દેશની માત્ર પાંચ યુનિ.માં માસ્ટર્સ ઈન ડેટા સાયન્સનો કોર્સ: કોર્ષ દરમિયાન સઘન ઔધોગિક તાલિમ: સ્ટાયફંડ મળશે: સ્નાતક પછી બે વર્ષનો કોર્સ: રોજગારની સો ટકા ગેરંટી
ભારત સરકારનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રોજગારીની વિશાળ તકોને ધ્યાનમાં રાખીને અનુસ્નાતક કક્ષાએ નવો કોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦નાં શૈક્ષણિક વર્ષથી આ કોર્સના પાઇલોટ પ્રોજેકટ માટે દેશની માત્ર પાંચ યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતમાંથી માત્ર આત્મીય યુનિવર્સિટીની પસંદગી થઈ છે. આ કોર્સ માસ્ટર્સ ઇન ડેટા સાયન્સનું અમલીકરણ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અંતર્ગત રચાયેલ લોજિસ્ટિક્સ સેક્ટર કાઉન્સિલ દ્વારા થશે. તત્કાળ રોજગારી ઉપલબ્ધ કરાવવાની ગેરંટી સાથેનો આ કોર્સ એન્જીનિયરીંગ, ફાર્મસી, સાયન્સ, કોમર્સ, મેનેજમેંટ તેમજ કોમ્પ્યુટર એમ તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. ગુજરાતના વિદ્યાર્થીઓને ઘરઆંગણે નમૂનેદાર સુવિધા ઉપલબ્ધ થઈ છે.
જાણીતા ટેકનોક્રેટસના મતે ઇન્ટરનેટ ઓફ થીંગ્સ અને આર્ટિફિસિયલ ઇંટેલિજન્સને કારણે તમામ ક્ષેત્રોમાં ટેક્નોલોજિકલ ક્રાંતિનો પ્રારંભ થઈ ચુક્યો છે. તેમાં રીયલ ટાઈમ ડેટાના એનાલિસિસ માટે કુશળ માનવશક્તિની બહુ મોટી માંગ ઊભી થઈ રહી છે. આથી આ ક્ષેત્રમાં રોજગારીની વિપુલ શક્યતાઓને ધ્યાનમાં રાખીને માસ્ટર્સ ઇન ડેટા સાયન્સ શરૂ કરવાની પહેલ ભારત સરકારનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કરી છે. આ કોર્સ ચાર સેમેસ્ટરનો રહેશે. જેમાં પ્રથમ ત્રણ સેમેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ અને ચોથાં સેમેસ્ટરમાં લોજિસ્ટિક્સ ઈન્ડસ્ટ્રીમાં સારાં એવાં સ્ટાયફંડ સાથે તાલીમ મેળવવાની થશે. ભારત સરકારના મતે લોજિસ્ટિક્સ સેકટરમાં ડેટા એનાલિટીક્સ દ્વારા કુલ ખર્ચમાં પાંચથી આઠ ટકા ખર્ચની બચત કરી શકાય છે. જેની સીધી અસર દેશની જીડીપીમાં વૃધ્ધિમાં દેખાય છે. પશ્ચિમના દેશોમાં મોટા પ્રમાણમાં ઓટોમેશન હોવા છતાં રીયલ ટાઈમ ડેટા એનાલિસિસની મદદ લેવામાં આવે છે. આગામી સમયમાં ભારતે પણ વિકાસની ગતિ વધારવા મતે ડેટા સાયન્સનું મહત્વ સ્વીકારવું જ પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના સ્કિલ ઈન્ડિયા અંતર્ગત કુશળ માનવશક્તિના સર્જન માટે આ કોર્સ દ્વારા સરકારે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. જેનો સીધો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે.
એન્જીનિયરીંગ, બી.સી.એ., બી.એસ.સી. (આઈ.ટી.), બી.કોમ, બી.બી.એ. સહિત ઈજનેરી/ સાયન્સ/ કોમર્સના સ્નાતક વિદ્યાર્થીઓ આ રોજગાર કેન્દ્રિત અનુસ્નાતક કોર્સમાં એડમિશન લઈ શકે છે. માસ્ટર્સ ઇન ડેટા સાયન્સ માં પ્રવેશ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓએ આત્મીય યુનિવર્સિટી, યોગીધામ, કાલાવડ રોડ, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે. આ કોર્સ અંગેની વિશેષ માહિતી મેળવવા ૯૦૯૯૦ ૭૬૧૭૨ અને ૯૦૯૯૦ ૭૬૧૫૨ પર સંપર્ક કરી શકાય છે. આત્મીય યુનિવર્સિટીના સંવાહક પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ માસ્ટર્સ ઇન ડેટા સાયન્સ કોર્સ માટે ગુજરાતમાંથી માત્ર આત્મીય યુનિવર્સિટીની પસંદગી બાબતે હર્ષ વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓને તેનો લાભ ઉઠાવવા આહવાન કર્યું છે. તમામ ક્ષેત્રોમાં ઉમેદવારની કુશળતાને દ્રષ્ટિમાં રાખીને જ રોજગારી મળે છે. તેવા સંજોગોમાં કોઈપણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને રોજગારીની સો ટકા બાહેંધરી આપતા આવા કોર્સ ગુજરાતના વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ પુરવાર થશે. તેમણે ઉમેર્યું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પ્રેરણા અને આશિષથી આત્મીય યુનિ.માં અભ્યાસક્રમની સાથેસાથે માનવીય જીવનમૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે. તેથી ઉદ્યોગગૃહોને કુશળ ઉપરાંત સંસ્કારી માનવશક્તિ મળી રહેશે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના તાજેતરમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને પરંપરાગત વિદ્યાશાખામાં એડમિશન લેવાને બદલે આ રોજગારલક્ષી અનુસ્નાતક કોર્સનો લાભ ઉઠાવવા તેમણે અનુરોધ કર્યો છે.