આંતરરાષ્ટ્રીયતાને અવરોધતા પરિબળો અંગે નિષ્ણાંત શિક્ષકોએ આપ્યું માર્ગદર્શન
વેબિનારના અંતે તાલીમાર્થીઓ અને અધ્યાપકોને ઇ સર્ટિફિકેટ એનાયત કરાશે
મિરામ્બીકા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા બી.એડ્. સેમેન્ટર-૨ના વિદ્યાર્થીઓ માટે ૧૫ દિવસના વેબિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત ૧૫ દિવસ સુધી ૧૫ વિષયો પર અલગ અલગ એજ્યુકેટર્સ અને તજજ્ઞો અધ્યાયન કાર્ય કરાવી રહ્યાં છે. જેમાં મિરામ્બીકા કોલેજના ટ્રસ્ટી ભુપેન્દ્રસિંહ જાડેજા તથા મયુરધ્વજસિંહ જાડેજા અને પ્રાચાર્ય બી.એમ.ગોસાઈ અને અધ્યાપકોની ઓર્ગેનાઈઝર ટીમ હાર્દિક ધામેલીયા, સાગર વોરા, ફાલ્ગુની મોરી અને રમા પરમારે સાથે મળી વેબિનારનું આયોજન કર્યું છે. હાલ કપરી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસથી અવગત ન રહે તે માટે આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્કો વેબેકસના માધ્યમથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં રાજકોટના અલગ અલગ બી.એડ્.કોલેજના તાલીમાર્થીઓ અને અધ્યાપકો પ્રતિભાગી બન્યા છે.
ખાસ તો આજે વેબિનારના બારમાં દિવસે આંતરરાષ્ટ્રીય સમજનો અર્થ અને જરૂરીયાત વિષય પર નિરવ દવે દ્વારા અધ્યાપન કાર્ય કરાવવામાં આવ્યું હતું. તેમજ ડો.મનિષ રાવલ દ્વારા વર્ચ્યુઅલ ટીચીંગ એન્ડ લર્નીંગ નીડ ઓફ ધ હવર વિષયક વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. જેમાં ડો.પ્રશાંત અંબાસણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સીસ્કો વેબેકસમાં હોસ્ટ તરીકે હાર્દિક ધામેલીયા જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ મિરામ્બીકા કોલેજ ઓફ એજ્યુકેશનમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે.
મિરામ્બીકા કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સીપાલ બી.એમ.ગોસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મિરામ્બીકા કોલેજ દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં બી.એડ્. સેમેસ્ટ-૨ના વિદ્યાર્થીઓ માટે ૧૫ દિવસથી વેબીનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ૧૨મો દિવસ હતો અને પહેલા દિવસથી આ વેબિનારમાં ૨૦૦ વિદ્યાર્થીઓ જોડાઈને માર્ગદર્શન મેળવી રહ્યાં છે. ફક્ત મિરામ્બીકા કોલેજના નહીં પરંતુ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ પણ આમા જોડાયા છે અને આવી કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી વંચિત ન રહે તે માટેનું આ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.