અમેરિકન ઘરોમાં બાળકો કરતાં પાલતુ જીવોની વસતી વધારે છે. ભારતમાં પણ મૂંગા જીવોને પાળનારા કુટુંબોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. અહીં એક બીજો પ્રશ્ન થાય કે લોકો શા માટે જાનવરો પાળે છે?
આપણાં દેશમાં પશુ-પક્ષી-પ્રાણીને દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. અલગ-અલગ ભગવાનનાં અલગ-અલગ વાહન! ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ અને આવાં તો કંઈ-કેટલાય સ્વરૂપોનાં વાહનનું લીસ્ટ હજુ ઘણું લાંબુ છે. પરંતુ સવાલ એ છે કે સ્વયં દેવતાઓનાં વાહન ગણાતાં આવા મૂંગા જાનવરોની અત્યારે દશા શું છે? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે આવી હાલત પાછળ જવાબદાર કોણ છે?
વિશ્વકર્મા દ્વારા જ્યારે દુનિયાનું નિર્માણ થતું હતું, ત્યારે દેવી-દેવતાઓએ જાનવરો અને મનુષ્યોને બોલાવ્યા. સૌ પ્રથમ જાનવરોને તેમની ખોરાકની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું. તેઓ જાતે જ અન્નનું ઉત્પાદન કરવા ઈચ્છે છે કે કેમ તે અંગેની પૃચ્છા કરવામાં આવી તો બિચારા ભોળાં પશુઓએ શું જવાબ આપ્યો ખબર છે? તેમણે દેવતાઓને કહ્યું કે અમારે ભોજન ઉપર કોઈ જ હક નથી જોઈતો. એ તમામ મનુષ્યજાતિને આપી દો. એમની સંખ્યા વધારે છે. તેઓ બુદ્ધિશાળી ઉપરાંત દયાળુ(!) પણ છે આથી કોઈ દિવસ અમને ભોજનની કમી નહી આવવા દે. કોઈ દિવસ અમને ભૂખ્યા નહી સુવાડે. આથી અન્નનું વિતરણ મનુષ્યોનાં ભાગે જ કરવામાં આવે એવી અમારી ઈચ્છા છે.
અને આપણે શું કર્યુ? ખવડાવવા-પીવડાવવાની વાત તો દૂર રહી પણ ઉનાળામાં પક્ષીઓને પાણી પીવડાવવાની અરજી કરતાં મેસેજને માત્ર ફોરવર્ડ કરીને સંતોષ માની લીધો! સિંહ-વાઘને સર્કસનાં પિંજરામાં કેદ કરીને તેમની પાસે ખેલ કરાવવાનું ચાલુ કરી દીધું. મોજ ખાતર હાથી પર બેસીને ફોટો ખેંચાવતા પહેલા એકવાર તેમનાં પગ અને પીઠ પરના ઘા જોઇ લેજો સાહેબ! દરદની તીસ ન ઉઠે તો તમે માણસ નથી એ સમજી લેજો.
ભારતમાં કૂતરાઓને વધુ મોજ છે. ક્યુટ ફેસ ધરાવતાં નાના-નાના ગલુડીયાને દત્તક લેવા કે પછી તાજા જન્મેલા ખરીદવા એ અહીં ફેશન છે, ટ્રેન્ડ છે! મોરારીબાપુ ઘણીવાર એમની કથામાં કહે છે, આપણે હંમેશા કૂતરાંને પંપાળીએ છીએ, ખોળામાં બેસાડીને વ્હાલ કરીએ છીએ, તેમને બકીઓ ભરીએ છીએ પણ કોઈ દિવસ એવી ઈચ્છા ન થઇ કે એકવાર ગાયનાં સાવ નાનકડાં વાછરડાંની પીઠ પર પ્રેમથી હાથ ફેરવીએ? એ પણ પ્રેમનાં જ ભૂખ્યાં છે, લાગણી ઝંખે છે. માત્ર પૂંછડી પટપટાવતાં કૂતરાંની પાછળ ઘેલાં થયાં વગર એકવાર સવાર-સાંજ દૂધ આપતી ગાયનાં નાનકડાં બચ્ચાને પણ પ્રેમથી પુચકારી લેવી જોઈએ.
આવડી મોટી પ્રસ્તાવના પાછળનો હેતુ એવો નથી કે કૂતરાઓને પાળવા-પોષવા ન જોઈએ કે પછી તેમને દતક ન લેવા જોઈએ. પ્રાણી આખિર પ્રાણી છે. એ પછી કૂતરા હોય કે સસલું કે પછી પોપટ! કહેવાનો મતલબ એટલો જ છે કે અન્ય જાનવરોની તુલનામાં કૂતરાને વધુ એટેન્શન મળે છે. એમની જિંદગી સુધારવાવાળા ઘણાં લોકો આસાનીથી ઉપલબ્ધ છે. પણ બાકીનાં મૂંગા જીવોનું શું? શું એમનો વાંક માત્ર એટલો જ છે કે તે પૂંછડી પટપટાવીને કાલું-ઘેલું બોલી નથી શક્તાં? અમેરિકન ઘરોમાં બાળકો કરતાં પાલતુ જીવોની વસ્તી વધારે છે. ભારતમાં પણ મૂંગા જીવોને પાળનારા કુટુંબોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે.
અહીં એક બીજો પ્રશ્ન થાય કે લોકો શા માટે જાનવરો પાળે છે? તો અને પહેલો જવાબ એ છે કે સ્ટેટસનાં લીધે! માન-મોભો-મરતબો જાળવી રાખવા અને તેને પોષતાં રહેવું. સાથોસાથ શેખી મારવી એ આપણા લોહીમાં છે. આથી પાલતું પ્રાણી આવા પ્રકારનાં સામાજીક સ્ટેટસમાં વધારો કરવાનું કામ કરે છે. લોકોને એવું લાગે છે કે ઉંચી જાતનાં કૂતરા પાળવાથી કે પછી તેમને લઈને વોક પર નીકળવાથી તેમની ગણના હાઈ-પ્રોફાઈલ સોસાયટીમાં થવા લાગશે! આ સિવાયનાં બીજા જેન્યુઅન કારણો પણ ઘણાં છે.
કૂતરાં કે પછી અન્ય કોઈ પણ પશુ માણસ જાતને હંમેશા વફાદાર રહીને કંપની આપે છે. દેખાવે સુંદર અને સમજવા ગમે તેવાં પ્રાણીઓનો સાથ હોવાને લીધે કયારેય એક્લતાનો અનુભવ નથી થતો. વૈજ્ઞાનિકો દ્વારા થયેલ એક રિસર્ચ પ્રમાણે, જે લોકો પાસે આવા પેટ (પાલતુ પ્રાણી) હોય છે તેમને અન્યોની સરખામણીમાં ડિપ્રેશન, બ્લડ પ્રેશર, હૃદયની બિમારીઓ ઓછી થાય છે. ગલૂડિયું કે બિલાડીનું બચ્ચું એકસરસાઈઝ માટેનું નિમિત બની શકે છે. તેઓ બિનશરતી અને વફાદાર પ્રેમ આપવામાં મોખરે હોય છે. લાંબુ અને તનાવમુક્ત જીવન જીવવા માટે આવાં પ્રાણીઓનો સહારો લેવામાં કંઈ ખોટું પણ નથી.
અહીં પણ ખાટલે મોટી ખોટ એ છે કે પાળેલાં પ્રાણીઓને આપણે હોંશે-હોંશે લઈ તો આવીએ છીએ પણ સમય જતાં તેમને સાચવવાનાં ઉત્સાહમાં ક્રમશ : ઘટાડો થતો જાય છે. ગલૂડિયાનું જ ઉદાહરણ લઈએ તો, નાના હોય ત્યારે ઘણાં વ્હાલાં લાગે છે. આઠ-નવ વર્ષનાં સમય બાદ ધીરે-ધીરે તેઓ જ્યારે પોતાનાં વૃદ્ધત્વ તરફ આગળ વધે છે ત્યારે તેનામાં આપણો ઈન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે. છેલ્લે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે છે કે કૂતરાં બિચારા મરવાનાં વાંકે જીવતા હોય છે. જો કે, હવે તો એવી-એવી પેટ ઈન્ડસ્ટ્રીઝ ખૂલી ગઈ છે જે પાલતુ પ્રાણીઓનાં વેચાણની સાથે-સાથે તેમને ભોજન, પિંજરા અને રમકડાં પૂરા પાડવાનું કામ પણ કરે છે. પેટ ડોકટર્સ અને એમની હોસ્પિટલ પણ હવે તો નવી વાત નથી. આથી કૂતરાઓને તરછોડી દેવાનું પ્રમાણ ધીરે-ધીરે ઓછું થતું જાય છે.
Dogs Purpose નામની એક હોલિવૂડ ફિલ્મ આવી હતી. જેમાં કૂતરાનાં પુનર્જન્મની વાત કરવામાં છે. એક સામાન્ય પ્રાણીનાં જીવનનો પણ કોઈક ચોકકસ ઉદેશ્ય હોઈ શકે, એવાં અદભૂત વિષયવસ્તુ ધરાવતી ફિલ્મમાં ઈથન નામનાં બાળક અને બેઈલી નામનાં ગલૂડિયાની વાત કરવામાં આવી છે. નાનપણથી ઈથનની સાથે રહેલાં બેઈલીનું ઉમર વધતાં મૃત્યુ થાય છે અને ચાલીસ વર્ષોનાં અંતરાલ સુધી અલગ-અલગ જન્મે, વિવિધ હેતુઓ સિદ્ધ કરીને બેઈલી આખરે ફરી ઈથનને મળે છે અને એ પણ ઈથનની વૃદ્ધાવસ્થામાં! છેલ્લે એક સુંદર સંદેશ સાથે ફિલ્મ પુરી થાય છે અને એ છે બી હીયર નાઉ એટલે કે વર્તમાનમાં જીવી જાણવું!
આમ જોવા જઈએ તો એક ગલૂડિયું માણસને પ્રેમ આપવામાં કોઈ કસર નથી છોડતું. જે લોકો પાસે પાલતુ કૂતરો હશે તેમણે નોંધ્યું હશે કે જ્યારે તમે તેને ખીજાશો કે તેનાં પર ગુસ્સો કરશો ત્યારે એ ગિલ્ટ અનુભવે છે. તેની આંખોમાં અપરાધપણાની લાગણી ચમકશે અને તે સતત ક્ષમાપ્રાર્થી હોય એવું અનુભવવા લાગશે. જે પ્રેમ માણસને માણસ નથી આપી શકતી એ કદાચ આવા મૂંગા પ્રાણીઓ આપી જાય છે.
ભારતમાં દરેક જાતનાં કૂતરાંની જાતિ વેચાતી મળે છે. મુખ્યત્વે રોટ્ટવેઈલર, ડેચશંડ, સેન્ટ બર્નાડ, પોમેરેનિયન, ડોબરમેન, પગ્સ, જર્મન શેફર્ડ, ગોલ્ડન રીટ્રાઈવર, લેબ્રાડોર રીટ્રાઈવર અને ઈન્ડીયન પેટીયાહ વધુ જોવા મળે છે. દસથી પંદર હજાર વર્ષો પહેલાંના માણસ અને વરૂ વચ્ચેની દોસ્તીનાં ચિહ્નો મળી છે આવ્યાં છે. આથી અત્યારનાં દરેક જાતિનાં કૂતરાને આવાં ભૂખરાં રંગનાં વરૂનાં વંશજ ગણવામાં આવે છે. સમય જતાં કૂતરાનાં વંશમાં વૈજ્ઞાનિક ફેરફારો કરીને નવીન પ્રકારની જાતિઓ વિકસાવવામાં આવી. કદ, લંબાઈ, રંગ, ચહેરો અને વર્તણૂંકનાં આધારે હાલમાં આપણી પાસે અનેક પ્રકારની કૂતરાની જાત ઉપલબ્ધ છે.
નેવુનાં દશકમાં જન્મેલાં દરેક વ્યક્તિએ સ્કૂબી ડૂ નામનું કાર્ટુન જોયું જ હશે અને કદાચ ત્યારથી જ નાના-નાના ગલૂડિયાં પ્રત્યે આપણું આકર્ષક સ્વાભાવિક થયું હોવું જોઈએ. 70% જેટલી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે બોલિવૂડ ઓછામાં ઓછુ એક પાલતુ પ્રાણી ધરાવે છે. દર વર્ષે લગભગ 6 લાખ જેટલાં મુંગા જીવને દત્તક લેવામાં આવે છે. ભારત આ માટે સૌથી ઝડપથી વિકસતું માર્કેટ બની રહ્યું છે. ઈન્ડિયન પેટ ઈન્ડસ્ટ્રી વર્ષે 800 મિલિયનથી પણ વધુ કમાવી આપે છે. આવનારા વર્ષોમાં આ આંકડો ડબલ થવાની સંભાવના સેવાઈ રહી છે! કૂતરા અને બિલાડીનાં ખોરાકનું માર્કેટ લગભગ 102.89 મિલિયનનું છે.
પાલતુ જીવોને ઘેર લઈ આવવા માટે દંપતીનું નિ:સંતાનપણું અને વંધ્યત્વ પણ અગત્યનું પરિબળ છે. પોતાનાં જ સંતાનની જેમ તેઓ ગલૂડિયા કે અન્ય કોઈ પણ જીવને સાચવે છે, ખવડાવે છે, વ્હાલ કરે છે, તેની સાથે રમે છે. કૂતરાની વર્તણુંકમાં જરાક અમથો પણ ફેરફાર આવે તો તેઓ તેને થેરાપિસ્ટ પાસે લઈ જાય છે. મુંબઈ બેઝ્ડ થેરાપિસ્ટ શિરિન મર્ચન્ટ પાસે મહિનાના 100 જેટલાં કૂતરાને લઈને લોકો થેરાપી-સેશન માટે આવે છે. સેશન દીઠ શિરિન મર્ચન્ટ એક હજાર રૂપિયાનો ચાર્જ વસુલે છે. કુતરાઓ માટેનાં સ્પેશ્યલ યોગાને હવે ડોગા કહે છે, જે ધીરે-ધીરે એક ફેશન બની રહી છે.
વિદેશી કૂતરાની જાતને અહીં મોંઘા ભાવે ખરીદવામાં આવે છે. હસ્કી નામની એક જાતિ અહીં ચાલીસથી પચાસ હજારમાં વેચાય છે. સેન્ટ બર્નાર્ડ અને લેબ્રાડોર જેવી કૂતરાની જાતને અનુક્રમે રૂપિયા 25,000 અને 11,000માં ખરીદવામાં આવે છે. પરંતુ આવી ખરીદારી માત્ર દંભને ખાતર સોસાયટીને દેખાડવા માટે જ કરવામાં આવે છે. જાણકારોને ખબર જ છે કે સેન્ટ બર્નાર્ડ અને હસ્કી જેવી જાતિઓ ગરમીમાં રહેવા ટેવાયેલ નથી. આથી મુંબઈ અને દિલ્હીની ત્વચા બાળી નાખતી ગરમીમાં આ જાતિનાં કૂતરા તરફડીને મરી જાય છે.
ભારતનું વાતાવરણ તેમને બિલકુલ માફક નથી આવતું. આથી જ આવા મૂંગા જીવોને બચાવવા માટે અને તેમનાં પર થતા અત્યાચાર અટકાવવા મુંબઈમાં 2000ની સાલમાં પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ (PETA) નામની એક સંસ્થા ખોલવામાં આવી. જે હાલમાં ઘણાં જ સારા સ્તર પર કામ કરી છે. ઘણા એવા કલાકારો છે જેમણે આ સંસ્થા સાથે જોડાઈને મૂંગા જાનવરો પર થતાં બેરહેમ અત્યાચાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
માણસજાત તરીકે જન્મીને આપણે માણસાઈ દેખાડવાનું કદાચ ભુલી ગયાં છીએ અને સામે પક્ષે, પ્રાણીઓ તરીકે જન્મીને પણ તેઓ આપણાં પ્રત્યે માનવતા દાખવવાનું નથી ચૂક્યા. મૂંગા પ્રાણીઓને મારીને તેમની પાસેથી સતત કામ કઢાવવામાં આવે છે, સર્કસમાં નાચવા-કૂદવા માટે મજબૂર કરાવાય છે, ઝૂમાં કાંકરીચાળો કરાય છે અને છેલ્લે એમને મારીને ભોજન બનાવાય છે! અરે પ્રાણી તો બિચારું મૂંગુ છે, અબૂધ છે, ભોળું છે… પણ આપણે તો સમજદાર છીએ, આપણને તો સારા-નરસાનું ભાન છે. આપણે માણસ થઈને હજુ પણ જંગલી પ્રાણી જેવો વર્તાવ કરવો છે કે પછી હૃદયપૂર્વક માણસાઈ નિભાવવી છે…!?