સરકારી કર્મચારીઓની ક્ષમતામાં વૃધ્ધિ અને કામગીરીમાં પરિવર્તન લાવવા અને ભારત સરકારના માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પ્રણાલીગત સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડીંગ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ‘મિશન કર્મયોગી’ શરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ વડાપ્રધાનની આગેવાની હેઠળ નાગરિકોની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધવા માટે નાગરિક સેવાઓને વધારવા માટે હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવ્યો છે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હસ્તે એવોર્ડ સ્વિકારતા ડીએમસી અનિલ ધામેલીયા
‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ યોજવામાં આવેલ. જેમાં કર્મચારી-અધિકારીઓના વહીવટી અને તકનિકી જ્ઞાનને વધારવા તેમજ તેનું અમલીકરણ નાગરિકોની સેવાઓમાં સુધારો લાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
ભારત સરકારના આ મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉત્સાહપૂર્વક આગળ પડતો ભાગ ભજવવામાં આવેલ. જેના ભાગ રૂપે વિવિધ શાખાઓના કુલ 410 અધિકારી-કર્મચારીઓ દ્વારા 358 કોર્સની ઓનલાઈન ટ્રેનિંગ મેળવવામાં આવેલ છે.
પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવેલ છે. આ અન્વયે દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં કેન્દ્રિય મંત્રી (હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) હરદીપસિંહ પૂરીના વરદ હસ્તે મહાપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયાએ કેન્દ્ર સરકારનું આ સર્ટિફિકેટ સ્વીકાર્યુ હતું.