દેણું કર્યું, તો હવે જી હજુરી પણ કરો
વારંવાર આતંકી હુમલા થતા હોય, જિનપિંગે સીધા જ શરીફને આ મામલે ટોણો મારતા સરકાર હરકતમાં આવી
પાકિસ્તાન અને ચીન સીપીઇસી પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની નાગરિકોને આતંકવાદી હુમલાઓથી બચાવવા માટે બુલેટ પ્રૂફ વાહનોનો ઉપયોગ કરવા સંમત થયા છે. રવિવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. ચીને પોતાના જવાનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અરબી સમુદ્રમાં પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના ઉત્તર-પશ્ચિમ શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રના કાશગર સાથે જોડે છે. ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ 60 બિલિયન ડોલર સીપીઈસી પ્રમુખ શી જિનપિંગનો મોટો પ્રોજેક્ટ છે. ચીનના વિવિધ પ્રોજેક્ટના અમલીકરણમાં તેના કામદારોની સુરક્ષા મુખ્ય અવરોધ બની રહી છે. તેની 11મી સંયુક્ત સહકાર સમિતિના ડ્રાફ્ટમાં બંને પક્ષો કાયદા અમલીકરણ એજન્સીઓ અને તપાસકર્તાઓની ક્ષમતાઓને મજબૂત કરવા માટે પણ સંમત થયા છે, એમ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે.
ડ્રાફ્ટ વિગતો દર્શાવે છે કે ચીન પાકિસ્તાની કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતા નિર્માણ માટે સુરક્ષા સંબંધિત સાધનો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ચીનના નાગરિકોને સંડોવતા ગુનાઓની તપાસને ઝડપી બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ એજન્સીને આધુનિક તર્જ પર વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડ્રાફ્ટ અનુસાર, પાકિસ્તાને ઈસ્લામાબાદમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના આધુનિકીકરણ માટે ચીનના સહયોગની વિનંતી કરી છે. ચીને આ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને પોતાના કામદારો પર વારંવાર થતા હુમલાને કારણે પાકિસ્તાનને ચીની નાગરિકોની સુરક્ષા તેના સુરક્ષા કર્મચારીઓને સોંપવા માટે પણ કહ્યું હતું.