કોઇ પણ શહેરની શાંતિ જાળવવા માફિયાની જરૂર
કડક, બાહોશ, પ્રમાણિકતા અને પોતાનું જ ધાર્યુ કરવાની છાપ ધરાવતા એસપી દિપેન ભદ્રેનનો ભોગ લેશે?
જામનગર પંથકના ઉદ્યોગમાં રાજકારણના પગ પેસારાથી જયેશ પટેલ જેવા માફીયાનો જન્મ થયો?
કોઇ પણ શહેરની શાંતિ ડહોળવા માટે એક જ માફીયાના ગોડ ફાધરની જરૂર હોય છે. તેમ જામનગર પંથકમાં પોલીસના મોરલ તોડવાના ચાલી રહેલા ખેલ પાછળ પણ માફીયાના ગોડ ફાધરની વરવી ભૂમિકા રહી છે. જામનગર પંથકમાં રાજકારણની ઓથ હેઠળ ચાલી રહેલી માફીયાગીરીને નાબુદ કરવાના મીશન સાથે સરકાર દ્વારા કડક, બાહોશ, પ્રમાણિક, અને પોતાનું ધાર્યુ કરવાની છાપ ધરાવતા એસપી દિપેન ભદ્રેનની નિમણુંક આપી ‘મીશન ઇમ્પોશીબલ’ અભિયાન સોપવામાં આવ્યું છે. જામનગર પંથકમાં ચાલી રહેલી માફીયાગીરીના મુળમાં જોઇએ તો મોટી કંપનીઓમાં કોન્ટ્રાકટ મેળવવાની ધંધાકીય હરિફાઇ અને ખનિજ ચોરી કારણભૂત ગણાવામાં આવી રહી છે. ભોપામોઢી ખાતે પકડેલી ખનિજ ચોરીનો રેલો કેટલાય રાજકીય મોટા માથાને આવતા પોલીસનું મોરલ તોડવા રાજકીય નેતાઓ દ્વારા ધમપછાડા થઇ રહ્યા છે. ત્યારે મીશન ઇન પોસીબલ એસપી દિપેન ભદ્રેન કંઇ રીતે પાર પાડે છે. કે પછી માટીપગા રાજકારણી કેમનું પણ મોરલ તોડી નાખશે?
હપ્તા વસુલ, હવાલા સુલટાવવા, ધાક ધમકી દઇ કંપનીમાંથી કોન્ટ્રાકટ મેળવવા, કરોડોની કિંમતની ખનિજ ચોરી કરવી અને પોલીસની દરેક તપાસમાં દબાણ લાવવા માટે સહિતના મુદે જામનગર પંથક ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક સામાન્ય વાહન ઉઠાવગીર દુબઇ બેસીને પોતાનું ધાર્યુ કરાવતો હોવા સહિતની કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે ત્યારે જયેશ પટેલે કોની મદદથી ૪૨ જેટલા ગંભીર ગુના આચર્યા અને તેને કયાં રાજકારણીના આર્શિવાદથી ગેંગસ્ટર બની અત્યારે કોને ભારે પડી રહ્યો છે તે અંગેની હાલાર પંથકમાં ચાલતી ચર્ચાએ ચકચાર જગાડી છે.
જામનગર પંથકમાં ચાલતી ખનિજ ચોરીની દુનિયા પણ એકશન ફિલ્મના વિલન જેવી રીતે ચલાવતો હોય તે રીતે ચાલી રહી છે.
ખનિજ માફિયાઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું હોવાથી આવા હિન્દી ફિલ્મના વિલન જેવા ખનિજ માફીયાના ઇરાશે રાજકારણીઓને રીતસર નાચવું પડતું હોય છે. જેના કારણે જ ખનિજ માફીયાઓનું આયુષ્ય લાંબુ થતું હોય છે.
જામનગર પંથક માતાજીના નામ સાથે ચાલતા સ્ટોન કશરને ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે તેને લીઝ રીન્યુ થવા દીધી ન હતી અને ખનિજ માફિયા મોટા ગજાનો બને તે પહેલાં જ ડામી દીધો હતો. ખનિજ માફીયાના હાઇકોર્ટ સુધીના ધમપછાડા બાદ પણ લીઝ રિન્યુ થઇ ન હતી. આજ સ્ટોન કશરના માલિક ધારાસભ્યની ખરીદ (હોર્સ ટ્રેડીંગ) માટે આગળ આવ્યા હતા. પરંતુ તેમની ખનિજ ચોરી કરવાની મનમાની ચાલી ન હતી.
ખનિજ ચોરી કરીને જ આર્થિક રીતે સધ્ધર બનેલા શખ્સો રાજકારણીઓ પાસે પોતાની મનમાની કરાવી પોલીસ અને ખાણ ખનિજ વિભાગને ભારે પડતા હોવાથી તંત્ર દ્વારા લાચારીની સ્થીતી સર્જાતી હોય છે. ત્યારે પ્રેસ, પોલીસ અને પોલીટીક વચ્ચે થતા ઘર્ષણ સાથે વિવાદના વમળ સર્જાય ત્યારે પ્રજાની શાંતિ ડહોળવામાં આવે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે એક માફીયાના ગોડ ફાધર હોય તે શહેરમાં શાંતિ સ્થાપવી કડક પોલીસ અધિકારી માટે પણ કઠીન કામગીરી સમાન છે.
જયેશ પટેલ હપ્તા વસુલી, હવાલા સુલટાવવા અને કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને ધમકાવી કોન્ટ્રાકટ મેળવવા બનાવેલી ગેંગ યશપાલ જાડેજા, જશપાલ જાડેજા, રજાક સોપારી, અનિયો લાંબો, હુસેન સોપારી, સંજય ડોબરીયા, વિમલ નારીયા, રમેશ અને મુકેશ પટેલ તેમજ ધ્રુવિત ભંડેરી જેવા લુખ્ખાઓ પણ પોલીસ માટે ભારે પડતા હોય છે ત્યારે આવી લુખ્ખાગીરી કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવવા મેદાને ઉતારવામાં આવેલા કડક એસપી દિપેન ભદ્રેનનો ભોગ લેવાશે કે તેઓ જામનગર પંથકમાં ફરી શાંતિ સ્પાથવામાં સફળ થશે તે આગામી દિવસોમાં જોવા મળશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ રેન્જની ‘હદ’ વટાવવામાં કોને રસ?
આઇજી સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ ત્રણ માસ પહેલાં પકડાયેલી ખનિજ ચોરીથી ખનિજ માફીયાઓમાં હડકંપ મચી ગયો’તો
ખનિજ માફીયા સામે આઇજી સંદિપસિંહ દ્વારા કરાયેલી કડક કાર્યવાહીને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બિરદાવી’તી
જામનગર પંથકના દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ભોપામઢી ખાતે ચાલતી ખનિજ ચોરી અંગે રાજકોટ રેન્જ આઇજીના સીધા માર્ગદર્શન હેઠળ કરોડોની ખનીજચોરીને પકડવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. સંદિપસિંહની આગવી કુશળતાથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં ત્યાંના એસ.પી.ને પણ મહદઅંશે દુર રાખવામાં આવ્યા હતા અને સીધી તપાસ ડીવાયએસપી એ.પી.જાડેજાને સોંપી ખનીજમાફીયાઓ ઉપર ગાળ્યો કસવામાં આવ્યો હતો. એ.પી.જાડેજા જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ હોય ઉપરાંત તેઓ કડક અધિકારી તરીકે ખુબ જાણીતા હોય અને કોઈની શેહ શરમમાં આવ્યા વગર કરેલી કામગીરીના કારણે જ રેન્જ આઈ.જી.એ. આ ઓપરેશન માટે તેમને પસંદ કર્યા હતા. આઈ.જી. સંદિપસિંહ દ્વારા થયેલા આ મેગા ઓપરેશનથી ખનીજમાફીયાઓમાં હડકંપ મચી ગયો હતો અને આ કામગીરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ આઈ.જી. સંદિપસિંહે છેલ્લા ઘણા સમયથી ચાલતી આ ખનીજચોરીની પ્રવૃતિને ડામવા એકશન મોડ શરૂ કરતા ભુમાફીયાઓ પાસે ભુગર્ભમાં ઉતરવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હોય તેવો ઘાટ ઘડાયો છે.