આજથી મહાપાલિકા દ્વારા સતત ૭ દિવસ સુધી શહેરભરમાં સર્વે રાઉન્ડ હાથ ધરાશે
રાજકોટ મહાપાલિકા દ્વારા મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત કોઈપણ કારણોસર રસિકરણથી વંચિત રહી ગયેલી સગર્ભા માતાઓ અને જન્મથી ૨ વર્ષ સુધીના બાળકોનો સર્વે રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે ૭ દિવસથી સુધી ચાલશે. જેમાં રસીકરણથી વંચિત સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.
આ પ્રોગ્રામ જન્મ થી બે વર્ષના વ્હાલસોયા બાળકોને આશીર્વાદરૂપ વેક્સીન પ્રીવેન્ટેબલ ડીસીઝ (રસીકરણ દ્વારા અટકાયતી) આજથી મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત શુભારંભ થનાર છે. આ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સહીત સમગ્ર રાજ્યમાં તા.૦૨ ડીસેમ્બર,૨૦૧૯ થી ૭ દિવસ દરમ્યાન મિશન ઇન્દ્રધનુષ નો પ્રથમ રાઉન્ડ યોજાનાર છે. જે મુખ્યત્વે એવાં વિસ્તારો કે જ્યાં નિયમિત રસીકરણ સેશન કરવામાં આવતું ન હોય અથવા ઓછું કવરેજ ધરવતા હોય, હાઈ રિસ્ક એરિયા, એ.એન.એમ.ની જગ્યા ખાલી હોય તેવા વિસ્તારો, ક્ધસ્ટ્રકશન સાઈટ તેમજ માઈગ્રેટ પોપ્યુલેશન ધરાવતા વિસ્તાર હોય, તેવી જગ્યા પર યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા સગર્ભા તેમજ જન્મથી ૨ વર્ષના બાળકો, જે કોઈપણ રસીકરણથી વંચિત રહી ગયેલ હોય, તેઓને આવરી લેવામાં આવશે.
જે માટે અગાઉથી માથાદીઠ સર્વે કરવામાં આવેલ છે, તેમજ રસીકરણથી વંચિત સગર્ભા માતાઓ તેમજ બાળકોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સાપ્તાહિક કાર્યક્રમમાં કુલ ૯૧ રસીકરણ સેશનનું પ્લાનિંગ કરવામાં આવેલ છે, જેમાં અંદાજીત ૧૨ સગર્ભાઓ તેમજ ૧૩૩૩ બાળકોને આવરી લેવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ તમામ વિસ્તારોમાં સંપૂર્ણ રસીકરણનું સ્તર માર્ચ-૨૦૨૦ સુધીમાં ૯૫% સુધી લઇ જવાનું છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ૨૧ અર્બન હેલ્થ સેન્ટરમાં સગર્ભા માતાઓ તથા બાળકો માટે રસીકરણની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર મહીને આંગણવાડી, આઉટરીચ તથા ટ્રસ્ટ/ખાનગી હોસ્પિટલોમાં પણ કુલ ૧૧૦૯ સેશન પર પણ આ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જેમાં નિયત સમયે માતા તથા બાળકોને વિનામૂલ્યે તમામ રસી પૂરી પાડવામાં આવે છે.