રાજકોટ જિલ્લામાં જળ સંરક્ષણ-વ્યવસ્થાપન અંગે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને એવોર્ડમાં ભાગ લેવા કલેક્ટરનો અનુરોધ
પાણી એ જીવન માટે અનિવાર્ય તત્ત્વ છે. ગુજરાતીમાં કહેવત છે કે, જળ એ જ જીવન. પરંતુ વર્તમાન સમયમાં પાણીના સંસાધનો જે રીતે ખૂટી રહ્યા છે, પાણીનો બેફામ વપરાશ થઈ રહ્યો છે, તેના કારણે ભવિષ્યમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે. આથી જળ સંરક્ષણ, કુદરતી જળસ્રોતોની જાળવણી ખૂબ જરૂરી છે.
જળ સંરક્ષણ-વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરતા સરકારી-બિનસરકારી સંગઠનો, પંચાયતો, સમાચાર માધ્યમો, શાળાઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, એન.જી.ઓ. વોટર યૂઝર એસોસિએશન વગેરેને પ્રોત્સાહન મળે તે માટે જલશક્તિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પાણી એવોર્ડ 2022 (નેશનલ વોટર એવોર્ડ 2022)ની જાહેરાત કરવામાં આવી છે.
જલશક્તિ મંત્રાલય દ્વારા આ એવોર્ડ કુલ 11 કેટેગરીમાં આપવામાં આવનાર છે. મંત્રાલય દ્વારા આ એવોર્ડ માટે ઓનલાઈન એન્ટ્રીઓ મંગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ માટેwww.awards.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે તેમજ કામગીરી સંબંધિત વિગતો ઓનલાઈન ભરવાની રહે છે.
એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર છે. આ માટેની વિશેષ માર્ગદર્શિકા જલશક્તિ મંત્રાલયની વેબસાઈટ www.jalshakti-dowr.gov.in પર મુકવામાં આવેલી છે. એવોર્ડ માટે ભાગ લેતા પહેલા આ માર્ગદર્શિકા જોઈ લેવા ભલામણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જળ સંરક્ષણ-વ્યવસ્થાપન અંગે શ્રેષ્ઠ કામગીરી કરનારા સંગઠનો, માધ્યમો, ઉદ્યોગો, સંસ્થાનો વગેરેને આ એવોર્ડમાં ભાગ લેવા માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.