બંને બંધુ પોતાની દુકાન પાસે હતા ત્યારે પ્રમુખના પુત્ર સહિત બે શખ્સો પાઈપ વડે તુટી પડયા
વિસાવદરમાં આવેલા ડાયમંડ ચોકમાં ફરસાણની દુકાન ધરાવતા બે ભાઈ ગઈકાલે બજારમાં ઉભા હતા ત્યારે જ્ઞાતિના પ્રમુખની ચૂંટણી સહિતના મનદુ:ખના કારણે સમાજના પ્રમુખના પુત્ર સહિત બે શખ્સોએ પાઈપ વડે તુટી પડયા હતા અને બંને ભાઈને ગંભીર ઈજા કરી નાસી ગયા હતા. બંને ભાઈઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરના ડાયમંડ ચોક વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા હેમલ ગિરીશ અભાણી તથા લોહાણા સમાજના પ્રમુખના પુત્ર તેજસ શાંતીલાલ ગણાત્રા વચ્ચે જ્ઞાતિના પ્રમુખની ચૂંટણી તેમજ ન.પા.ની ચૂંટણી બાબતે મનદુ:ખ ચાલતુ હતુ. ગઈકાલે સાંજે હેમલ અભાણી તથા તેનો ભાઈ કેયુર અભાણી દુકાનથી થોડે દૂર ઉભા હતા ત્યારે તેજસ ગણાત્રા તથા બાબા પઠાણનો પુત્ર ભુરાએ બાઈક પર આવી લોખંડના પાઈપ વડે ખૂની હુમલો કર્યો હતો. જેમાં બંને ભાઈને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા ભરબજારે હુમલો કરી તેજસ ગણાત્રા તથા ભૂરો નાસી ગયા હતા.
આ અંગે હેમલ અભાણીએ ફરિયાદ કરતા વિસાવદર પોલીસે તેજસ શાંતીલાલ ગણાત્રા તથા ભૂરા વિધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.