ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીએ વિશ્વભર પર રાજ કર્યું છે. સમગ્ર વિશ્વની આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમના બેટ્સમેનોમાં મિતાલીએ સૌથી વધુ રન કરવાનો ખિતાબ તો જીત્યો જ છે સાથોસાથ સૌથી વધુ જીત અપાવવાનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.
સ્ટ્રાઈક રેટ નહીં ટીમની જીત મહત્વપૂર્ણ છે: મિતાલીરાજ
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમની જો સરખામણી કરવામાં આવે તો ચોક્કસ પુરુષ ટીમ સૌથી શ્રેષ્ઠ ટીમો પૈકીની એક છે પણ કેપ્ટન કોહલીને એક તૈયાર ટીમ મળી છે જેના કારણે ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહે છે જ્યારે મિતાલીને એક તૈયાર થઈ રહેલી ટીમ મળી છે. મિતાલીની સરખામણી સચિન તેંડુલકર સાથે કરી શકાય છે. જ્યારે તેંડુલકર ટીમમાં ઓપનર તરીકે આવતો અને ટીમને એક મોટો સ્કોર આપવાની જવાબદારી તેના શિરે રહેતી તેવી જ મિતાલી પર પણ આવી જ કંઈક જવાબદારી છે. મિતાલી જાણે છે કે, તેની પાછળ કોઈ એવી બેટ્સમેન નથી જે મોટો સ્કોર ખડકી શકે. જેથી તે ક્રિઝ પર ઉભા રહેવાને પ્રધાન્યતા આપે છે. જેના કારણે મિતાલીની ઘણીવાર આલોચના પણ થતી હોય છે.
ટીમને એક મજબૂત પકડ આપવા માટે મિતાલી છગ્ગા-ચોગ્ગાથી વધુ મહત્વ નોટ આઉટ રહેવાને આપે છે જેના કારણે તેનો સ્ટ્રાઈક રેટ નીચો રહેતો હોય છે જે બાબતે મિતાલીની આલોચના થતી હોય છે જેનો જવાબ મિતાલીએ આપ્યો હતો કે, સ્ટ્રાઈક રેટ જીતથી વધુ મહત્વપૂર્ણ નથી.
ભારતીય મહિલા વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજે એક દિવસમાં ૨ રેકોર્ડ બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચ પછી મિતાલીએ બેટ્સમેન તરીકે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સાથે જ કેપ્ટન તરીકે મિતાલીએ વિશ્વમાં સૌથી વધુ મેચ જીતી છે.
મિતાલીએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ૭૫ રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. મિતાલીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની ૩૧૭ મેચમાં કુલ ૧૦૩૩૭ રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન એડવર્ડ્સનો ૩૦૯ મેચમાં ૧૦,૨૭૩ રનનો રેકોર્ડ તોડ્યો હતો. ત્રીજી વનડે પહેલા મિતાલી ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટનથી ૧૧ રન પાછળ હતી. તેણે ઈંગ્લિશ બોલર નેટ શીવરની ઓવરમાં ફોર મારીને આ સિદ્ધિ મેળવી હતી. હવે પુરુષ અને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બંને ટોપ રન સ્કોરર ખેલાડીઓ ઈન્ડિયન છે. પુરુષ ક્રિકેટમાં સચિન તેંડુલકર ૩૪,૩૫૭ રનથી નંબર-૧ છે.
ત્રીજી વનડેમાં મિતાલીની ઈનિંગના કારણે ભારતે ૪ વિકેટથી મેચ જીતી હતી. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં ૨૧૯ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે ૪૬.૩ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૨૨૦ રન બનાવીને મેચ જીતી લીધો હતો. મિતાલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમની આ ૮૪મી જીત હતી. તેણે ઓસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્કનો ૮૩ જીતનો રેકોર્ડ તોડ્યો હતો.મિતાલી રાજે ટેસ્ટ ક્રિકેટની ૧૧ મેચમાં ૪૪.૬૦ની એવરેજથી ૬૬૯ રન બનાવ્યા છે. ટેસ્ટમાં તે ભારતીય મહિલા બેટ્સમેનની યાદીમાં ચોથા નંબર પર છે.