• આંગણવાડીમાં જતા કોઈપણ બાળકનો જીવ જોખમાય નહિ તે સુનિશ્ચિત કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા
  •  આણંદ અને મહીસાગર જિલ્લાના જર્જરિત આંગણવાડી કેન્દ્રો સલામત સ્થળે સ્થાંતરીત કરાઇ
  • ગુજરાત છેલ્લા ૨૦ વર્ષથી રોજગારી આપવામાં નંબર-૧

ગુજરાત ન્યૂઝ : આંગણવાડીમાં જતા કોઈપણ બાળકનો જીવ જોખમાય નહિ તે સુનિશ્ચિત કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે અને અમારી સરકાર આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે, તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી  બાબરીયાએ જણાવ્યું કે, મહીસાગર જિલ્લામાં ૩૦૫ આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. આ આંગણવાડીના બાળકોની સલામતીની ચિંતા કરીને ૧૦૬ આંગણવાડીઓ ભાડાના મકાનમાં જ્યારે બાકીની ૧૯૯ આંગણવાડીઓ શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી સલામત જગ્યાએ ખસેડવામાં આવી છે.

તેવી જ રીતે, આણંદ જિલ્લામાં પણ ૯૩ આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જે પૈકીના ૨૩ કેન્દ્રો ભાડાના મકાનમાં તેમજ બાકીના ૭૦ કેન્દ્રો શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી જગ્યાએ ખસેડાયા છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં તમામ જર્જરિત આંગણવાડી કેન્દ્રોનું રીનોવેશન અને બાંધકામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧૬,૨૪૬ રોજ રોજગાર વાંચ્છુકોને રોજગારી અપાઈ

શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત છેલ્લા ૨૦ વર્ષથી નંબર-૧ છે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧૬,૨૪૬ રોજગાર વાંચ્છુકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રોજગારી અંગેના પ્રશ્નમાં તેમણે માહિતી આપતા કહ્યું કે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી દ્વારા નવસારી ખાતેથી પી.એમ. મિત્ર ટેક્ષટાઈલ પાર્કનું ભૂમિપૂજન કરાયું છે. જેના પરિણામે આગામી સમયમાં વધુ રોજગારી પ્રાપ્ત થશે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રોજગાર કચેરી દ્વારા એનર્જી પાર્ક ઉત્પાદન, રેડીમેડ ગારમેન્ટસ, પ્લાસ્ટિક, રબર ઉદ્યોગ અને રસાયણ ક્ષેત્રે રોજગાર વાંચ્છુકોને રોજગારી અપાઈ છે.

મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને રૂ. ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને રૂ. ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ છે.

વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાયના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ઉમેર્યું કે, તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર પ્રાઈઝીસની ૩૫૦ અરજીઓ મંજૂર કરાઈ હતી. તે પૈકી ૩૧૮ અરજીઓમાં ૧,૪૧૪.૭૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમણે અન્ય એક પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં ઉમેર્યું કે, મહેસાણા જિલ્લામાં હાલ ૩૪,૮૨૭ MSME એકમો નોંધાયા છે જેમમાં ૩૨,૪૪૬ સૂક્ષ્મ ઉદ્યોગો, ૨,૦૮૩ લઘુ ઉદ્યોગ અને ૨૯૮ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આવા એકમોએ પોતાની નોંધણી ‘અનુબંધમ’ પોર્ટલ પર કરવાની હોય છે. આ તમામ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે. વિવિધ યોજનાકીય લાભો પણ ઓનલાઇન મંજૂર કરીને પૂરા પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે

નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનો પાયલોટ બનીને રોજગારી મેળવી શકે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે આગામી સમયમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.

વિધાનસભા ખાતે રાજ્યમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર હસ્તકની હવાઈપટ્ટીઓ ખાતે ટેન્ડર પદ્ધતિથી ૧૫૦૦ ચો.મી જગ્યા ફાળવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭૪ વિદ્યાર્થીઓ દ્વારા મહેસાણા પટ્ટી ખાતે તાલીમ મેળવી છે જે પૈકી ૧૨૭ વિદ્યાર્થીઓને પાયલોટ માટેનું કોમર્શિયલ લાઇસન્સ પર મેળવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.