કેશોદ ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં પ્રાંતકક્ષાની સંકલન બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાએ લોક પ્રશ્ર્નોની સમીક્ષા કરી સ્થાનિક કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્ર્નો તાકીદે ઉકેલ લાવવા કરી તાકીદ કરી હતી.
જુનાગઢ જિલ્લાના કેશોદ પ્રાંત વિસ્તારમાં આવતા કેશોદ અને માંગરોળ તાલુકાના લોક પ્રશ્ર્નોની સમીક્ષા પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. કેશોદ તાલુકા સેવા સદન ખાતે યોજાયેલા પ્રાંત કક્ષાના સંકલનની બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગ, તિજોરી, વન, સિંચાઈ વિભાગ, રેવન્યુ અને પીજીવીસીએલ, નગરપાલિકાના જાહેરહિતના પ્રશ્ર્નો રજુ કરવામાં આવ્યા હતા.આ પ્રશ્ર્નો અંગે પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, પ્રાંત કક્ષાએ જે પ્રશ્ર્નોનો ઉકેલ આવી શકે તેમ હોય તે પ્રશ્ર્નોનો ઉકેલ વહેલી તકે લાવવા અને તેનો રીપોર્ટ કરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, અગ્રણી અરવિંદભાઈ લાડાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.