો હતો.
કુવરબેન પટેલ પર હુમલો થતા તેને બચાવવા તેનો પતિ દેવજી કલાભાઇ પટેલ વચ્ચે પડતા તેઓ પર પણ હુમલો કરી કુવરબેને હાથમાં પહેરેલી સોનાની ચાર બંગડી અને સોનાનો ચેન ઝુંટવી લીધા બાદ કબાટમાંથી રૂ.૮૫ હજાર રોકડા મળી રૂ.૨.૧૦ લાખની લૂંટ ચલાવી લૂંટારા અંધારામાં અદ્રશ્ય થઇ ગયા હતા.
ઘવાયેલા કુવરબેન અને તેમના પતિ દેવજીભાઇ પટેલે ગોકીરો કરતા આજુબાજુના રહીશો આશ્રમ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. એમ.ડી.ચૌધરી અને રાઇટર ગંભીરસિંહ સહિતના સ્ટાફે હાઇવે પર નાકાબંધી કરાવી હતી.પોલીસે કુવરબેનની ફરિયાદ પરથી છ જેટલા અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. લૂંટારા આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના હોવાનું વર્ણન આપતા પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે.