સરકાર ઈ-નેટ મારફતે કરદાતાઓ ઉપર સકંજો કસશે: ગેરરીતિ અટકાશે!

દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર અનેકવિધ રીતે પ્રયત્નો હાથ ધરતી હોય છે ત્યારે દેશને જે મુખ્યત્વે આવક થતી હોય તો તે ડાયરેકટ ટેકસ અને ઈનડાયરેકટ ટેકસ મારફતે કરવામાં આવતી હોય છે પરંતુ આ બંને ટેકસ માળખામાં કરદાતાઓ પોતાનો રસ્તો કાઢી કરચોરી કરતા પણ અનેકવિધ વખતે નજરે પડયા છે ત્યારે સરકાર ઈ-નેટને મજબુત કરી કરચોરો નાશી ન છુટે તે માટેનો તખ્તો નાણા મંત્રાલય દ્વારા પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, નાણા મંત્રાલય ઈ-નેટ મારફતે કરદાતા ઉપર સકંજો કસશે જેથી દેશને જે કર મારફતે આવક થતી હોય તેમાં કોઈપણ પ્રકારે ગેરરીતિ ન થઈ શકે. આ તમામ મુદાને ધ્યાને લઈ સરકાર ઈ-નેટને વધુ મજબુત બનાવવા માટેના પ્રયત્નો હાથધરી રહ્યું છે. કરદાતાઓને લાભાન્વિત કરવા માટે નાણા મંત્રાલય દ્વારા અનેકવિધ યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી છે જેમ કે સબ કા વિશ્ર્વાસ યોજના અને વિવાદ સે વિશ્ર્વાસ સ્કિમ. આ સ્કિમનો લાભ લેનાર કરદાતાઓને કોઈપણ રીતે કરને લઈ તકલીફનો સામનો ન કરવો પડે તે દિશામાં પણ સરકાર વિચાર કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદી દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે અનેકવિધ પ્રકારે નવતર પ્રયોગો હાથ ધર્યા છે ત્યારે સમગ્ર દેશને ડિજિટલાઈઝ કરવા માટે દેશનાં તમામ મુખ્ય વિભાગોમાં અનેકવિધ પ્રકારની વિકાસલક્ષી યોજનાઓને અમલી બનાવવામાં આવી છે બીજી તરફ સરકાર નાણા મંત્રાલયનાં સીબીડીટી અને સીબીઆઈસીને પણ પૂર્ણત: ડિજિટલાઈઝ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કરદાતાઓએ આવકવેરા વિભાગ કે પછી જીએસટી ઓફિસે ન જવુ પડે તે માટે ઓનલાઈન સવલત કરદાતાઓને આપવામાં આવી રહી છે પરંતુ એક તરફ કરદાતાઓ કરચોરી કરી દેશનાં હિતમાં કામ કરી રહ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે તો બીજી તરફ સરકાર દેશહિતમાં તેઓ તેમનો નિયમિત કર આપે તે માટે અનેકવિધ પ્રકારનાં નવતર પ્રયોગો પણ હાથ ધરી રહ્યું છે ત્યારે હાલ સરકાર ઈ-નેટ મારફતે કરદાતાઓ પર પોતાનો સકંજો કસવા માટે પણ તૈયાર થઈ ગઈ છે જેથી હવે કરદાતાઓ તેમની તમામ પ્રકારની આર્થિક લેવડ-દેવડ અંગેની વિગતો ફોર્મ-૨૬ એએસનાં સ્ટેટમેન્ટમાં દેખાડવામાં આવશે જેથી તેઓ કોઈપણ પ્રકારે ગેરરીતિ આચરી ન શકે.

૧લી જુનથી કરદાતાની તમામ આર્થિક લેવડ-દેવડ અંગેની વિગતો ૨૬ એએસ. સ્ટેટમેન્ટ મારફતે મળી શકશે

ઓનલાઈન ઈન્કમ ટેકસ ભરવા માટે સરકારે કરદાતાઓ માટે રસ્તો સરળ કરી દીધો છે પરંતુ હવે કરદાતાઓની તમામ આર્થિક લેવડ-દેવડ અંગેની વિગતો ૨૬ એએસ સ્ટેટમેન્ટ મારફતે મળી શકશે જેમાં કરદાતાઓ દ્વારા ખરીદવામાં આવેલી જમીન, બેંકમાં જમા કરાવેલ રકમ આ તમામ વિગતો ૧લી જુનથી ૨૬ એએસ સ્ટેટમેન્ટમાં લાગુ કરાશે. નાણા મંત્રાલય દ્વારા આ અંગેના નિયમો ગુરુવારે જાહેર કરવામાં પણ આવ્યા હતા જેમાં ૧લી જુનથી ફેરફાર કરવા પણ જણાવ્યું છે. આ ફેરફારની જાહેરાત બજેટમાં પણ કરવામાં આવી હતી પરંતુ તેની અમલવારી જુન માસથી કરવામાં આવશે તેવું પણ નાણા મંત્રાલયનાં સુત્રો દ્વારા માહિતી મળી રહી છે. હાલ સ્ટેટમેન્ટમાં કરદાતાઓ દ્વારા ઓનલાઈન ટેકસ જમા કરવા અંગેની જ માહિતીઓ દેખાડવામાં આવતી હતી પરંતુ હવે કરદાતાઓને ભરેલા ટેકસ, બાકી રહેતો ટેકસ તથા રીફંડ અંગેની પણ માહિતી ઓનલાઈન ફોર્મ મારફતે મળી શકશે. કરદાતાઓ કે જે તેમનું રીટર્ન ભરતા હોય તેમાં તેઓએ આ અંગેની વિગતો આપવી પડશે.

આધારકાર્ડને જોડી ઈ-પાનકાર્ડ ઈશ્યુ કરતી સરકાર

આધારકાર્ડ ધારકોને પાનકાર્ડ આપવા માટે સરકાર ઈ-નેટનો સહારો લઈ રહી છે જેમાં ગુરુવારનાં રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આધારકાર્ડ ધારકોને ત્વરીત ઓનલાઈન પાનકાર્ડ ઈશ્યુ કરવા માટેની ફેસેલીટી આપી છે. બજેટ ૨૦૨૦-૨૧માં આ લોન્ચ સિસ્ટમ અંગે જોગવાઈ પણ કરવામાં આવી હતી જેમાં આધારકાર્ડનાં આધારે પાનકાર્ડ કરદાતાઓને ઈશ્યુ કરવામાં આવશે. પહેલા પાનકાર્ડ માટે અનેકવિધ પ્રકારે માહિતીઓ ફોર્મ મારફતે ભરવામાં આવતી હતી પરંતુ હવે રજીસ્ટર્ડ, આધારકાર્ડનાં આધારે જ લોકોને ઈ-પાનકાર્ડ ઈશ્યુ કરી દેવામાં આવશે. આધારકાર્ડમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને આધાર નંબર મારફતે પાનકાર્ડ ઈચ્છનાર લોકોને તેમનું પાનકાર્ડ મળી રહેશે. આ તમામ પ્રક્રિયા પેપરલેશ હોવાથી કરદાતાઓને આ ફેસેલીટી નિ:શુલ્ક આપવામાં આવશે.  ૨૫મી મે ૨૦૨૦નાં રોજ નાણામંત્રાલય દ્વારા માત્ર ૧૦ જ મિનિટમાં ૬,૭૭,૬૮૦ ઈ-પાનકાર્ડને ઈશ્યુ

કરવામાં આવ્યા હતા ત્યારે આવનારા સમયમાં પણ અન્ય ઈ-પાનકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે તેવો નાણા મંત્રાલયે ભરોસો પણ દાખવ્યો હતો. પાનકાર્ડ આધારકાર્ડને લીંક કરવાની છેલ્લી તારીખ ૩૦ જુન આપવામાં આવી છે. સરકાર જે કરદાતાઓને ઈ-પાનકાર્ડ આપી રહી છે તે તમામ જે-તે વ્યકિતનાં ઈ-મેઈલ એડ્રેસ ઉપર મોકલવામાં આવશે.

કોરોનાની હાલાકીથી બચવા બિલ્ડરોને ૯ માસનું એક્સટેન્શન અપાયું

૨૫ માર્ચ સુધીની અવધી વચ્ચે બિલ્ડરોને રેરાનો દંડ ન થાય તે માટે સમય મર્યાદા વધારાઈ

કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિ જે જોવા મળી રહી છે તેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને અત્યંત માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. આ ક્ષેત્રમાં કામ કરતા મજુરો કે જે પરપ્રાંતિયો છે તેઓ વતન પરત થતા જે ચાલુ પ્રોજેકટો છે તે પણ હાલ બંધ પડેલા છે અને જો તે નિર્ધારીત સમયમાં પુરા કરવામાં ન આવે તો બિલ્ડરોને રેરાનો દંડ પણ ભરવો પડતો હોય છે પરંતુ સરકારે આ તમામ મુદાને ધ્યાને લઈ બિલ્ડરોને રેરાના દંડથી બચાવવા ૯ માસનું એકસટેન્શન આપવામાં આવ્યું છે જેનાથી જે બિલ્ડરોએ ૨૫ માર્ચ સુધીમાં પ્રોજેકટ પુરા કરવાના હોય તે હવે આગામી ૯ માસ દરમિયાન પુરા કરવા માટે જણાવ્યું છે અને સમય મર્યાદામાં પણ વધારો કર્યો છે. મજુરોની અછતથી સપ્લાય ચેઈનને પણ ઘણી ખરી અસર પહોંચી છે અને સામે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં  પડતર પ્રોજેકટોની સંખ્યામાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે. આ તમામ મુદાને ધ્યાને લઈ સરકાર દ્વારા ઉણુ વલણ અપનાવવામાં આવ્યું હોય તેવું પણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.