એમપીના માનસિંહ ગુર્જરે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની મૂલાકાત લીધી
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બનખેડી તાલુકાના ગરધા ગામના રહીશ માનસિંહભાઇ ગુર્જરે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે મુલાકાત લઇને તેમણે પોતે વિકસાવેલી સાડા પાંચ ફૂટ લાંબી દેશી પ્રજાતિની દુધીની સાથે તેમણે વિકસાવેલાં અને સાચવેલાં વિવિધ દેશી બીજ તેમજ વિવિધ કૃષિ ઉત્પાદનોના નમૂના પ્રસ્તુત કર્યા હતા.
ચોખાની લગભગ 230 દેશી જાત, ઘઉંની 108 જાત અને જુદાં જુદાં શાકભાજીના 150 જાતના દેશીબીજનો સંગ્રહ ઉપલબ્ધ છે. દેશીબીજના ઉત્પાદન અંગે તેઓ જણાવે છે કે, 15 એકરના ખેતરમાં તેઓ નિયમિત રીતે બે એકર જેટલી જમીનમાં દેશીબીજનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરી બીજ નિર્માણ કરે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ વિનામૂલ્યે દેશી બીજ આપી તેના વાવેતર માટે પ્રેરણ આપે છે.
માનસિંહભાઈ સાત ફૂટ લાંબી દુધીનું ઉત્પાદન મેળવે છે. બીજી એક પ્રજાતિની દુધીનું વજન 22 કિલો છે. તેમના ખેતરમાં ઉગતા 30 કિલો વજનનું તડબૂચ, સાડા ત્રણ ફૂટ લાંબા ગલકાં-તૂરિયા હોય કે ત્રણ કિલો વજનનું રીંગણ હોય લોકો આ ઉત્પાદનોને જોઇને આશ્ચર્ય ચકિત થઇ જાય છે. માનસિંહભાઇ કહે છે, આ પ્રાકૃતિક કૃષિ અને દેશી બીજનો ચમત્કાર છે. દેશી બીજ આપણી ધરોહર છે, કોઇકે તો જતન કરવું જ પડશે. તેમની વાત સાચી છે. આજે તેઓ એકલા હાથે દેશી બીજની 600 જેટલી પ્રજાતિ ધરાવે છે.
પ્રાકૃતિક કૃષિને માનસિંહભાઇ ગુર્જર ખેડૂતો માટે આશીર્વાદરૂપ માને છે. તેઓ જણાવે છે કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિનું જે જનઅભિયાન ચલાવવામાં આવે છે તે ઇશ્વરીય કાર્ય છે. પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મળે છે. તેમણે પ્રાકૃતિક કૃષિના ચમત્કારને પોતાનાં ખેતરમાં જોયો છે. રાસાયણિક કૃષિથી પ્રતિ એકર ઘઉંનો ઉતારો 12 થી 14 ક્વિન્ટલ મળે છે જ્યારે તેમના ખેતરમાં તેઓ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઘઉંનું પ્રતિ એકર ઉત્પાદન 15 થી 16 ક્વિન્ટલ મળે છે.
રાસાયણિક કૃષિમાં શેરડી પ્રતિ એકર 400 ક્વિન્ટલ સામે પ્રાકૃતિક કૃષિથી તેઓ પ્રતિ એકર 550 ક્વિન્ટલ શેરડીનું ઉત્પાદન મેળવે છે. પ્રાકૃતિક કૃષિથી મેળવેલી શેરડીનો સાંઠો 17 થી 18 ફૂટ ઉંચાઇ ધરાવે છે. જેનું વજન પણ રાસાયણિક કૃષિ કરતા બમણું હોય છે. તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજથી ખેતી કરો તો ખેતરમાં રોગ નથી આવતો. ગમે તેટલો વરસાદ પડે તો પણ જમીન એટલી નરમ હોય છે કે, પાણી ધરતીના પેટાળમાં સમાઇ જાય છે. પ્રાકૃતિક કૃષિમાં પાણીની 50 ટકા બચત થાય છે. મેં પિતાજી પાસેથી પ્રેરણા મેળવીને વર્ષ 2010થી પંદર એકરના ખેતરમાં એક ઝાટકે પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ અપનાવી. મારું ઉત્પાદન જરાય ઘટ્યું નથી, ઉલટાનું ગુણવત્તા ધરાવતા ઉત્પાદનોના વધુ ભાવ મળે છે.
રાજ્યપાલ એ માનસિંહભાઇ ની પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજના જતન સંવર્ધનની લગન જોઇને પ્રસન્નતા વ્યકત કરીને 51 હજારનો ચેક પુરસ્કાર રૂપે આપ્યો ત્યારે તેમને હવે એ વાતની ખુશી છે કે, દેશી બીજની પ્રજાતિઓ લુપ્ત ન થઇ જાય તેની સંભાળ લેવાની તેમની મહેનત ફળી છે. તેમનું સપનું છે દેશીબીજની બેંક બનાવવી જેથી ખેડૂતો પણ તેમના દેશીબીજને સંરક્ષિત કરી શકે. તેમની લગન અને આત્મવિશ્વાસ ઉપરથી તો એવું ચોક્કસ કહી શકાય કે તેમનું સપનું અવશ્ય સાકાર થશે.