મુખ્યમંત્રીના સચિવ તથા માહિતી અને પ્રસારણ સચિવ અશ્વીનીકુમારે પ્રાથમિક શાળાના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા
સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૬-૭-૮માં અભ્યાસ કરતાં નબળા બાળકોમાં ગુણાત્મક સુધારો કરવા માટે મિશન વિદ્યા કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. નબળા વિદ્યાર્થીઓને અલગ તારવીને સરકારી પ્રાથમિક શાળાના આવા બાળકો માટે વધારાના વર્ગો ચલાવીને શિક્ષકોને સર્જનાત્મક રીતે તત્પરતા દાખવીને બાળકોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીશ્રીના સચિવ તથા માહિતી અને પ્રસારણ સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુમાર શાળા નંબર-ર તથા કન્યા શાળા નંબર-૫ તથા કલોલની શાળા નંબર-૬ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ સચિવ અશ્વિનીકુમારે ધોરણ- ૬-૭-૮ સુધીના બાળકોને વાંચન-લેખન અને ગણન સહિત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યું હતું.
૭૫૦ થી વધુ બાળકો ધરાવતી આ ત્રણ સરકારી શાળામાં નબળા વિદ્યાર્થીઓને અલગ તારવીને શિક્ષકો વધુ ધ્યાન આપશે તોજ રાજ્ય સરકારનો મિશન વિદ્યા કાર્યક્રમ સફળ થશે. નબળા વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ નવી ટેકનીકથી જ્ઞાન આપી વધુ સારૂ આઉટપુટ મેળવવા તથા નૂતન અભિગમથી શિક્ષણ કાર્ય કરવા વિવિધ સૂચનો કર્યા હતા. સચિવઅશ્વિનીકુમારે અલગ તારવેલા નબળા બાળકોને વાંચન અને ગણિત અંગે પૃચ્છા કરી પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે બાળકોની તકલીફ સમજીને તેના ઉકેલની દિશામાં ઝીણવટ ભર્યું આયોજન કરીને મોનીટરીંગ કરી તથા બાળકોના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહી ફળદાયી પરિણામો હાંસલ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી.પંડ્યા, કલોલ પ્રાંત અધિકારી હર્ષ યાદવ, મામલતદાર સુનિલ રાવલ, નાયબ સચિવ પરાગ શુકલ સહિત સી.આર.સી. અને બી.આર.સી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સચિવ અશ્વિનીકુમારે શાળાના આચાર્ય તથા શિક્ષકગણને મિશન વિદ્યા કાર્યક્રમ અંગે વિવિધ સૂચનો કર્યા હતા.