કાલથી 14મી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ સબમીટ કરી શકશે
અબતક, અમદાવાદ
મેડિકલ ડેન્ટલ સહિતના નીટ આધારિત અભ્યાસક્રમો માટે પિન મેળવવાનું ચુકી ગયેલા ઉમેદવારો માટે વધુ એકવખત તક આપવામાં આવી છે. આવતીકાલથી 14મી ડીસેમ્બર સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ સબમીટ કરી શકશે. જો કે પ્રવેશ પ્રકિયા કયારે શરૂ થશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
મેડિકલ, ડેન્ટલ, હોમયોપેથી, આયુર્વેદ અને સ્વનિર્ભર કોલેજોની 15 ટકા ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા અગાઉ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી. જેમાં અંદાજે 24300 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજિસ્ટ્રેશન બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. ઇડબ્લ્યુએસ કેટેગરીના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રિટ થતા તેની સુનાવણી ચાલી રહી છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રકિયા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રવેશની કર્યાવહી શરૂ કરી શકાય તેમ નથી. આમ હવે પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં વિલંબ થાય તેમ હોવાથી સમિતિએ વિદ્યાર્થીઓને વધુ એક વખત તક આપી છે.
આ મુદ્દે પ્રવેશ સમિતિના સભ્યોએ જણાવાયું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ રજિસ્ટ્રેશનથી વંચીત રહી ગયા હોવાથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ પ્રકિયા ટુક સમયમાં શરૂ થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનની તક આપવા માટે નવેસરથી કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કાલથી સવારે 10 વાગ્યાથી 14મી ડીસેમ્બર સાંજે 4 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન પિન ખરીદીને સાંજે 6 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.