અપહરણની ફરિયાદ કરનાર યુવક સામે વળતી ફરિયાદ નોંધાઈ: બસમાં અપડાઉન કરતી વેળાએ ભોગ બનનારને યુવકે પ્રેમજાળમાં ફસાવી’તી: મદદગારી કરનાર મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
રાજકોટમાં બેડી ગામ પાસે પ્રેમસંબંધ મુદ્દેનો ખાર રાખીને યુવકનું કારમાં અપહરણ કર્યા બાદ લાલપરી સીમમાં લઈ જઈ ત્રણ શખસોએ લાકડાના ધોકાથી ફટકાર્યા અંગેનો બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. બાદમાં યુવકે તેના જ ગામની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ઘરે લઈ જઈ બે-બે વખત દુષ્કર્મ આચર્યા બાદ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની વળતી ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
બેડી ગામમાં રહેતી સગીરની માતાની ફરિયાદ પરથી કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.સી.વાળાએ બેડી ગામના જયરાજ કેશુ દાળોદ્રા, અજય ગોવિંદ દાળોદ્રા અને કાજલ અજય દાળોદ્રા સામે અપહરણ, દુષ્કર્મ, ધમકી, પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
બેડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી રાજકોટમાં ભણવા માટે બસમાં અપડાઉન કરતી હતી. આ સમય દરમિયાન બસમાં આરોપી અજય દાળોદ્રા સાથે મુલાકાત થઈ હતી. જેમાં આરોપી જયરાજે કિશોરીને લગ્ન કરવાની લાલચે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં કાજલ અજય દાળોદ્રાની મદદથી ભોગ બનનારને મોબાઈલ ફોન વાતચીત કરવા માટે આપ્યો હતો અને ઘણા સમયથી બન્ને એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતા હતા. ટેલીફોનિક વાતચીતમાં રૂબરૂ મળવાની વાતો થયા બાદ કિશોરીને મળવા માટે જયરાજ દાળોદ્રાએ બોલાવી તેના મિત્ર અજય દાળોદ્રાની બોલેરો કારમાં અપહરણ કરી લઈ ગયા બાદ પોતાના ઘરે કિશોરી પર બે-બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં આ બાબતે કિશોરીના પિતાને જાણ થતાં ત્રણેય આરોપીઓએ તેમની જાનથી મારી નાખવાની ધમકી આપી ગામ છોડી દેવાનું જણાવ્યું હતું. આ બનાવમાં કાજલ દાળોદ્રાએ કિશોરીના લગ્ન જયરાજ સાથે કરાવી આપશે તેવી લાલચો પણ આપી હતી અને કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવક સાથે મળવામાં પણ અવાર-નવાર મદદગારી કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસે મહિલા સહિત ત્રણેય સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા બેડી ચોકડી પાસેથી સગીર સાથે દુષ્કર્મ થયાનો ખાર રાખીને યુવકનું કારમાં અપહરણ કરી લઈ ગયા બાદ લાલપરી વિસ્તારમાં જઈ ધોકાથી યુવતિના પિતા સહિત ત્રણ શખસોએ ધોકાથી ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ ત્રણેય શખસોને ધકો મારી મોકો જોઈ યુવક ત્યાંથી નાસી છુટ્યો હતો. બાદમાં તેના પિતા અને બી-ડીવીઝન પોલીસને ફોન મારફત જાણ કરી હતી. જેમાં પણ ભોગ બનનારના પિતા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો.