- ખાડીમાં ન્હાવા જતા યુવકને ના પાડતા ઝઘડો થયો: 50થી વધુ સ્ત્રી પુરૂષના ટોળાએ સામસામે ભારે પથ્થરમારો કરતા નાસભાગ
- બેકાબુ ટોળાને વિખેરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ માંગરોળ દોડી ગયા કાર્યવાહીમાં છ ઘવાયા
માંગરોળના શેરીયાજ બારા વિસ્તારમાં રહેતા માછીમારી કરતા બે જુથ્થ વચ્ચે નજીવી બાબતે સશસ્ત્ર અથડામણ થતા 50 થી વધુ સ્ત્રી પુરૂષના ટોળાએ આમને સામને ભારે પથ્થરમારો કરતા મહિલાઓ સહિત 20 ઘવાયા હતા. જેમાં છની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. બેકાબુ ટોળાને વિખેરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ માંગરોળ દોડી ગયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના શેરીયાજબારા મસ્જીદના દરવાજાની બાજુમાં રહેતા હવુબેન મુસાભાઇ શમાએ તેના પાડોશી અનવર જુસબ ગોવાલસરી, મહેમુદ જુસબ ગોવાલસરી, હમજા મહેમુદ ગોવાલસરી, અકબર અયુબ, સબીર જાફર, અલ્તાફ જાફર, ફિરોજ જાફર, ફારૂક યુસુબ, ગફાર ઇસા, સાદીક ગફાર, મકમુલ ગુલામ, સુલેમાન ફકીર, મહંમદ ગફુર અને દસ જેટલા અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે શેરીયાજબારા ખાડી વિસ્તારમાં રહેતા મહેમુદ જુસબ ગોવાલસરીએ તેના જ પાડોશી ફૈજલ મુસા શમા, સુલેમાન કાસુ શમા, હુસેન સુલેમાન શમા, જાની સુલેમાન શમા, હનિફ સુલેમાન શમા, ફારૂક હનિફ શમા, મુસ્તાક હનિફ શમા, જુમ્મા સુલેમાન શમા, આદમ ઓસમાણ શમા અને પંદર જેટલા શખ્સોએ પથ્થર મારો કરી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફૈજલ મુસા ખાડીમાં ન્હાવા જતો હતો ત્યારે તેને ખાડીમાં ન્હાવા જવાની અનવર જુસબ ગોવાલસરીએ ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારે ફૈજલ આપડુ માનતો નથી કહી અનવર જુસબ સહિતના શખ્સોએ લાફા મારી અન્ય શખ્સોને ઘટના સ્થળે બોલાવ્યા હતા તે દરમિયાન ફૈજલ મુસાને બચાવવા તેના પરિવારનો પણ ઘટના સ્થળે દોડી ગયા બાદ સામસામે કરેલા પથ્થરમારામાં 20 જેટલા સ્ત્રી-પુરૂષો ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં છ વ્યક્તિની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ટોળા દ્વારા થયેલા સામસામે પથ્થરમારાના કારણે નાસભાગ મચી ગઇ હતી. માંગરોળમાં ફરી અથડામણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માંગરોળ મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.આર.સોલંકી સહિતના સ્ટાફે બંને જુથ્થ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.