ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “મિશન સોલ્યુશન” હાથ ધરાયું. વિધ્યાર્થીઓ/યુવાઓમાં નશાખોરીની પ્રવૃતિઓ રોકવા પોલીસ દ્વારા મિશન મોડમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું. શાળાઓમાં વિધ્યાર્થીઓને વ્યશન મુક્તી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા – ગત તારીખ 16 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ યુવાનોમાં નશાની પ્રવૃતિ રોકવા માટે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા દ્વારા જિલ્લામાં નશાની પ્રવૃતિ રોકવા ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે.
બેઠકમાં ચર્ચા થયેલ મુજબ ટાયર પંચર માટે વપરાતા સોલ્યુશનનો ઉપયોગ કરી, કેટલાક અણસમજુ યુવાનો નશાની પ્રવૃતિ કરતા હોવાની બાબત સામે આવી હતી. જેથી ડાંગ જિલ્લા પોલીસના આહવા, વઘઇ અને સુબીર પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ પી.એસ.આઇ અને પોલીસ સ્ટાફ દ્વારા “મિશન સોલ્યુશન” અંતર્ગત યુવાઓ નશાખોરી થી દુર રહે તે માટે આ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસની જગ્યાઓમાં પેટ્રોલિંગ કરી યુવકોને શોધી કાઢીને તેઓને નશો ન કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી. આ અભિયાનમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો દ્વારા યુવાઓને વ્યક્તિગત તેમજ સામુહિક કાઉન્સિલિંગ કરી, તેઓ સોલ્યુશન, સ્પિરિટ, સીરપ, વાઈટનર, વિગેરે નશાકારક દ્રવ્યોના સેવનથી દૂર રહી, પોતાનું તથા પરિવારનું જીવન બરબાદ ન કરે તે માટે સમજ આપવામાં આવી હતી.
સોલ્યુશન સુંઘવું ગુનાહિત ભલે ન હોય! પરંતુ જો યુવાનોને આ પ્રકારનો નશો કરતા રોકવામાં નહિ આવે તો, ભવિષ્યમાં પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનું સેવન કરતાં બની શકે છે જેથી પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિઓથી દુર રહેવા જણાવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા ટાયર પંચર તથા ગેરેજ ની દુકાનોમાં ચેકીંગ કરી ગેરેજ સંચાલકોને યોગ્ય સમજ આપી યુવાઓને સોલ્યુશનનું વેચાણ ન કરવા માટે સુચના આપવામાં આવી હતી. વઘુમાં કોઈપણ વ્યક્તિ જો આવી પ્રવૃત્તિ કરતાં જણાઇ આવે તો, તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 1933 પર સંપર્ક કરવા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.