જેને કોરોના સિમ્ટમ્પ્સ હશે તેનું જ ટેસ્ટીંગ થશે

શહેરમાં કોરોના કાબુમાં આવ્યો છે તેવું સાબિત કરવા ટેસ્ટીંગ ઓછા કરી પોઝીટીવ કેસ પણ ઓછા દેખાડાશે

છેલ્લા બે મહિનાથી રાજકોટ ગુજરાતનું કોરોનાનું હોટસ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા સંક્રમણને રોકવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. હવે ટેસ્ટીંગ ઓછુ કરીને ઓન રેકોર્ડ કોરોનાના કેસ ઘટી રહ્યા હોય તેવું દેખાડવાની મેલી મુરાદ મહાપાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે અને જાણે કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ કોર્પોરેશન દ્વારા ‘અદભૂત’ નિર્ણય લેવાયો હોય તેમ હવે જેને કોરોનાના સિમ્ટમ્સ હશે ફકતને ફકત તેનું જ ટેસ્ટીંગ કરવામાં આવશે.

કોરોનાની મહામારી વચ્ચે જાણે રાજકોટમાં રેપીડ ટેસ્ટની કીટ ઘટી હોય તેમ કોર્પોરેશન દ્વારા આવો અદભુત નિર્ણય લેવામાં આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે.

આરોગ્ય કેન્દ્ર અને ધનવંતરી રથના ડોકટરોએ આડકતરી રીતે સુચના પણ આપી દેવામાં આવી છે કે, ટેસ્ટ ઓછા કરવા જેથી દૈનિક પોઝીટીવ કેસનો આંક ઘટે અને રાજકોટમાં કોરોના કાબુમાં આવી ગયો છે તેવું દેખાડી શકાય. અમદાવાદ, સુરત અને બરોડા બાદ જાણે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો હોય તેમ જાણે દિવસેને દિવસે ટેસ્ટીંગ વધારવામાં આવ્યા હતા પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કોર્પોરેશન દ્વારા જે મોબાઈલ રેપીડ ટેસ્ટ ધનવંતરી રથ અને ૧૦૪ના મારફતે થતા હતા તે બંધ કરી દેવાયા હોય તેમ લાગી રહ્યું છે.

શહેરમાં કોરોના કાબુમાં આવ્યો છે તેવું સાબિત કરવા મોબાઈલ રેપીડ ટેસ્ટ આજથી બંધ કરી દેવાતા પોઝીટીવ કેસનો આંક આપોઆપ હવે ઓછો આવશે.

શહેરમાં દરરોજના ૫ થી ૭ હજાર જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતુ જાણે તંત્ર તો કોરોના નાબુદ થઈ ગયો હોય તેમ મોબાઈલ રેપીડ ટેસ્ટ બંધ કરી દીધા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.