ગુમ થયેલાને કેટલા વર્ષે મૃતજાહેર કરાય??
- સાત વર્ષ સુધી ગુમ થયેલાની ભાળ ન મળે ત્યારે મૃત જાહેર કરવાની જોગવાઈ: ડેથ સર્ટીફીકેટ માટે સમય અવધીની પાબંધી ન હોય: ગુમ થયાની તારીખથી જ મૃત્યુનો દાખલો આપવા રાજયની વડી અદાલતનો આદેશ
ભેદી સંજોગોમાં લાપતા બનેલા પરિવારના સભ્યના મૃત્યુના દાખલો મેળવવામાં કેટલી કાનૂની લડત કરવી પડે છે અને ગુમ થયેલી વ્યક્તિને કંઇ રીતે ડેથર્સ્ટી મળે છે તે અંગેનો કાનૂની આંટીઘૂટી ધરાવતા દાવાની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી પુરી થતા ડેથર્સ્ટી માટે કોઇ સમય પાબંધી ન હોય તેમ સ્પષ્ટ ઠરાવી ગુમ થયાની તારીખથી મરણનો દાખલો આપવા તંત્રને હુકમ કર્યો છે.પરિવારની વ્યક્તિઓ ગુમ થાય ત્યારે તેનો વિરહ માતા-પિતા સહિતના સભ્યને હોય છે અને તેઓ પોતાના વ્હાલસોયાની વર્ષો સુધી રાહ જોતા હોય તે સ્વભાવીક છે.
પરંતું જ્યારે મિલકત અંગેનો પ્રશ્ર્ન ઉભો થાય ત્યારે તે પરત આવશે તેવી ચર્ચા થતી હોય છે. બીજી તરફ મૃત જાહેર કર્યા બાદ તે જીવિત આવે ત્યારે પણ કેટલાક પ્રશ્ર્નો ઉપસ્થિત થતા હોય છે. ત્યારે ગુમ થયેલી વ્યક્તિ માટે સાત વર્ષ બાદ તે પરત નહી આવે તેવું માનીને તંત્ર દ્વારા યોગ્ય ધારા-ધોરણ મુજબ મરણનો દાખલો આપવામાં આવતો હોય છે.આવો જ એક બનાવ અમદાવાદના પરિવાર સાથે બન્યો હતો. અમદાવાદના માનસિંહ દેવધરાના પુત્ર જીતેન્દ્રસિંહ 1984માં સુરત રહેતા પોતાના પિતરાઇને ત્યાં અભ્યાસ અર્થે ગયો હતો ત્યારે તે ભેદી સંગોજોમાં લાપતા બન્યો હતો. જીતેન્દ્રસિંહ દેવધરા ગુમ થયા અંગેની તે સમયે પોલીસમાં નોંધ કરાવી હતી.
દેવધરા પરિવારને જીતેન્દ્રસિંહ હયાત નથી તે માટે પ્રમાણીત દાખલાની જરૂર પડતા સુરત નીચેની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી તે સમય મર્યાદામાં દાદ માગવામાં આવી ન હોવાથી માનસિંહ દેવધરાની અરજી નામંજુર કરી હતી. ત્યાર બાદ માનસિંહ દેવધરાએ સુરત સેસન્શ કોર્ટમાં 2016માં અપીલ કરી હતી ત્યારે 2006માં સુરતમાં આવેલા ભયંકર પુરમા પોલીસનું રેકર્ડ ધોવાઇ ગયુ હોવાનું અને પુરાવા અધિનીયમની કલમ 108 મુજબ સમય મર્યાદાનો બાધ નડતો હોવાનું જણાવી માનસિંહ દેવધરાની અપીલ નામંજુર કરવામાં આવી હતી.
સુરત સેશન્સ કોર્ટના હુકમ સામે દેવધરાએ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગી હતી. હાઇકોર્ટના જસ્ટીશ એ.પી.ઠાકરે માનસિંગ દેવધરાની અપીલ મંજુર કરી હતી. જીતેન્દ્રસિંહ દેવધરા જ્યારે ગુમ થયો તે તારીખથી જ ડેથ ગણી મરણનો દાખલો આપવા સરકારને હુકમ કર્યો હતો. આવો દાખલો આપવામાં પરિવારને સાત વર્ષ સુધી રાહ જોવાની જરૂર ન હોવાનું પણ ઠરાવ્યું હતું.