ધરતીકંપની આફત માનવજાત માટે કુદરતનો મહાપ્રકોપ ગણાય છે, તેની અસર આસમાન-જમીન અને દરિયામાં ત્રણેય સ્તરે થાય છે અને તેના દુરોગામી પરિણામો ભોગવવા પડે છે;ધરતીકંપનું કારણ પૃથ્વી પરનું વધતું જતું ભારણ હોવાનું ચોંકાવનારૂ કારણ
ભારતના જુદા-જુદા વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ધરતીકંપના આંચકાઓ ભલે તિવ્રતામાં ખુબજ નાના હતા પરંતુ આ આંચકાઓનો અંદાજ ભુસ્તર શાસ્ત્રીઓએ અગાઉથી જ આપી દીધા હતા. આ નાના આંચકા અને સતત ધ્રુજતી રહેતી ધરતી ભલે તાત્કાલીક ધોરણે કોઈ મોટુ નુકશાન કરતા નથી પરંતુ વારંવારના આંચકાઓ સમગ્ર ઉત્ખંડ માટે ચિંતાનો વિષય રહે છે.
કુદરતી આપતીઓ, અતિવૃષ્ટિ, દુકાળ અને ધરતીકંપ સાથે આપણી કેટલીક માન્યતાઓ અને ધાર્મિક કહેવતો જોડાયેલી રહે છે. પૃથ્વી પર જ્યારે ભાર વધી જાય ત્યારે ધરતીકંપ આવે છે તેવી કહેવત અંધશ્રદ્ધાની અને શ્રદ્ધાની અતિરેક ગણાતી પરંતુ પૃથ્વી પરનું ભારણ ધરતીકંપ માટે જવાબદાર હોવાનું એક નવું તારણ સામે આવ્યું છે.
અત્યારે આપણા દેશમાં ધરતીની આ ધણધણાટી મુખ્યત્વે ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ર્ચિમ, હિમાલયન ક્ષેત્રમાં અને દક્ષિણ ગુજરાત, પંશ્ર્ચિમ મહારાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સીસ્મીક ઝોન-૪ અને ૫ તરીકે ઓળખાતા વિસ્તારોમાં થાય છે. ભૂતકાળ પણ અહીં ભૂકંપ થતાં રહ્યાં હતા. ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ર્ચિમ હિમાલયમાં ભૂકંપનું કારણ પ્લેટ ક્ધવર્ઝનના કારણે થાય છે. દિલ્હીની પશ્ર્ચિમમાં મહેન્દ્રગંજ, દહેરાદુનનું પેટા ફોલ્ટલાઈનમાં ૩ સ્તરે ભુકંપના કેન્દ્રબિંદુ રહેલા છે. આ જ રીતે ગુજરાતમાં રાજકોટ, લાઠી વચ્ચે અને કચ્છમાં તેનું મુખ્ય કેન્દ્ર વારંવાર થનારા આંચકા પાછળ રહેલું છે. ભૂકંપ થવાના કારણો કોઈપણ વિસ્તારની તાણ અને તેના પર થતાં નિર્માણને આધારભૂત ગણવામાં આવ્યું છે. ભારત અને યુરોશીયન પ્લેટો વચ્ચે તાણ અને બાંધકામના વિસ્તારોની નોંધ લેવામાં આવી રહી છે. પ્લેટની સતત હિલચાલના કારણે તણાવ ઉભો થાય છે. જળાશયોમાં વધેલું પાણી પણ આ માટે કારણભૂત માનવામાં આવે છે અને જળાશયોના છિદ્રો પાછળ રેતીમાં ઉતરતા પાણીના વજનના કારણે ભૂકંપની પરિસ્થિતિ સર્જાતી હોવાનું પણ સર્વેમાં બહાર આવ્યું છે. વધુ સક્રિય પ્રદેશોમાં જયાં તાણ અને ભારણ વધે તેવા સંજોગો ભૂકંપ માટે કારણભૂત માનવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય બાંધકામ અને પ્રગતિ હેઠળ કામો હોય તે પુરા થવાના હોય તેવી સાઈટો પર ભુસ્તર શાસ્ત્રીઓએ મુલ્યાંકન કરવા માટે સીસ્મીક માઈક્રો ઝોનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભૂકંપ માટે પૃથ્વી પરનું ભારણ અને દબાણ ઉત્પન્ન કરતા પરિબળો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે જે ખરેખર આશ્ર્ચર્યજનક અને પૃથ્વીનું ભારતની કહેવત સાથે સુસંગત હોવાનું મનાય છે.